લગ્ન પછી તરત નવદંપતી હનિમૂનને બદલે પ્રમુખસ્વામી મહોત્સવમાં સેવામાં જોડાયું
અમદાવાદ ખાતે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યાં આ ઉજવણીના ભાગરૂપે નિર્માણ પામેલા પ્રમુખસ્વામી નગરમાં દિન પ્રતિદિન મુલાકાત લેનારાઓની સંખ્યામાં વધારો થતો જાય છે. હરિભક્તોમાં આ મહોત્સવમાં સેવાકાર્ય માટે ભારે પડાપડી થઈ હતી. દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં આ સેવાકાર્યમાં હરિભક્તો જોડાયા છે, જેમાંથી નોકરી છોડીને પણ કેટલાક લોકો તો, અહીં સેવા કરવા માટે આવ્યા છે. તેમજ કેટલાક લોકોએ તો પોતાની નોકરી પણ જતી કરી છે. જ્યારે હરિ ગુરુનો રાજીપો મેળવવા વ્યવસાય કરનારા હરિભક્તો અન્યને ધંધો સોંપીને આવી ગયા છે.
જ્યારે કેટલાક પરિવારે તો પોતાનાં સંતાનોના લગ્નની તારીખ પણ લંબાવી દીધી છે. જ્યારે લગ્નગ્રંથિથી જોડાયા બાદ હનીમૂન મનાવવાને બદલે અમુક લોકો સીધા જ સેવામાં જોડાઈ ગયા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. તેમાંથી સેવામાં જોડાવાનો એક કપલે લગ્ન બાદ તરત નિર્ણય કર્યો. તો એક યુવકે ગુણભાવિ પત્ની તથા તેનાં સાસરિયાંને લગ્ન પહેલાં જ વાત કરી લીધી હતી કે લગ્ન બાદ તે સેવામાં જશે. આમ, હરિભક્તોમાં બાપાની સેવા માટે અતિઉત્સાહ અને ઉંમગ જોવા મળી રહ્યો છે. આવો... જાણીએ નવદંપતી તથા યુવક શું કહે છે?
સૌમિલ કમલેશ મોદી કે જેઓ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહે છે અને પ્રાઇવેટ બેંકમાં ફરજ બજાવે છે. તેમણે જણાવ્યું હતું કે, હું 35 દિવસની સેવામાં જોડાયો છું. વિશ્વવંદનીય સંત હતા પ્રમુખસ્વામી. જ્યારે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની વાત કરીએ છે ત્યારે બધાને ગુણાનુભાવ થાય છે અને રાજીખુશીથી બધા રજા પણ આપતા હોય છે. બેંકમાંથી મને પણ રજા આપી દેવામાં આવી હતી. એપ્રિલ 2022મા મારી સગાઇ થઇ હતી. શતાબ્દી મહોત્સવ પહેલાં લગ્ન વિધિ રાખવી કે પછી રાખવી તે વિશે અમે વિચારતા હતા? પત્રો દ્વારા પ્રમુખસ્વામી મહારાજ માર્ગદર્શન આપતા હતા.
મહંત સ્વામી મહારાજને એ જ શ્રુંખલામાં પત્ર લખીને અમે માર્ગદર્શન માગ્યું હતું. આશીર્વચન આપતાં મહંત સ્વામી મહારાજે કહ્યું, લગ્નવિધિ શતાબ્દી મહોત્સવ પહેલાં જ કરી દો. તો જ શતાબ્દી મહોત્સવમાં સજોડે સારામાં સારી સેવા થઈ શકે. 27-11-2022ના રોજ મહંત સ્વામીના આશીર્વાદથી અમે લગ્ન કર્યા. પૂર્વતૈયારીના ભાગ રૂપે લગ્નવિધિ પછી નગરમાં આવવા જવાનું તો રહેતું જ હતું, પરંતુ 11 ડિસેમ્બર 2022ના રોજ અમે સેવામાં આવી ગયાં છે. મારાં પત્ની પણ સત્સંગી છે આ સાથે જ તેઓ યોગ્ય તાલીમ કેન્દ્રના સભ્ય પણ રહી ચૂક્યાં છે. લગ્ન પછી અમે સજોડે અહીં સેવામાં જોડાઈ ગયાં છે.
જ્યારે અન્ય એક યુવક કે જે પણ અમદાવાદમાં જ રહે છે અને એકાઉન્ટન્ટ તરીકે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે જેનુ નામ રોનક બળદેવભાઇ ધુમાલે છે તેઓ જણાવે છે કે, 25-11-2022ના રોજ મારા લગ્ન થયા હતા. 13-12-2022થી અહીં હું સેવામાં જોડાયો છું, મારા ધર્મપત્ની ગુણભાવિ છે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા જવા અંગે મેં લગ્ન પહેલાં જ વાત કરી હતી. જે માટે તેઓ પણ તૈયાર હતાં.
અમે ફરવા જવાનું કોઈ પ્લાનિંગ કર્યું જ નહીં કારણ કે,શતાબ્દી મહોત્સવમાં સેવા માટે જવાનું અમારે નક્કી હતું. 18-1-2023ના રોજ મારી સેવા પૂરી થશે. હું 35 દિવસની સેવામાં છું. ફરવા જવા અંગે અમે સેવા પુરી થયા બાદ ચર્ચા કરીને વિચારીશું.
શતાબ્દી મહોત્સવમાં સેવા કરી રહેલા સ્વયંસેવકો જોગ ઓડિયો મારફતે મહંત સ્વામીએ સંદેશો જારી કર્યો છે, જેમાં દરેક સ્વંયસેવક અંગે મહંત સ્વામીએ જણાવ્યું છે કે, સ્વયંસેવકો, તમે બધા જોરદાર સેવા કરી રહ્યા છો, ભગવાન આપણી સાથે છે. બળ અને હિંમત રાખીને તમે બધા સેવા કર્યે જજો. તમને બધાને ખૂબ બળને હિંમત રહે તેવા તમને આશીર્વાદ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp