પતિના મૃત્યુ પછી સાસરિયાઓનું 'સતી' થવા દબાણ, વિધવાએ ઉઠાવ્યું દર્દનાક પગલું

PC: vtvgujarati.com

ગુજરાતમાંથી એક દર્દનાક સમાચાર સામે આવી રહ્યા છે. અહીં અમદાવાદમાં એક રાજસ્થાન મૂળની એક મહિલાએ સાબરમતી નદીમાં કૂદીને પોતાનો જીવ આપ્યો છે. મહિલાના સાસરિયાઓ પર તેને સતત ટોર્ચર કરવાનો આરોપ છે. પતિના મૃત્યુ બાદ તેઓ મહિલાને સતત માનસિક ત્રાસ આપતા હતા અને પરેશાન કરતા હતા. હાલ પૂરતું પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

આ મૃતક મહિલાનું નામ સંગીતા લખરા છે. તે મૂળ રાજસ્થાનની રહેવાસી હતી. તે તેના પતિ સાથે ગુજરાતના અમદાવાદમાં રહેતી હતી. તેના પતિનું અવસાન થઇ જતા તેના સાસરીયાઓ તેને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. તેઓ મહિલાને સતત એવું કહેતા રહેતા હતા કે, તે તેના પતિના મૃત્યુ પછી સતી કેમ ન થઇ ગઈ. આ રીતે સતત ટોર્ચર અને પરેશાનીથી કંટાળીને આખરે મહિલાએ સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કરી લીધો હતો.

હકીકતમાં, સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મહિલાના પતિએ ગુજરાતમાં પોતાનું ઘર ખરીદ્યું હતું. આ ઘર પતિ-પત્ની બંનેના નામે હતું. બંને પતિ-પત્ની ત્યાં સાથે રહેતા હતા. થોડા સમય પછી પતિનું અચાનક અવસાન થઇ ગયું, જેના પછી મહિલા સંપૂર્ણપણે એકલી થઈ ગઈ. આ ઓછું હોય તેમ તેના સાસરીયાઓ હંમેશા તેને હેરાન કરતા રહેતા હતા.

પોલીસ અધિકારીનું કહેવું છે કે, તેના પતિના મૃત્યુ બાદ મહિલાને 54 લાખ રૂપિયાનો વીમો પણ મળ્યો હતો. જ્યારે સાસરિયાઓને આ વિમાના મળેલા પૈસાની જાણ થઈ ત્યારે તેઓ તેમાં ભાગ લેવા માંગતા હતા. તેઓ કહેતા હતા કે વીમાના મળેલા પૈસાને બે ભાગમાં વહેંચી દો. આટલું જ નહીં, તેઓ ગુજરાતમાં લીધેલા ઘરમાં પણ તેમનો અધિકાર માંગતા હતા. સાસરિયાઓ હંમેશા મહિલા પર આ વિષય પર હંમેશા દબાણ લાવતા હતા. તો બીજી તરફ મહિલાના સાસુએ કહ્યું કે, ગુજરાતમાં લીધેલું ઘર તેના નામ પર કરી દો.

સાસરિયાઓ મહિલા પર સતી થવા માટે સતત દબાણ કરતા હતા. તેઓ મહિલાને સતત કહેતા રહેતા હતા કે, પતિના મૃત્યુ પછી તેણે પોતાનો જીવ કેમ ન આપી દીધો? આ તમામ બાબતોના કારણે મહિલાને દરરોજ માનસિક-શારીરિક ત્રાસનો સામનો કરવો પડતો હતો. તે આ બધી બાબતોથી પરેશાન થતી રહેતી હતી. આખરે એક દિવસ તેણે હાર માની લીધી અને નદીમાં કૂદીને તેના જીવનનો અંત લાવી દીધો.

આ મામલામાં પોલીસ અધિકારી M.V. પટેલે જણાવ્યું કે, મહિલાના સાસરિયાઓ સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp