તત્કાલીન CM મોદીને ફસાવવા અહેમદ પટેલે તિસ્તાને 30 લાખ આપેલા: ગુજરાત સરકાર

તિસ્તા સેતલવાડની જામીન અરજીનો વિરોધ કરતા રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અનેક ખુલાસા કર્યા છે. સરકારી વકીલે કહ્યું કે અહેમદ પટેલે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની છબી ખરાબ કરવા માટે તિસ્તાને રૂપિયા આપ્યા હતા.
ગુજરાતના રમખાણો પછી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ફસાવવાના કેસમાં પકડાયેલી NGOની સંચાલિકા તિસ્તા સેતલવાડને લઇને મોટો ખુલાસો થયો છે. તિસ્તાની જામીન અરજીનો વિરોધ કરીને રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરેલા પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે તિસ્તા સેતલવાડની પુરાવાઓ સાથે છેડછાડ કરવાની ક્ષમતા જ તેને જામીન નકારવાનું સૌથી મોટું કારણ હોવું જોઇએ.
રાજ્ય સરકારે વધુમાં જણાવ્યું હતું કે તેની સામે પુરાવા પણ મળ્યા છે કે તેણે ખોટા પુરાવા બનાવ્યા હતા. સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે સેતલવાડને 2002ના ગુજરાત રમખાણો પછી નરેન્દ્ર મોદી સરકારને ઉથલાવી પાડવા માટે કોંગ્રેસના નેતા અહેમદ પટેલે 30 લાખ રૂપિયા આપ્યા હતા.
સરકારી વકીલ મિતેશ અમીને ન્યાયાધીશ નિરજાર દેસાઇની કોર્ટમાં કોંગ્રેસના નેતા અહેમદ પટેલનું નામ લઇને રજૂઆત કરી હતી કે સેતલવાડ અમુક રાજકીય પક્ષોના રાજકારણીઓની કઠપુતળી બની ગઇ હતી.અહેમદ પટેલનું 2020માં નિધન થયું હતું.
સરકારી વકીલ મિતેશ અમીને કોર્ટને આગળ કહ્યુ કે તિસ્તા સેતલવાડે તે પછી પૂર્વ IPS સંજીવ ભટ્ટ અને સેવામાંથી નિવૃત થયેલા DGP આર બી. શ્રીકુમારને આ ષડયંત્રનો હિસ્સો બનાવ્યા હતા. આ બંને સહ આરોપી છે. આ ષડયંત્રનો હેતું વર્ષ 2002માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ફસાવવાનો અને તેમની ઇમેજ ખરડાવવાનો હતો.
ગુજરાતના રમખાણોના મામલે ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપી હતી. ગુજરાતના રમખાણોમાં મોતને ભેટેલા કોંગ્રેસના સાંસદ અહેસાન જાફરીની પત્ની જાકિયા જાફરી દ્રારા દાખલ કરેલી અરજીને કોર્ટે રદ કરીને કહ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સામે કોઇ પણ પુરાવા નથી.
આ પહેલાં પણ ગુજરાત સરકારે સેશન કોર્ટમાં આ જ વાતનો આધાર આપીને તિસ્તા સેતલવાડની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. રાજ્ય સરકારે કોર્ટમાં એક સાક્ષી રઇસ ખાનનો ઉલ્લેખ કરીને કહ્યુ હતું કે, રઇસ ખાને પણ તીસ્તા સેતલવાડ ષડયંત્રનો હિસ્સો હોવાનું કહ્યું હતું. રઇસ ખાને તેના નિવેદનમાં કહ્યું હતું કે, અમદાવાદના સર્કિટ હાઉસમાં અહેમદ પટેલ અને તિસ્તા સેતલવાડની મુલાકાત થઇ હતી. ચાર્જશીટમાં તિસ્તા સેતલવાડને 30 લાખ રૂપિયા મળ્યા હોવાની વાત કહેવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp