- Central Gujarat
- અમરનાથ યાત્રામાં વધુ 2 ગુજરાતીએ ગુમાવ્યો જીવ, યુવકને દર્શન પહેલા 3 એટેક આવતા મોત
અમરનાથ યાત્રામાં વધુ 2 ગુજરાતીએ ગુમાવ્યો જીવ, યુવકને દર્શન પહેલા 3 એટેક આવતા મોત
અમરનાથ યાત્રા દરમિયાન વધુ એક ગુજરાતી શ્રદ્ધાળુના મોતના સમાચાર મળી રહ્યા છે. પહેલગાંવની હૉસ્પિટલમાં વડોદરાના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. અમરનાથની યાત્રા હવે ગુજરાતીઓ માટે જીવલેણ સાબિત થઈ રહી છે. છેલ્લા 10 દિવસમાં ચોથા ગુજરાતી શ્રદ્ધાળુનું અમરનાથ યાત્રા દરમિયાન મોત થયું છે. વડોદરાના ફતેપુરા વિસ્તારમાં આવેલી પીતાબર પોળમાં રહેતો 32 વર્ષીય યુવાન ગણેશ કદમ અમરનાથ યાત્રાએ ગયો હતો.

અમરનાથ પહોંચીને દર્શન કરે એ પહેલાં જ તેનું પહેલગાંવ હૉસ્પિટલમાં 3 હાર્ટએટેક આવતા મોત થઇ ગયું હતું, જેને કારણે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પીતાબર પોળમાં રહેતા અને એલ્યુમિનિયમ સેક્શનનું કામ કરતો અને ગૌરક્ષા સમિતિના કાર્યકર ગણેશ કદમ પોતાના મિત્રો સાથે અમરનાથ યાત્રાએ ગયો હતો. જ્યાં તેને પહેલગાંવમાં અચાનક ઊલટીઓ શરૂ થઈ ગઈ હતી અને સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને બે હાર્ટએટેક આવ્યા હતા અને ત્રીજો એટેક આવતા તેમનું મોત થઇ ગયું હતું.

આજે સવારે 10 વાગ્યે પોસ્ટમોર્ટમ થયા બાદ તેના મૃતદેહને શ્રીનગરથી વિમાન માર્ગે વડોદરા લાવવામાં આવ્યો હતો. અમરનાથની યાત્રામાં મૃત્યુ પામેલા 32 વર્ષે યુવાનને પરિવારમાં એક પુત્રી અને એક પુત્ર છે. સ્થાનિક કોર્પોરેટર સચિન પાટડિયાએ જણાવ્યું કે, અમારા ગૌરક્ષા સમિતિ માટે માઠા સમાચાર છે. અમારા સંનિષ્ઠ કાર્યકર્તા ગણેશભાઇ કદમ બાબા અમરનાથના દર્શને ગયા હતા. જ્યાં તેમનું દુઃખદ અવસાન થયું છે. સમાચાર આવતા જ ગૌરક્ષા સમિતિમાં શોકનો માહોલ છે. તે ગાય માતાની સેવા હોય, કોઈ પણ પ્રાણીઓની સેવા હોય તે હંમેશાં આગળ રહેતો હતો. તેની સેવાકીય પ્રવૃત્તિ ખૂબ જ સારી હતી.
સચિન પાટડિયાએ આગળ જણાવ્યું કે, આવા કાર્યકર્તા અમારી વચ્ચે રહ્યા નથી, તેનું અમને ખૂબ જ દુઃખ થઇ રહ્યું છે. અમે ખૂબ સારા કાર્યકર્તા ગુમાવ્યો છે. ભગવાન તેની આત્માને શાંતિ આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અગાઉ પણ 20 દિવસ પહેલાં જ અમારા કાર્યકર્તા નીતિનભાઇ કહારનું પણ અમરનાથ યાત્રામાં મોત થયું હતું. આ પહેલાં અમરનાથમાં વરસાદ અને બરફના વિઘ્ન વચ્ચે ઓક્સિજન લેવલ ઘટી ગયા બાદ ઘોડા પરથી પડી જતા વડોદરાના વેમારી વિસ્તારમાં રહેતા 58 વર્ષીય રાજેન્દ્ર ભાટિયાનું મૃત્યુ થયું હતું.

તેમના શબને કાર્ગો પ્લેનમાં શ્રીનગરથી વાયા મુંબઇથી અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યું હતું. રાજેન્દ્રભાઈની અંતિમયાત્રામાં સ્વયંભૂ આખું ગામ જોડાયું હતું. અકાળે અવસાન થતા આખું ગામ હિબકે ચડ્યું હતું. 10 દિવસમાં જે ચાર ગુજરાતી અમરનાથ યાત્રીનું મૃત્યું થયું છે તેમની ઓળખ, ગણેશભાઈ કદમ ( રહે. ફતેહપુરા, વડોદરા) , ઊર્મિલાબેન ગિરિશભાઇ મોદી (રહે. કામરેજ, સુરત) , શિલ્પાબેન નરેશભાઈ ડાંખરા (રહે. સિદસર, ભાવનગર), રાજેન્દ્રભાઇ ભાટીયા (રહે વેમાલી, વડોદરા)ના રૂપમાં થઈ છે.
બે દિવસ પહેલા અમેરિકામાં રહેતા ઊર્મિલાબેન મોદીનું જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં માથામાં પથ્થર વાગતા મોત થયું હતું. તેઓ થોડા દિવસ પહેલા જ USથી સુરત આવ્યા હતા.

