26th January selfie contest

ગામના 8 લોકોને કેન્સરની બીમારી થતા 21 વર્ષથી ગુજરાતના આ આખા ગામે છોડ્યું વ્યસન

PC: divyabhaskar.co.in

હાલના આ દેખાદેખીના યુગમાં વ્યસન કરવું એ જાણે ફેશન બની ગયું છે. હાલના સમયમાં તમે ગમે તે સ્થળે જાઓ તમને ત્યાં કોઇને કોઇ તો વ્યસની મળી જ જશે. પરંતુ ગુજરાતનું એક ગામ એવું છે કે જ્યાં આખા ગામમાં કોઇ પણ વ્યકિત વ્યસન કરતું નથી. જી હા, કદાચ આ વાત સાંભળીને તમને આશ્ચર્ય થશે. પણ આ વાત સાચી છે. ગુજરાતનાં મહેસાણા જિલ્લામાં આશરે 6 હજારની વસ્તી ધરાવતા વડનગરના બાદરપુર ગામમાં નાનાથી લઈને મોટા સુધી સૌ કોઇ વ્યસનથી જાણે 100 ડગલાં દૂર રહે છે. આ ગામમાં છેલ્લા 21 વર્ષથી ગુટખા-તંબાકુના વેચાણ પર પ્રતિંબંધ છે. અને પોતાના આ નિર્ણયને કારણે આ ગામ કોઇ મંદિર, મસ્જિક કે પ્રવાસન સ્થળથી નહીં પણ પોતાના અડીખમ નિર્ણયથી ઓળખાય છે.

છેલ્લા 21 વર્ષથી વ્યસન નહીં કરવાના નિર્ણય પર અડગ છે ગામ

મહેસાણાથી 35 કિલોમીટર દૂર આવેલા વડનગરના બાદરપુર ગામમાં તમામ જ્ઞાતિ-જાતિના લોકો એકસંપ થઇને રહે છે. આખે-આખા ગામને વ્યસન મુક્ત કરવું એ કોઈ નાનો નિર્ણય નથી પણ ચોક્કસ આને ઐતિહાસિક નિર્ણય કહી શકાય. વર્ષ 1997 આસપાસ આ ગામના એક યુવાનનું વ્યસનના કારણે અકાળે મૃત્યુ થયું હતું. વ્યસનના કારણે આ યુવકનું ગંભીર બીમારીથી મોત નિપજયા બાદ વર્ષ 1997થી 2001ના સમયગાળામાં ગામના 8 જેટલા લોકોને કેન્સરની બીમારી થઈ હોવાનું સામે આવતા ગામના સરપંચ ગુલામ હૈદરે આખા ગામના લોકોને ભેગયા કર્યા અને એક નિર્ણય લીધો. અને આ નિર્ણય એ હતો કે, આજ પછી ગામમાં કોઇએ વ્યસન કરવું નહીં તેમજ કોઇ પણ પ્રકારના ગુટખા, તંબાકું અને બીડી જેવી વસ્તુંનું વેચાણ પણ કરવું નહીં.

સરપંચ દ્વારા સંભળાવવામાં આ નિર્ણયને આખા ગામે વધાવી લીધો. ત્યારબાદ બીજા દિવસે જેટલી ગામમાં જેટલી દુકાનો પર ગુટખા, તંબાકુની વસ્તુઓ હતી એ બધી વસ્તુઓ ગામલોકોએ ખરીદી લીધી અને તેની હોળી કરી દીધી. ત્યારથી લઈને આજ સુધી કોઇ પણ પ્રકારની દંડકીય કાર્યવાહી વગર આજે 21 વર્ષ બાદ પણ બાદરપુર ગામ પોતાના અડિખમ નિર્ણય પર અડગ છે.

સરપંચના આ નિર્ણય બાદ ગામના ખેડૂતોએ પણ તંબાકુની ખેતી કરવાનું બંધ કરી દીધું અને ગામને આ વ્યસનની જાળમાંથી બહાર લાવવામાં મદદ કરી. આ સાથે જ ગામમાં જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો ત્યારે આશરે 40 જેટલી દુકાનો હતી. જે નિર્ણય બાદ આ દુકાનોમાંની અડધી દુકાનો બંધ થઇ ગઇ છે.

રોજની 25 બીડી પીતા આ ગામના વૃદ્ધે એક ઝાટકે છોડી દીધી બીડી

રિપોર્ટ મુજબ ગામમાં વસવાટ કરતા 80 વર્ષીય હબીબભાઈનું કહેવું છે કે, મારી 15 વર્ષની ઉમરથી જ હું બીડી પીતો હતો. મને રોજની 25 બીડી પીવા જોઈતી હતી. પરંતુ ગામજનો દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય બાદ મે પણ બીડી પીવાનું છોડી દીધું છે. બીડી ન છોડવી મારા માટે ઘણી મુશ્કેલ હતી પણ મે છોડી દીધી. આ સાથે જ તેઓ કહે છે કે તમાકુ એક ઝેર છે અને ઝેર જેવું કામ કરે છે.

આ ઐતિહાસિક નિર્ણયને સાંભળીને ગામની બહારથી આવતા લોકો ચોંકી જાય છે

બાદરપુર ગામમાં જો કોઇ વ્યક્તિ બહારથી આવ્યો હોય અને તે દુકાન પર જઇને તંબાકુ કે ગુટખા માંગે તો દુકાનદાર તરફથી જવાબ મળે છે કે, અહીં આવું કઇ નહીં મળે. આ જવાબ સાંભળીને ઘણા લોકો ચોંકી જાય છે. અને જો તેમને વ્યસન વીના ચાલે એમ જ ન હોય તો બાજુના ગામમાં લેવા જવું પડે છે ગ્રામજનોના આ અડગ નિર્ણય પાછળનો હેતુ એટલો જ છે કે, ગામના એક-એક યુવક નિરોગી રહે. આ સાથે જ ગ્રામજનો ઇચ્છી રહ્યાં છે કે, યુવાનોના હિત માટે આવા નિર્ણય દરેક ગામે લેવા જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp