જૂનાગઢમાં દરગાહ હટાવાની નોટિસ મળતા તોફાન, પોલીસ પર હુમલો, જુઓ તમામ અપડેટ

PC: divyabhaskar.co.in

ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલા મજેવડી ગેટને લઈને મામલો વધુ વેગ પકડી રહ્યો છે. અહીં દરગાહને હટાવવાની નોટિસ પર આગચંપી અને પથ્થરમારાની ઘટના બાદ સ્થિતિ તંગ છે. વિસ્તારમાં શાંતિ જાળવવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઘટનામાં એક ડેપ્યુટી SP સહિત 10 પોલીસ કર્મીઓને ઇજા થઇ છે. પોલીસે અત્યાર સુધીમાં 174 લોકોની ધરપકડ કરી છે.

જૂનાગઢ રજવાડા સાથે જોડાયેલા મજેવડી ગેટ પાસે એક દરગાહ છે. આ દરગાહ ઘણા સમયથી છે. આઝાદીના સમયથી લોકો તેને જોઈ રહ્યા છે. પાંચ વર્ષ પહેલા પણ આ દરગાહને લઈને વિવાદ ઉભો થયો હતો. પછી થોડા દિવસોમાં મામલો શાંત થઈ ગયો હતો. આ દરગાહ સાથે મુસ્લિમ લોકોની આસ્થા જોડાયેલી છે. પાંચ દિવસ પહેલા જૂનાગઢ મહાનગરપાલિકાએ આ દરગાહના કાગળો મંગાવ્યા હતા. આ પછી મહાનગરપાલિકાએ દરગાહ પર નોટિસ ચોંટાડી દીધી હતી.

દરગાહની કાયદેસરતા પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા હોવાની માહિતી મળતા શુક્રવારે,16 જૂન સાંજે 7 વાગ્યે દરગાહ પર લોકોની મોટી ભીડ એકઠી થઈ હતી. જ્યારે પોલીસ આ લોકોને હટાવવા પહોંચી તો તેઓએ પોલીસ સાથે દુર્વ્યવહાર કર્યો અને પોલીસ પર હુમલો કરી દીધો હતો. પોલીસે પરિસ્થિતિ સંભાળી તમામને વિખેરી નાખ્યા હતા.

રાત્રે 10 વાગ્યા પછી ફરી લોકો ભેગા થયા અને નજીકમાં આવેલી પોલીસ ચોકી પર હુમલો કરી દીધો હતો. પોલીસ પર પત્થરમારા પછી સ્થિતિ વણસી ગઇ હતી. આ ઘટનામાં હાજર પોલીસ કર્મીઓને પણ ઇજા થઇ હતી. ટોળાએ કેટલાંક વાહનોને પણ આગ ચાંપી દીધી હતી.પરિસ્થિતિ વણસી જવાને કારણે પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હતા.

જે પોલીસવાળાને ઇજા થઇ હતી તેમને પહેલાં હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા એ પછી પોલીસે પત્થરબાજોની ધરપકડ કરી હતી. આ ઘટનામાં હજુ સુધી પોલીસે કોઇ FIR કરી નથી, પરંતુ સોશિયલ મીડિયા માં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં દરગાહની સામે જ ઉભા રાખીને કેટલાંક યુવાનોની પિટાઇ કરવામાં આવી રહી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે પત્થરબાજોને જૂનાગઢ પોલીસે પાઠ ભણાવ્યો હતો. આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

મજેવડી ગેટ પર આવેલી પોલીસ ચોકી પર હિંસા દરમિયાન વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષનો ભત્રીજો પણ ત્યાં હાજર હતો, પત્થરમારા દરમિયાન હાર્ટએટેકને કારણે તેનું મોત થયું છે. મૃતકની ઓળખાણ પોલાભાઇ સુજેત્રો તરીકે થઇ છે.

જૂનાગઢના મજેવડી ગેટ વિસ્તારમાં હિંસા અને આગચંપીની ઘટના બાદ મજેવડી ગેટની ભારે ચર્ચા ચાલી રહી છે.. દાવો કરવામાં આવી રહ્યો છે કે પહેલા અહીં કોઈ દરગાહ નહોતી. તે ગેરકાયદેસર છે. જો કે જે તસવીરોના આધારે આ દાવો કરવામાં આવી રહ્યો છે. તેઓ ખૂબ જૂની છે. જૂનાગઢના લોકોનું કહેવું છે કે આ દરગાહ ઘણા સમયથી અહીં આવેલી છે.

મજેવડી દરવાજા વિશે વાત કરીએ તો, તે જુનાગઢના રજવાડા સાથે સંકળાયેલા મુખ્ય દરવાજાઓમાંનો એક છે. વિજય રૂપાણી સરકારે પોતાના કાર્યકાળ દરમિયાન આ દરવાજાનું રિનોવેશન પણ કરાવ્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાલમાં શહેરમાં ગેરકાયદેસર ધાર્મિક સ્થળો દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે. આ અંતર્ગત કોર્પોરેશને દરગાહને લગતા દસ્તાવેજો મંગાવ્યા હતા. આ પછી નોટિસ ચોંટાડવામાં આવી હતી. નોટિસ ચોંટાડવા બાબતે વિવાદ થયો હતો. આ પછી પથ્થરમારો અને આગચંપીનો બનાવ બન્યો હતો. આ દરવાજો 123 વર્ષ જૂનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp