
અત્યારે લોકોમાંઆ દેખાદેખીનો ખેલ ચાલી રહ્યો છે. તેના કારણે પ્રસંગોમાં ખોટા અને વધારાના ખર્ચા થઈ જાય છે. જો કે, બનાસકાંઠાના આંજણા સમાજે આવા ખોટા ખર્ચાઓ સામે બોયો ચડાવી છે. ધાનેરાના 54 ગામના ત્રીસી, ચોવીસી આંજણા સમાજે સામાજિક સુધારા કરી અન્ય સમાજોને પણ દિશાચિહ્ન કર્યો છે. ધાનેરામાં 54 ગામના આંજણા ચૌધરી સમાજની બેઠક મળી હતી. જેમાં વિવિધ 22 સુધારા કરવામાં આવ્યા છે. બનાસકાંઠાના ધાનેરામાં 54 ગામ ચૌધરી સમાજમાં સુધારણા અને સમુહ લગ્ન બાબતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ધાનેરા તાલુકામાં આંજણા સમાજના યુવાનોને ફેશનેબલ દાઢી ન રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. જો તેઓ ફેશનેબલ દાઢી રાખશે તો તેમને 51,000 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. સમાજના નવા સુધારામાં કેટલીક પરંપરાના નામે કેટલીક બદીઓ દૂર કરાઈ છે. એટલું જ નહીં બદીઓ ફરી શરૂ ન થાય તે માટે દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. જેમાં મરણ પ્રસંગમાં અફીણ પ્રથા બંધ કરાઈ છે અને જો અફીણ પ્રથા ચાલુ કરાશે તો 1 લાખનો દંડની જોગવાઈ કરાઈ છે.
એ સિવાય લગ્નમાં ફટાકડા લિમિટમાં ફોડવા, લગ્નની પત્રિકા સાદી છપાવવી, લગ્ન પ્રસંગમાં વોનોળા પ્રથા બંધ કરવી, દીકરીને પેટી ભરવામાં 51,000થી વધુ ન આપવા, ભોજન સમારંભમાં જમવાનું પૌષ્ટિક બનાવવું અને જમણ પીરસવા અન્ય ભાડુતી માણસો ન લાવવાનો નિયમ બનાવાયો છે. સાથે સન્માન સમયે સાલ, પાઘડી, વિંટી કે ભેટ ન આપવાની પણ પહેલ કરવામાં આવી છે. લગ્નમાં ડી.જે., જન્મ દિવસ હોટલમાં મનાવવા પર પ્રતિબંધ. ઉપરાંત ઢુંઢમાં જમણવાર ન કરવા, પતાસા બંધ કરવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. સમાજ સુધારણા અને સમૂહ લગ્ન બાબતે સભા યોજાઈ હતી. જેમાં આ સુધારા કરાયા હતા.
આંજણા ચૌધરી સમાજની બેઠકમાં આ બાબતે સુધારા કરાયા:
સમાજમાં પ્રથમ સમૂહ લગ્ન કરવાનું આયોજન
લગ્નમાં ફટાકડા લિમિટમાં ફોડવા, પત્રિકા સાદી છપાવવી, લગ્ન પ્રસંગમાં વોનોળા પ્રથા બંધ કરવી, દીકરીને પેટી ભરવામાં 51000થી વધુ ન ભરવી, ભોજન સમારંભમાં જમવાનું પૌષ્ટિક બનાવવું, ભોજન પીરસવા અન્ય ભાડુતી માણસો ન લાવવા, સન્માનમાં સાલ, પાઘડી, વિંટી કે ભેટથી ન કરવું
સારા પ્રસંગે પીઠમાં થાપા ન આપવા, ફક્ત રંગનો છંટકાવ કરવો
પાટ તથા ચોરીમાં ભાઈ/બહેને રૂપિયા 1100થી વધારે ન આપવા, પાટ તથા ચોરીમાં આવેલા રૂપિયા જાહેરમાં ગણવા નહીં.
મામેરું ભર્યા પછી બહેનોએ ઊભા થઈને ઝાંપે ન જવું. જમાઈએ પાછા વાળવા ન જવું. મામેરું, મીઠું કરવા ન જવું. મામેરું ભરાય એટલે જમાઈએ જાહેરમાં કપડાં ન પહેરવા. સાસરાના ઘરના કપડાં રૂમમાં પહેરીને બહાર આવવું. મામેરામાં ઘડા ભરીને મીઠાઇ આપવા પર પ્રતિબંધ
યુવાનોએ ફેશનેબલ દાઢી ન રાખવી, જો ફેશનેબલ દાઢી રાખી તો 51,000નો દંડ થશે
ઢુંઢમાં જમણવાર ન કરવા, પતાસા બંધ કરવા
લગ્નમાં ડી.જે અને જન્મદિવસ હૉટલમાં મનાવવા પ્રતિબંઘ
આ ઉપરાંત બેઠકમાં સમાજના પ્રમુખ રાયમલ પટેલે પ્રસંગમાં થતા ખોટા ખર્ચાઓ તેમજ વ્યસનો બંધ કરવા માટે હાકલ કરતા સમાજના તમામ લોકોએ તેમાં ટેકો આપ્યો હતો. વ્યસનને તિલાંજલી ન આપનારને 1 લાખ રૂપિયાનો દંડ થશે.
મરણ પ્રસંગમાં અફીણ પ્રથા બંધ કરાઈ, અફીણ પ્રથા કરવામાં આવી તો 1 લાખનો દંડ. મરણ પ્રસંગે વરાડમાં 10 રૂપિયા જ લેવા, તેમજ પાછળથી પણ 10 રૂપિયા જ લેવા મરણ પ્રસંગે બહેનોના રૂપિયા ન લેવા કે દેવા. મરણ પ્રસંગે બારમાના દિવસે રાવણું કરી કોઈએ જવું નહીં. મરણ પ્રસંગમાં દીવો બાળવા સગા-સંબંધીને બોલાવવા નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp