પત્નીએ પ્રેમી સાથે ઘડ્યું પતિની હત્યાનું કાવતરું, પ્રેમીએ આપ્યો હત્યાને અંજામ

PC: divyabhaskar.co.in

લગ્ન બાદના પ્રેમ સંબંધોને કારણે હત્યાના બનાવો એક પછી એક સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક બનાવ અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં સામે આવ્યો છે. જેમાં પત્નીએ તેના પ્રેમી અને એક યુવતી સાથે મળી પોતાના પતિની હત્યાને અંજામ આપ્યો છે. મૃતક યુવક જ્યારે તેના પરિવાર સાથે રાજસ્થાન ફરવા ગયો હતો ત્યારે બાળકોને મૂકી તેની પત્ની તેના પ્રેમી સાથે ફરવા જતી રહેતી હોવાની જાણ યુવકે તેના પિતાને કરી હતી. બાદમાં આ વાત કોઈને ન કરવા પત્નીના પ્રેમીએ યુવકને ધમકી આપી હતી. ત્યાર બાદ આ ડરથી યુવકને તેની પત્નીના પ્રેમીએ મળવા બોલાવ્યો હતો અને છરીના ઘા મારી તેની હત્યા કર્યા બાદ લાશ કૂવામાં ફેંકી દીધી હતી. જો કે, આ આખો ભાંડો મૃતક યુવક ગુમ હોવાની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા ફૂટી ગયો હતો. આથી નિકોલ પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ઘટનાની વિગતે વાત કરીએ તો, અમરેલીના વિરડી ગામમાં રહેતા ગોબરભાઇ લક્કડ કે જેઓ ખેતી કામ કરી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે, જેમાંથી તેમના દીકરા મહેશ ઉર્ફે મયુરના લગ્ન મિરલ ઉર્ફે મીરા સાથે આઠેક વર્ષ પહેલા થયા હતા. છેલ્લા એકાદ વર્ષથી મહેશ પોતાના સસરાના ઘરે અમદાવાદ ખાતે રહેતો હતો અને રીક્ષા ચલાવતો હતો. મહેશને પણ સંતાનમાં બે દીકરા છે. લગભગ 10 દિવસ પહેલાં મહેશ તેની પત્ની તથા બે દીકરાઓ સાથે રાજસ્થાન ફરવા ગયો હતો. જે સમયે, મહેશનો તેના પિતા ઉપર ફોન આવ્યો હતો ત્યારે મહશે પિતાને જણાવ્યું હતું કે, તે તેની પત્ની અને દીકરાઓ સાથે રાજસ્થાન ખાતે ફરવા આવ્યો છે. જ્યાં અનશ ઉર્ફે લાલો મનસુરીની સાથે તેની પત્ની બે દીકરાઓને મૂકીને બહાર ફરવા જતી રહે છે. જે વિશે વાત કરતાં મહેશે મીરલના અનસ સાથે આડા સંબંધોની શંકા પિતા આગળ વ્યક્ત કરી હતી. બાદમાં અમદાવાદ આવીને ફરી તેની પત્નીના આડા સંબંધોની શંકા મહેશે વ્યક્ત કરી હતી. જે બાબતે મિરલ તેની બહેનપણી ખુશી તથા મિરલના પ્રેમીએ મહેશને ધમકાવ્યો હતો કે, બીજા કોઈ સગા સંબંધીઓને આ સંબંધની વાત કહીશ તો તને જાનથી મરાવી નાખીશ.

જે બાદ મહેશની માતાએ દીકરાની પત્ની મિરલ સાથે વાત કરી હતી અને તેને પ્રેમસંબંધ નહીં રાખવા માટે સમજાવી હતી. ત્યાર બાદ, મયુરે તેના પિતાને ગત તારીખ 5ના રોજ ફોન કરીને જણાવ્યું હતું કે, તે તેના બંને દીકરાઓ સાથે ગામડે આવે છે અને મિરલ તેની સાથે ગામડે આવવાનું ના કહે છે. તે તેના પિતાના કહ્યામાં પણ નથી. બાદમાં દીકરો ગામ આવવા માટે બસમાં બેસી ગયો કે કેમ, તે બાબતને લઈને પૂછવા માટે મહેશના પિતા ગોબરભાઇએ મહેશને ફોન કરતાં મહેશનો ફોન સ્વીચ ઓફ આવતો હોવાને કારણે તેમણે વહુ મિરલને ફોન કર્યો હતો. જો કે, મિરલનો ફોન તેની બહેનપણી ખુશીએ ઉપાડ્યો હતો અને કહ્યું હતું કે, અનસ ઉર્ફે લાલાએ મહેશને બોલાવ્યો છે આથી તે ઘરે નથી. જે બાદ મહેશના પિતાએ અવારનવાર ફોન કરી મહેશ બાબતે પૂછતાં મિરલની બહેનપણી ફોન ઉપાડી દર વખતે કહેતી હતી કે, તે ઘરે પરત નથી આવ્યો. અને આટલું કહી તે ફોન મૂકી દેતી હતી. જો કે, મહેશ મોડી રાત સુધી ઘરે પરત નહીં આવતા મહેશના પિતાએ અમદાવાદ ખાતે રહેતા તેમના સંબંધીને ફોન કરીને મહેશના સસરાના ઘરે તપાસ કરવા માટે જણાવ્યું હતું. આથી મહેશના સાસરે સંબંધીઓ તપાસ કરવા ગયા હતા. ત્યાં જઈને પૂછપરછ કરતા તેમણે તેવો જવાબ આપી દીધો હતો કે મહેશ રાત્રે ક્યાંક જતો રહ્યો છે.

જો કે, મહેશ વિશે કોઈ યોગ્ય જાણકારી નહીં મળતા મહેશના પિતા પણ અમદાવાદ તેમના વેવાઈના ઘરે પહોંચી ગયા હતા. જો કે, તેમના દીકરા વિશે અહીં આવ્યા બાદ પણ કોઈ યોગ્ય માહિતી તેમને નહીં મળતા તેમણે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે પોતાનો દીકરો ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ફરિયાદના આધારે પોલીસે મહેશની પત્ની તથા તેની બહેનપણી ખુશી અને અનસની પૂછપરછ કરતા આ ત્રણેય પોલીસ પૂછપરછમાં ભાંગી પડ્યા હતા અને મહેશને મારી નાખવા માટે કાવતરું ઘડી તેને કઠવાડા ખાતે અનસે બોલાવ્યા બાદ એક ખેતરમાં લઈ જઈ મહેશના ગળાના ભાગે ચપ્પાથી ઘા માર્યા બાદ ત્યાં એક ખેતરમાં આવેલા કુવામાં નાખી દીધો હોવાની કબૂલાત કરી હતી. જે બાદ નિકોલ તથા કૃષ્ણનગર પોલીસે સમગ્ર બાબતે તેઓના જણાવ્યા મુજબના સ્થળ પર પહોંચી તપાસ કરતાં તેમને ખેતરના કૂવામાંથી મહેશની લાશ મળી આવી હતી. જે બાદ પોલીસે કૂવામાંથી મહેશની લાશ કાઢ્યા બાદ તેને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp