અંબાલાલ પટેલની આગાહી- આ સમયે પડશે કાળઝાળની ગરમી

PC: gujarati.news18.com

રાજ્યમાં છેલ્લા 3-4 દિવસથી ગરમીમા સતત વધારો થઇ રહ્યો છે. ઉત્તરથી ઉત્તર-પૂર્વીય ગરમ સુકા પવનોની અસરના કારણે શનિવારે અમદાવાદનું તાપમાન 37.7 ડિગ્રીએ પહોંચ્યું હતું. જેથી લોકો ફેબ્રુઆરીમાં જ ત્રાહીમામ-ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. ગુજરાતમાં અમદાવાદ સહિત 12 શહેરમાં ગરમીનો પારો 37-39 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. હજુ બે દિવસ ગરમીનું જોર યથાવત રહ્યા બાદ સામાન્ય ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે કરી છે. એ સિવાય હવામાન વિશેષજ્ઞ અંબાલાલ પટેલે પણ ફેબ્રુઆરી મહિનાના અંતમાં કાળઝાળ ગરમી પડશે તેવી આગાહી કરી છે.

હવામાન વિભાગના આંકડાઓ મુજબ, છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદમાં ગરમીનો પારો સામાન્ય કરતા 7 ડિગ્રી વધ્યો છે. જેના કારણે શહેરમાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડક રહ્યા બાદ બપોરના સમયે લોકોને ગરમીનો અનુભવ થઇ રહ્યો રહ્યા છે. શુક્રવારે પણ રાજ્યના 10થી વધુ શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર નોંધાયો હતો. જેમાં અમદાવાદમાં 37.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. જે સામાન્ય કરતા 6.9 ડિગ્રી વધુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અમદાવાદમાં અત્યારે 30.8 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન રહેવુ જોઇએ. છેલ્લા ત્રણ દિવસથી 37 ડિગ્રીને પાર નોંધાવા લાગ્યું છે. જેના કારણે દિવસ દરમિયાન અચાનક જ ગરમીમાં વધારો થઇ ગયો.

ગુજરાતીઓના મનપસંદ હિલ સ્ટેશન કહેવાતા માઉન્ટ આબુમાં પણ હવે ઠંડીનું પ્રમાણ નહિવત રહ્યું છે. દિવસ દરમિયાન તાપમાન 22 ડિગ્રી નોંધાયુ હતું, ત્યારે મોડી રાત્રે તાપમાનનો પારો 8 ડિગ્રી પર અટક્યો હતો. આમ માઉન્ટ આબુમાં હવે ઠંડીનું પ્રમાણ ઘટતા સહેલાણીઓનો ધસારો વધવા લાગ્યો છે. રજાના દિવસો દરમિયાન અહીં મોટી સંખ્યામાં સહેલાણીઓ મઝા માણવા આવી રહ્યા છે. દેશમાં ગુજરાત સહિત 7 રાજ્યો પંજાબ, ઓરિસ્સા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડમાં મહત્તમ તાપમાન પહેલાથી તે સ્તરે પહોંચી ગયું છે, જે માર્ચના મધ્યમાં નોંધાય છે.

આ સાત રાજ્યોમાં સામાન્યથી મહત્તમ તાપમાન નોંધાયું હોવાથી આ વર્ષે ભારે ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિશેષજ્ઞ અંબાલાલ પટેલે અનુમાન લગાવ્યું છે કે, રાજ્યમાં ઠંડીનું જોર ધીમે-ધીમે ઘટી રહ્યું છે. જેના પરિણામે રોજબરોજ ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે. ઠંડીએ આ વખતે મોડા-મોડા ધ્રુજાવ્યા બાદ હવે ધીમે-ધીમે ગરમી વધી રહી છે અને ફેબ્રુઆરીના અંત સુધીમાં ઓછામાં ઓછો તાપમાનનો પારો 40 ડિગ્રીની એકદમ નજીક પહોંચી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યુ કે, ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહથી ગરમી જોર પકડશે અને મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ પહોંચી જશે. જેમાં 19-20 ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન વધતું જશે અને ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી થઇ થવાની શક્યતા રહેશે. આ વર્ષે ઉનાળો આકરો રહેશે. જ્યારે માર્ચ મહિનામાં જારદાર ગરમી રહેશે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, માર્ચ મહિનામાં 40 ડિગ્રી તાપમાન પહોંચી જશે. 13-14 માર્ચમાં હવામાનમાં પલટો આવશે અને 18 માર્ચથી ગરમી વધશે.

જ્યારે 25-26 માર્ચમાં દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે. 26 માર્ચની આસપાસ વાદળો સર્જાશે. આમ માર્ચ મહિનામાં વાતાવરણ ગરમીવાળું, વાદળ છવાયું, દરિયાકિનારે પવન અને હવામાનમાં ઘણા પલટા આવશે. જેમાં 18 માર્ચ-25 એપ્રિલ વચ્ચેનું હવામાન બગડવાથી વૃદ્ધો અને બાળકોએ સ્વાસ્થ્યનુ ધ્યાન રાખવું પડશે. આ સાથે 18-25 એપ્રિલમાં બેવડી ઋતુનો અનુભવ પણ થવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp