ગુજરાત યુનિવર્સિટીએ કેજરીવાલની મુશ્કેલી વધારી, અમદાવાદ કોર્ટનું ફરી સમન્સ

PC: magicbricks.com

ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી છે. અમદાવાદની કોર્ટે કેજરીવાલ અને સંજય સિંહ સામે ફરી સમન્સ જારી કર્યું છે. જો કે AAP ગુજરાતની લીગલ ટીમનું કહેવું છે કે આવું કોઇ સમન્સ મળ્યું નથી. કોર્ટે આ કેસમાં 7 જૂને સુનાવણીની તારીખ જાહેર કરેલી છે.

ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધતી દેખાઇ રહી છે.અમદાવાદ કોર્ટે સમન્સની પ્રથમ સુનાવણી હાથ ધરી હતી. આ પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ વિરુદ્ધ બે વખત સમન્સ જારી કરવામાં આવ્યા હતા. કોર્ટે ફરી જારી કરેલા સમન્સમાં માનહાનિના કેસની ફરિયાદની નકલ જોડી છે. કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને 7 જૂને કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે.PM મોદીની ડિગ્રી સાથે જોડાયેલા વિવાદમાં અરવિંદ કેજરીવાલ અને AAP નેતા સંજય સિંહ પર યુનિવર્સિટીની છબી ખરાબ કરવાનો આરોપ લાગ્યો છે.

ગુજરાજ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલ દ્વારા દાખલ કરાયેલા આ કેસમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ પર યુનિવર્સિટીની છબી ખરાબ કરવાનો આરોપ છે. ગુજરાત હાઈકોર્ટના નિર્ણય બાદ બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. યુનિવર્સિટીનો આરોપ છે કે આ બંને નેતાઓએ હાઈકોર્ટના નિર્ણય બાદ પણ યુનિવર્સિટી વિરુદ્ધ ખોટી ટિપ્પણીઓ કરી હતી. જેના કારણે લોકોમાં યુનિવર્સિટી વિશે ખોટી ઇમેજ ઉભી થઇ હતી અને લોકોમાં એવી ધારણા હતી કે ગુજરાત યુનિવર્સિટી બોગસ અને નકલી ડિગ્રીઓ  જારી કરે છે.

PM મોદીની ડિગ્રી વિશે માહિતી આપવાના CICના આદેશ સામે ગુજરાત યુનિવર્સિટીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. લાંબી રાહ જોયા બાદ ગુજરાત હાઈકોર્ટે CICના આદેશને રદ કર્યો હતો. આ પછી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તો AAP નેતા સંજય સિંહે બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં ગુજરાત યુનિવર્સિટી તરફથી હાજર રહેલા એડવોકેટ અમિત નાયરે જણાવ્યું હતું કે કોર્ટે બંને નેતાઓને પહેલા જ સમન્સ જારી કરી દીધા છે. કોર્ટે આ મામલે ફરી એકવાર બંને નેતાઓને સમન્સ જારી કર્યા છે. જેમાં ગુજરાત યુનિવર્સિટીની બદનક્ષીની ફરિયાદને સમન્સ સાથે જોડવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે, જેથી આ મામલે સુનાવણી થઈ શકે. કોર્ટ આ કેસની સુનાવણી હવે 7 જૂને કરશે. અમદાવાદની કોર્ટમાં સુનાવણીના એક દિવસ પહેલા આમ આદમી પાર્ટીની લીગલ ટીમના પ્રણવ ઠક્કરે કહ્યું હતું કે, હજુ સુધી અરવિંદ કેજરીવાલ કે સંજય સિંહ બેમાંથી કોઇને સમન્સ મળ્યા નથી. સમન્સ મળ્યા પછી જ તેઓ કોર્ટમા હાજર થશે.

એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયેશ ચોવટિયાની કોર્ટે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી અંગે ગુજરાત યુનિવર્સિટી વિરુદ્ધ તેમના 'કટાક્ષપૂર્ણ' અને 'અપમાનજનક' નિવેદનો બદલ ફોજદારી બદનક્ષીની ફરિયાદમાં સમન્સ જારી કર્યા હતા. ભારતીય દંડ સંહિતાની કલમ 500 (બદનક્ષી) હેઠળ તેમની સામે પ્રથમ દ્રષ્ટીએ કેસ રજૂ થયો હોવાનું ધ્યાને લેતા કોર્ટે બંને નેતાઓને સમન્સ પાઠવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયુષ પટેલે CM અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ વિરુદ્ધ માનહાનિનો કેસ કરેલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp