કિરણ પટેલ અંગે બાયડના ખેડૂતે કર્યો ઘટસ્ફોટ, અમદાવાદમાં પણ કરી છે કરોડોની ઠગાઈ

PC: gujarattak.in

મહાઠગ કિરણ પટેલ અંગે અરવલ્લીના ભોગ બનનાર ખેડૂતોની ATSએ પૂછપરછ કરી છે. જે પૂછપરછ અંતર્ગત કિરણ પટેલ અંગે મોટા ખુલાસા બાયડના ખેડૂત આશિષ પટેલે કર્યા છે. આશિષ પટેલના જણાવ્યા અનુસાર, લાલ લાઈટવાળી ગાડીમાં કિરણ પટેલ ફરતો હતો. આ મહાઠગના કારનામા 2015 પહેલાથી જ યથાવત છે. તે પહેલા પોતાની ઓળખ CMOમાં જોડાયેલો હોય એ રીતે આપતો હતો.

આ સાથે જ આશિષ પટેલે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, ગઢડાની એક સંસ્થાના મોટા સંત સાથે પણ કિરણે ઠગાઈ કરી છે. ત્યારે આ મહાઠગે 6 કરોડ રૂપિયાનું ફુલેકુ ફેરવ્યાનો પણ ઘટસ્ફોટ થયો છે. આ સિવાય કિરણ પટેલે એક પૂર્વ મંત્રીના મોટા ભાઈને પણ છેતર્યા હોવાનું સામે આવ્યું છે. તેણે રિનોવેટના બહાને મકાન પચાવી વાસ્તુપૂજન પણ કર્યું હતું. કિરણ પટેલ આટલે જ નહીં અટકયો હતો, તેણે અલ્હાબાદના જજને પણ લાલચ આપી હતી CJI બનાવવાની. અત્રે ઉલ્લેખનિય છે કે, હાલ તો કિરણ પટેલના હાથે જે ખેડૂતો છેતરાયા છે તેઓ સરકાર પાસે મદદ માગી રહ્યા છે. આ મહાઠગે આશિષ પટેલ સહિતના 13 ખેડૂતોને છેતર્યા હોવાનું સામે આવ્યું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, જમ્મુ કાશ્મીરમાં PMOના એડિશનલ ડાયરેક્ટર તરીકે નકલી ઓળખ આપી VIP સિક્યોરિટી સાથે ફરતા ગુજરાતના કિરણ પટેલની જમ્મુ કશ્મીરની પોલીસે ધરપકડ કરી લીધી છે. દેશના વરિષ્ઠ સરકારી અધિકારી તરીકેની કિરણ પટેલે જમ્મુ કાશ્મીરમાં ઓળખ આપી હતી. તે જમ્મુ કાશ્મીરમાં સરકારી બુલેટ પ્રૂફ વાહનમાં VIP સુરક્ષા કવચ સાથે ફરતો હતો. ભૌતિક તેમજ નાણાકીય લાભ મેળવવા માટેના આશય સાથે IPCની વિવિધ કલમો હેઠળ કિરણ સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે.

હાલ તો જમ્મુ કાશ્મીર પોલીસે કિરણ પટેલને પકડ્યો હોવાનું જાહેર કરતાં આ કેસમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે. જે અંતર્ગત કિરણ પટેલ કરોડો રૂપિયાની ઠગાઈ અમદાવાદમાં પણ કરી ચૂક્યો હોવાનું સામે આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp