કિરણ પટેલ સાથે અધિકારીના દીકરાની થઈ ધરપકડ, CMOમાં કાર્યરત પિતાએ આપ્યું રાજીનામું

PC: hindustantimes.com

જમ્મુ-કાશ્મીરમાં પોતાને PMOનો અધિકારી કહેનાર મહાઠગ કિરણ પટેલ સાથે દીકરાનું નામ જોડાવા પર ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં કાર્યરત અધિકારીએ રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપનારા અધિકારીનું નામ હિતેશ પંડ્યા છે. હિતેશ પંડ્યા છેલ્લા 22 વર્ષથી ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં અતિરિક્ત જનસંપર્ક અધિકારી (PRO) તરીકે કામ કરી રહ્યા હતા. હિતેશ પંડ્યાએ 5 મુખ્યમંત્રીઓનો કાર્યકાળ જોયો છે. હિતેશ પંડ્યાએ કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ સહિત 5 મુખ્યમંત્રીઓને આધિન કામ કર્યું.

મહાઠગ કિરણ પટેલના કેસમાં વધુ 2 લોકોની ધરપકડ કરવા આવી છે. તેમાં જય સીતાપારા અને અમિત પંડ્યાનું નામ સામેલ છે. અમિત પંડ્યા હિતેશ પંડ્યાનો દીકરો છે. મહાઠગ કિરણ પટેસ સાથે દીકરાનું નામ આવ્યા બાદ એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા હિતેશ પંડ્યાએ કહ્યું કે, ‘મેં પોતાનું રાજીનામું મુખ્યમંત્રી (ભૂપેન્દ્ર પટેલ)ને સોંપી દીધું છે. કોઈએ મને રાજીનામું આપવા કહ્યું નથી. મને લાગ્યું કે રાજીનામું આપી દેવું જોઈએ. રાજીનામું આપ્યા બાદ હિતેશ પંડ્યાએ જણાવ્યું કે, પોતાનું બાકી કામ 31 માર્ચ સુધી સમાપ્ત કરીને કાર્યાલયથી મુક્ત થઈ જશે.

આ અગાઉ પોતાના રાજીનામાંના કલાકો પહેલા હિતેશ પંડ્યાએ સ્વીકાર્યું કે, તેમના 43 વર્ષીય દીકરા અમિત પંડ્યાએ આ મહિને કિરણ પટેલ સાથે બિઝનેસ માટે સહમતીથી જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો. અમિત અને જય સીતાપારા નામનો અન્ય એક વ્યક્તિ કિરણ પટેલ સાથે હતો, જ્યારે આ મહિનાની શરૂઆતમાં તેમની જમ્મુ-કાશ્મીરમાં ધરપકડ કરવામાં આવી. આ કેસમાં પૂછપરછ માટે અમિત પંડ્યા અને જય સીતાપારાને જમ્મુ-કાશ્મીર પોલીસે બોલાવ્યા છે.

હિતેશ પંડ્યાના જણાવ્યા મુજબ, કિરણ પટેલ વિરુદ્ધ કેસમાં અમિત નિર્દોષ છે અને તે સાક્ષી પણ છે. પોતાના દીકરાના હાલના સરનામા બાબતે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, તે વાસ્તવમાં કાશ્મીરમાં છે અને હું પહેલા દિવસથી જ કહી રહ્યો છું કે તેને (જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા) સાક્ષીના રૂપમાં નિવેદન નોંધાવવા માટે બોલાવવામાં આવ્યો હતો. હિતેશ પંડ્યાના જણાવ્યા મુજબ, તેમનો દીકરો પોતાના ફર્મ સેલ્ફ સોલ્યૂશન દ્વારા CCTV કેમેરા જેવા ઘરેલુ સુરક્ષાના ઉપકરણોનો બિઝનેસ કરે છે.

હિતેશ પંડ્યાએ એમ પણ કહ્યું કે, કેસમાં ધરપકડ થયેલો અમિત ભાજપ સાથે જોડાયેલો રહ્યો છે અને ગુજરાતના નોર્થ ઝોનમાં પાર્ટીનો સોશિયલ મીડિયા સેલનો સંયોજક હતો. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી કાર્યાલયના PRO હિતેશ પંડ્યાનો પુત્ર અમિત પંડ્યા ભાજપનો પ્રાથમિક સભ્ય છે. ભાજપે તેની વરણી સોશિયલ મીડિયા સેલમાં કરી હતી, પરંતુ કિરણ પટેલનો વિવાદ બહાર આવતા જ તેમાં અમિત પંડ્યાનું નામ ચર્ચામાં આવ્યું એટલે ભાજપે અમિત પંડ્યાને પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરી દીધો અને સોશિયલ મીડિયા સેલમાંથી પણ દૂર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp