ગ્રીષ્મા જેવુ અમદાવાદમાં,એકતરફી પ્રેમમાં પરિણીતાના ગળે છરી ફેરવી દેતો રિક્ષાવાળો

PC: divyabhaskar.co.in

સુરતનો ગ્રીષ્મા હત્યાકાંડ હજું તો ભુલાયો નથી, કે વધુ એક એવી જ ઘટના અમદાવાદમાં બની ગઈ છે. અમદાવાદના સરદાર નગરમાં પરિણીતાને એક તરફી પ્રેમ કરતા પાગલ પ્રેમીએ છરા વડે હુમલો કરી લોહીલુહાણ કરી દીધી હતી. ઇજાગ્રસ્ત પરિણીતાને સારવાર માટે હટસ્પિટલ લઇ જવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, પરિણીતા પોતાના પુત્રને શાળાએ મૂકવા માટે એક જ રિક્ષામાં જતી હતી. આ દરમિયાન રિક્ષાચાલક સાથે પરિચય થયો હતો. ત્યારબાદ રિક્ષાચાલક પરિણીતાના પ્રેમમાં પડ્યો હતો અને તેની સાથે જ લગ્ન કરવાની જિદ્દ કરવા લાગ્યો હતો.

અમદાવાદના સરદાર નગરમાં રહેતી પરિણીત પ્રેમિકાને હાંસલ કરવા માટે યુવક તેના પરિવાર સાથે પિતાના ઘરે પહોંચી ગયો હતો, ત્યાં પરિણીતાએ છૂટાછેડા લીધા નથી તો કઈ રીતે તેની સાથે લગ્ન કરે તેવી વાત કરી હતી. જેથી પ્રેમી ઉશ્કેરાઇ ગયો હતો અને છરા વડે હુમલો કરી પ્રેમિકાને લોહીલુહાણ કરી દીધી હતી. આ સમગ્ર ઘટનામાં ઈજાગ્રસ્ત પ્રેમિકાને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તો હુમલો કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે.

અમદાવાદના સરદાર નગર વિસ્તારની રહેવાસી આશા (નામ બદલ્યું છે)ના લગ્ન રાજસ્થાનમાં તેના સમાજના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ આશા તેના પતિ સાથે રાજસ્થાનમાં રહેતી હતી. જ્યાં તે એક બાળકની માતા બની હતી. થોડા વખતથી પતિ સાથે અણબનાવ થતા તે તેના બાળકને લઈને પિયર અમદાવાદ આવતી રહી હતી. અહીં પરિણીતાએ તેના બાળકને ભણવા માટે નજીકની શાળામાં મૂકી દીધો હતો. આશા તેના બાળકને શાળાએ મૂકવા જવા માટે રિક્ષામાં જતી હતી.

રોજ એક જ વ્યક્તિ રિક્ષા લઈને આવતો હતો. જેથી આશાને તે રિક્ષાચાલક નવીન ઉર્ફે રાજુ અમરતભાઈ કોષ્ટી સાથે ઓળખાણ થઈ હતી. નવીન અને આશા એક-બીજા સાથે વાતો કરતા હતા. ફોન પર ઘણી વખત વાતો થતી હોવાથી નવીન આશાના પ્રેમમાં પડ્યો અને આશાને પામવા માટે પ્રયાસ કરવા લાગ્યો હતો, પરંતુ આશાના છૂટાછેડા થયા નહોતા. આશા નવીન સાથે વાતો કરતી હતી, પણ નવીન સાથે લગ્ન કરવાનો તેનો કોઈ વિચાર નહોતો. આશા બુધવારે બપોરે પોતાના ઘર પર હતી ત્યારે નવીન તેના પરિવારને લઈને આશાના ઘરે પહોંચ્યો હતો.

તેણે બધાની હાજરીમાં આશાને પોતાની સાથે લગ્ન કરવા માટે કહ્યું, પણ આશાએ ના પાડી દીધી. કારણ કે, તેના છૂટાછેડા થયા નહોતા. નવીન જિદ્દ પકડીને બેસી ગયો હતો. લગ્ન કરવાની ના પાડતા નવીને પોતાની પાસે રહેલા છરાનો એક ઘા આશાના હાથમાં કર્યો અને એક ઘા તેના ગળાના ભાગે પણ માર્યો હતો. તેથી આશા લોહીલુહાણ હાલતમાં ઢળી પડી હતી. ત્યારબાદ આસપાસમાંથી લોકો ભેગા થઈ જતા હુમલો કરનાર નવીન પરિવાર સાથે ભાગી ગયો હતો. ત્યારબાદમાં આશાને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલે લઇ જવામાં આવી હતી. જો કે, સરદાર નગર પોલીસે આરોપી નવીનની ધરપકડ કરી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp