અંબાલાલ પટેલની આગાહી,ઉત્તર અને દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવી શકે છે

PC: zeenews.india.com

ગુજરાતમાં ચોમાસાની લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી, મેઘરાજાની સવારી મોડી આવી, પરંતુ જ્યારે આવી ત્યારે આખા ગુજરાતને ઘમરોળી નાંખ્યું છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદને કારણે ગામોમાં પાણી ફરી વળ્યા છે અને અનેક જગ્યાએ જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. આ વચ્ચે હવામાનના જાણકાર અંબાલાલે જે આગાહી કરી છે તે ચિંતાજનક છે.

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે, આગામી 2 દિવસમાં ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં અનરાધાર વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવી શકે છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી 8 જુલાઇથી 12 જુલાઇ વચ્ચે ભારે પવન સાથે વરસાદ પડશે.

ગુજરાતમાં આ વખતે મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ સાથે શરૂઆત કરી છે અને રાજ્યના કેટલાંક વિસ્તારોમાં એવી હાલત થઇ ગઇ છે કે રસ્તાઓ અને ઘરો સુધી પાણી પહોંચી ગયા છે. કેટલાંક વિસ્તારોમાં તો જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ છે. અનેક ગામો સંપર્ક વિહોણા થઇ ગયા છે. અને વરસાદ પણ કેવો પડ્યો છે, માત્ર 24 કલાકમાં જ 200 તાલુકામાં 1 ઇંચથી માંડીને 16 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે.વિસાવદર તાલુકામાં 14 દિવસમાં 16 ઇંચ વરસાદ પડી ગયો છે.

જૂનાગઢમાં મેહુલિયો એવો વરસ્યો છે કે ખેતરો પાણી પાણી થઇ ગયા છે. ભેસાણની વાત કરીએ તો 2 કલાકમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે. ધરમપુરમાં 5 અને સૌરાષ્ટ્રના ધારીમાં 4 ઇંચ વરસાદ પડ્યો. ઓઝત નદીનો પાળો તુટી જતા કોયલાણા ગામમાં પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદની આગાહીને પગલે જૂનાગઢમાં રાજ્ય સરકાર દ્વારા NDRFની એક ટીમ તહેનાત કરવામાં આવી છે.જૂનાગઢના અનેક વિસ્તારો જાણે બેટમાં ફેરવાઇ ગયા હોય તેવી સ્થિતિ ઉભી થઇ  છે. ઘણી બધા રૂટ પર બસોને રદ કરી દેવામાં આવી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ગામોના સંપર્ક તુટી ગયા છે.

ભેસાણ તાલુકામાં ડેમ ઓવરફલો થવાને કારણે ભેસાણ તાલુકાના ભાટગામ, સુખપુર, જૂનાગઢ તાલુકાના ભિયાળ, ચોકી, કેરાળા, ઝાલનસર, મેજવડી, તલિયાધાર, વધાવી, ધંધુસર, વંથલી જેવા અનેક ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નદીના પટમાં અવરજવર નહીં કરવાની તંત્રએ સુચના આપી છે.

સુરત, અમદાવાદ,બનાસકાંઠા, પાલનપુરમાં વરસાદની હેલી ચાલું છે. હવે જ્યારે અંબાલાલ પટેલે આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂરની સંભાવના વ્યકત કરી છે ત્યારે લોકોમાં ચિંતા ઉભી થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp