50 કરોડમાં બનેલો પુલ 5 વર્ષમાં ખખડધજ, તોડી પડાશે હાટકેશ્વર બ્રિજ, જવાબદાર કોણ?

PC: jantaserishta.com

અમદાવાદમાં બ્રિજ ઓફ કરપ્શનના નામથી પ્રખ્યાત હાટકેશ્વર બ્રિજને ધ્વસ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રિજના ઉપરના હિસ્સાના બધા સ્પાન (સ્લેબ) તોડવામાં આવશે. ઇતિહાસમાં પહેલી વખત કોઈ સ્ટેન્ડિંગ બ્રિજને તોડવામાં આવશે. આ પુલના નિર્માણમાં અનિયમિતતા કરનારા જવાબદાર 4 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના વિવાદાસ્પદ હટકેશ્વરમાં છત્રપતિ શિવાજી મહારાજ પુલને ધ્વસ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હાટકેશ્વર ફ્લાઇઓવર બ્રિજ છેલ્લા 9 મહિનાથી બંધ છે. તપાસના નામ પર અત્યાર સુધી 4 એજન્સીઓનો રિપોર્ટ આવી ચૂક્યો છે. બધાના રિપોર્ટમાં ખરાબ મટિરિયલનો ખુલાસો થયો છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર અધિકારીઓ અને નિર્માણ કરનારી એજન્સી પર કાર્યવાહી કરવાને બદલે તપાસ પર તપાસ કરાવી રહી છે. ક્યારેક સ્લેબની તપાસ થાય છે તો ક્યારેક પિલરની તપાસ થઈ રહી છે. દાવો કરવામાં આવ્યો હતો કે આ બ્રિજ 50 વર્ષ સુધી ચાલશે, પરંતુ એ 5 વર્ષ પણ સારી રીતે ન ચાલી શક્યો.

પુલનું નિરીક્ષણ સરકાર સાથે સાથે જ ખાનગી એજન્સીઓ દ્વારા પણ કરવામાં આવ્યું હતું. IIT રુડકીએ આ પુલની ગુણવત્તાનું નિરીક્ષણ કર્યું અને ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવાની ભલામણ કરી. જો કે, આ પુલ છેલ્લા કેટલાક વર્ષોથી જર્જરિત સ્થિતિમાં છે એટલે સ્થાનિક લોકોએ સિસ્ટમને વારંવાર જોખમ બાબતે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. હાટકેશ્વર પુલની ગુણવત્તા પર શંકા વ્યક્ત કરતા કમિશનરે 3 સભ્યોની કમિટીને તપાસ માટે આદેશ આપ્યા. કમિટીએ તપાસ કરીને રિપોર્ટ કમિશનરને સોંપ્યો છે. જો કે, આ પુલની ગુણવત્તા ખૂબ જ ખરાબ છે અને આ લોકો માટે ખતરનાક હોવાનું જાણવા મળ્યું છે એટલે તેને ધ્વસ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર થેન્નારાસને જણાવ્યું હતું કે, હાટકેશ્વર બ્રિજની એક્સપર્ટ કમિટીનો રિપોર્ટ આવ્યો છે, તે મુજબ મૂળ કારણ બ્રિજની ક્વોલિટી નબળી હતી. અમે તમામ ટેસ્ટ કરાવ્યા હતા. હવે 4 પ્રકારના કામ થશે. કોન્ટ્રાક્ટર અને PMC કંપની બંને સામે પોલીસ ફરિયાદની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 4 એન્જિનિયરને સસ્પેન્ડ કરવામા આવ્યા છે. બ્રિજના મુખ્ય બે 42 મીટરના સ્પાન તોડવાની ભલામણ હોવાથી સુપર સ્ટ્રક્ચર તોડવામાં આવશે.

એ સિવાય નીચેના પિલ્લરની પણ ક્વોલિટી શંકાસ્પદ છે. બ્રિજ તોડવા અને નવો બનાવવાનો ખર્ચ કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને ભોગવવાનો રહેશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ અને PMC કંપની SGS ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. ખોખરા પોલીસ સ્ટેશનમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. નિવૃત્ત થયેલા અધિકારીઓને આજે ચાર્જશીટ આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp