120 નહીં પણ આટલી સ્પીડે દોડાવેલી તથ્ય પટેલે જેગુઆર, FSL રિપોર્ટમાં ખુલાસો

PC: indianexpress.com

અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઈવેના ઈસ્કોન ફ્લાઈઓવર અકસ્માતમાં જેગુઆર કારની સ્પીડને લઈ મોટો ખુલાસો થયો છે. જણાવીએ કે 19 જુલાઈના રોજ રાતે એસજી હાઈવેના ઈસ્કોન બ્રીજ પર પૂરપાટે દોડી રહેલી જેગુઆર કારે 21 લોકોને કચડી નાખ્યા હતા. જેમાં 9 લોકોના મોત થયા છે. બે ઈજાગ્રસ્તોની સ્થિતિ હજુ પણ ગંભીર છે. 

ફોરેંસિક સાયન્સ લેબોરેટરી(FSL) રિપોર્ટમાં સામે આવ્યું છે કે જેગુઆર કાર જેટની સ્પીડે દોડી રહી હતી. આ કારે જ્યારે થાર-ડંપર અકસ્માતના ઘટનાસ્થળે ઊભા રહેલા લોકોને કચડ્યા ત્યારે જેગુઆરની સ્પીડ 142.5 કિલોમીટર પ્રતિ કલાકની હતી. FSL રિપોર્ટના ખુલાસા પછી હવે જેગુઆર ચલાવનારા તથ્ય પટેલની મુશ્કેલીમાં વધારો થશે.

તથ્ય પટેલને 24 જુલાઈના રોજ ફરી મિર્ઝાપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. પાછલી વખતે કોર્ટે તેને 3 દિવસની પોલીસ રિમાંડ પર મોકલ્યો હતો. જેની સમય સીમા 24 જુલાઈના રોજ સાંજે ખતમ થઇ. FSL રિપોર્ટ બાદ તથ્ય પટેલની મુશ્કેલી વધશે. FSL રિપોર્ટે તથ્ય પટેલના મિત્રોના દાવાઓની પણ પુષ્ટિ કરી છે. જેમાં તથ્યના મિત્રોએ દાવો કરેલો કે તથ્ય પટેલ રેશ ડ્રાઈવિંગનો શોખીન છે. તેને સ્પીડમાં કાર ચલાવવાનો શોખ છે. FSL રિપોર્ટ ઉપરાંત 3 જુલાઈના રોજ સિંધુભવન રોડ પર થાર કારની રેસ્ટોરેન્ટમાં ટક્કરના મામલામાં પણ તથ્ય પટેલનું નામ FIRમાં જોડી દેવામાં આવ્યું છે.

એવામાં તથ્યના વકીલને બચાવ કરવામાં એ મુશ્કેલી રહેશે કે રસ્તા પર શા માટે લોકો ઊભા હતા. પોલીસે બેરિકેડિંગ શા માટે ન કરી અને ફ્લાઈઓવર પર અંધારુ શા માટે હતું. પોલીસ તરફથી સરકારી વકીલ હવે તથ્ય પટેલને કોર્ટમાં રેશ ડ્રાઈવર તરીકે સાબિત કરશે.

તથ્યના પિતાની મુશ્કેલીઓ પણ વધશે

જેગુઆર દ્વારા 9 લોકોના જીવ લેનારા તથ્ય પટેલની સાથે તેના પિતા પ્રગ્નેશ પટેલની મુશ્કેલીમાં પણ વધારો થશે. જાણકારી અનુસાર તથ્યના પિતા પ્રગ્નેશ પટેલને જે મામલાઓમાં જામીન મળી છે, એમાં તેમના જામીન રદ્દ થઇ શકે છે. તથ્ય પટેલના પિતા પ્રગ્નેશ પટેલની પોલીસે રિમાંડ માગી નહોતી. ત્યાર પછી મિર્ઝાપુર કોર્ટે પ્રગ્નેશ પટેલને 14 દિવસની જ્યૂડિશ્યિલ કસ્ટડીમાં મોકલી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp