સુરત-બારડોલી હાઇવે પર ખતરનાક અકસ્માત, ડમ્પરે કારને અડધી કરી દીધી, 6ના મોત

PC: divyabhaskar.co.in

સુરત બારડોલી નેશનલ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત થયો છે. બારડોલીના બમરોલી નજીક કાર અને ડમ્પર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા છે. આ ઘટનાની જાણકારી મળતા જ બારડોલી પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ મુજબ, સુરત-બારડોલી નેશનલ હાઈવે પર કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક પરિવાર સુરત જિલ્લાના માંડવી તાલુકાનો હોવાનું જાણવા મળ્યું છે. બારડોલીના તરસાડી ગામે લગ્ન પ્રસંગમાં ગયો હતો, જ્યાં રસ્તામાં કોઈ કારણોસર તેમની કાર ડમ્પર સાથે અથડાઈ ગઇ હતી. જેમાં કારમાં સવાર 3 મહિલા, 1 બાળકી, 1 પુરુષ અને 1 બાળકનું અકસ્માતમાં મોત થયું છે. આ ઘટનાના કારણે હાઈવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો, ત્યારબાદ પોલીસને આ ઘટનાની માહિતી મળતા બારડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોના પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

વધતા જતા અકસ્માતો પાછળ વાહનચાલકોની બેદરકારી મુખ્ય કારણભૂત છે. સાથે જ ખરાબ રસ્તાઓ, હાઇવે પર સર્વિસ રોડ પાસે અપૂરતી વ્યવસ્થા સહિતના કારણો પણ જવાબદાર હોવાનું તંત્રના ધ્યાને આવ્યુ છે. ટૂ-વ્હીલર વાહનચાલકો માથે હેલ્મેટ પહેરતા નથી, કારમાં સીટ બેલ્ટ પહેરતા નથી, ચાલુ વાહનો મોબાઇલ ઉપર વાત કરવાનું દુષણ વધી રહ્યુ છે. ટ્રાફિકના નિયમો અંગે વાહનચાલકોમાં જાગૃતિ નથી. વલસાડ જિલ્લામાં લોકો રોગથી નથી મરી રહ્યા તેનાથી વધુ વાહન અકસ્માતોમાં મોતને ભેટી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે તેમજ આંતરિક માર્ગો ઉપર છેલ્લા 10 વર્ષોમાં અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. અકસ્માતોમાં દર વર્ષે જિલ્લામાં એવરેજ 350 લોકો મોતને ભેટી રહ્યા છે. ચાલુ વર્ષે છેલ્લા 4 મહિનામાં જ પોલીસ ચોપડે નોંધાયેલા 172 અકસ્માતોમાં 116 લોકોના અકસ્માતમાં મોત થયા છે અને 73 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં-48, તમામ સ્ટેટ હાઇવે રોડ, પંચાયતના મુખ્ય રસ્તાઓ તેમજ આંતરિક રસ્તાઓ ઉપર વર્ષ 2022માં 447 અકસ્માતો થયા હતા. તેમાંથી 302 ફેટલ અકસ્માતોમાં 325ના મોત થયા હતા. જ્યારે 188 લોકોને ગંભીર ઇજા તથા 154 લોકોને સામાન્ય ઇજા થઇ હતી. ચાલુ વર્ષે માત્ર 4 મહિનામાં કુલ 172 અકસ્માતોમાંથી 114 ફેટલ અકસ્માતોમાં 116 લોકોના મોત, 73ને ગંભીર ઇજા અને 37ને સામાન્ય ઇજાઓ થઇ છે. આ સંખ્યા પોલીસ ચોપડે નોંધાયેલી છે. પોલીસ સ્ટેશનમાં નોંધાઇ નહીં હોય એવા અકસ્માતોની સંખ્યા તેનાથી ડબલ હોવાની સંભાવના છે. આ આંકડો ભયાનક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp