કલેક્ટર કચેરીઓનો ભ્રષ્ટાચાર, હાઇકમાન્ડ સુધી પડઘા પડ્યા, નજર રખાઇ રહી છે

PC: deshgujarat.com

આણંદ કલેકટર ઓફિસમાં બનેલી ઘટના પછી સરકારે હવે લાલ આંખ કરી છે અને બીજી કલેકટર ઓફિસમાં પણ વોચ રાખવા હુકમ કરવામાં આવ્યો છે.

ગુજરાતીમાં એક કહેવત છે ‘પાડાના વાંક પખાલીને ડામ’ આ કહેવત અત્યારે ગુજરાત માટે સાચી વાત સાબિત થઇ રહી છે. આણંદ કલેકટરને ફસાવવા માટે મહિલા અધિકારીએ જમીનોની ફાઇલો પાસ કરાવવા માટે જે કારસો રચ્યો તેને કારણે હવે બીજા જિલ્લાઓની કલેક્ટર ઓફીસ પણ રાજ્ય અને કેન્દ્ર સરકારના રડારમાં આવી ગઇ છે અને ભ્રષ્ટાચારી અધિકારીઓ પર વોચ ગોઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કયા જિલ્લાની કઇ કલેકટર કચેરીમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તેની વિગતો મંગાવવા આવી છે.

 આણંદના કલેકટર ડી. એસ. ગઢવી કેટલીક જમીનની ફાઇલો પાસ  નહોતો કરતા એટલે એડિશનલ કલેકટર કેતકી વ્યાસે બે લોકોના સહયોગથી કલેકટરની ચેમ્બરમાં સ્પાય કેમેરા ફીટ કરી દીધા અને એક મહિલાને કલેકટરની ચેમ્બરમાં મોકલી હતી. મહિલા અધિકારીના કારસામાં કલેકટર સપડાઇ ગયા અને તેમને સરકારે કલેકટર ડી. એસ. ગઢવીને સસ્પેન્ડ કરી દીધા અને તપાસ માટે 4 મહિલા સરકારી અધિકારીઓની તપાસ સમિતિ નીમી હતી. જેમાં ઘણી ચોંકાવનારી વાત બહાર આવી છે.

જાણવા મળેલી વિગત મુજબ હવે એન્ટિ કરપ્શન બ્યુરોના અધિકારીઓએ ઝુકાવ્યું છે. આણંદની ઘટનાને પગલે હાઇકમાન્ડે ગુજરાત જિલ્લા કલેકટર ઓફિસમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરી છે અને આકરા પગલાં લેવાનો આદેશ કર્યો છે.

જિલ્લાઓની સરકારી કચેરીઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર થઇ રહ્યા છે અને લાંચ આપ્યા વગર કામ થતા નથી તેવી વ્યાપક ફરિયાદો સામે આવી રહી છે. રૂપિયાનુ વજન મુકયા વગર ફાઇલો આગળ વધતી નથી એવી ફરિયાદો ધારાસભ્યો, સાંસદો અને ભાજપના નેતાઓએ કરી છે. હવે સરકારે જે ઓફિસોમાં જે કોઇ અધિકારી સામે ભ્રષ્ટાચારની ફરિયાદ મળી હોય તેમના પર વોચ રાખવાનું કહેવામાં આવ્યું છે.

રાજ્યના મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીએ નામ નહીં છાપવાની શરતે એક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, કોરોના મહામારી પછી ભ્રષ્ટાચારના કેસો અને વસૂલ કરવામાં આવતી રકમમાં મોટો ઉછાળો આવ્યો છે. સામાન્ય લોકોના પણ  પૈસા આપ્યા વગર કામ થતા નથી.

રાજ્ય સરકારે મહેસૂલ વિભાગમાંથી કરપ્શન નિયત્રિંત કરવા તમામ અધિકારીઓ- કર્મચારીઓના ટેબલ બદલી નાંખ્યા છે.

આણંદની જમીનની ફાઇલોમાં ભાજપના સ્થાનિક નેતાની પણ ભાગબટાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp