26th January selfie contest

સુરતના મેટ્રો રેલ પ્રોજેક્ટમાં બેરિકેડ બિનજરૂરી મુકવામાં આવે છેઃ કોર્પોરેટર

PC: tv9gujarati.com

સુરત મહાનગર પાલિકામાં સામાન્ય રીતે શાસક અને વિપક્ષ એક મુદ્દા પર સહમત થતા હોય તેવું બનતું નથી. પરંતુ સુરત શહેરમાં છેલ્લાં ઘણા સમયથી મેટ્રો રેલ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, તેને કારણે દુકાનદારો, રાહદારીઓ અને આ વિસ્તારમાં રહેતા લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે શાસક અને વિપક્ષે એક થઇને બેજવાબદાર અધિકારીઓ સામે પસ્તાળ પાડી છે.

પાલિકાના નગર સેવકોએ મેટ્રો રેલ પ્રોજેક્ટને કારણે પ્રજાને થતી મુશ્કેલી દુર કરવાની માગ કરી છે.

સુરત શહેર માટે મેટ્રો રેલ પ્રોજેક્ટ ભવિષ્યમાં આર્શાવાદ રૂપ પુરવાર થવાનો છે, કારણે કે સુરત એવું શહેર છે જ્યાં ટ્રાફીકની મોટી સમસ્યા છે. મેટ્રોને કારણે ટ્રાફીકની સમસ્યા થોડી હળવી થઇ શકે છે. પરંતુ સુરત મહાનગર પાલિકાના નગર સેવકોનું કહેવું એમ છે કે, સુરતમાં 2 કોરિડોર પર 6થી વધારે પેકેજોમાં સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. 40 કિં.મી લાંબા રૂટ પર અધિકારીઓ આડેધડ કામગીરી કરી રહ્યા હોવાથી આ વિસ્તારમાં રહેતા લોકો, દુકાનદારો, આ રસ્તા પરથી પસાર થતા લોકો બધાએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

નગર સેવકોનું કહેવું છે કે આડેધડ ખોદકામ કરી દેવામાં આવે છે અને બિનજરૂરી બેરિકેડ મુકી દેવાને કારણે પ્રજાને હાલાકી ભોગવવી પડે છે.નગર સેવકોએ તો ત્યાં સુધી કહી દીધું કે, મુશ્કેલી કોને કહેવાય એ સમજાવવા માટે આ અધિકારીઓના ઘરની બહાર જ બેરિકેડ લગાવી દો, તો તેમને ખબર પડશે કે શું હાલત થાય છે.

નગર સેવકોએ કહ્યું કે શંખેશ્વર કોમ્પલેકસથી મજૂરા ગેટ સુધીના વિસ્તારમાં તો અનેક હોસ્પિટલો આવેલી છે. આ વિસ્તારોમાં બેરિકેડ લગાવી દેવાને કારણે દર્દીઓને ઉંચકીને લઇ જવા પડે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નગર સેવકોએ સુરત મહાનગર પાલિકાના તંત્રને આ મામલે દરમિયાનગીરી કરવાની વિનંતી કરી હતી.

ભાજપના કોર્પોરેટર કેયુર ચપટવાલાએ પાલિકાની સામાન્ય સભામાં મેટ્રો પ્રોજેક્ટનો સવાલ ઉભો કરીને કહ્યું હતું કે, મેટ્રો કંપનીના કેટલાંક અધિકારીઓની અણઆવડતને અને બેજવાદારીને કારણે ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું છે. રાજમાર્ગ સહિતના કેટલાંક વિસ્તારામાં લોકોના રોજગાર પડી ભાંગ્યા છે.

સુરત મહાનગર પાલિકાના કમિશ્નર  IAS શાલિની અગ્રવાલે GMRCCના અધિકારીઓ સાથે બેઠક કરી છે અને શક્ય તેટલા રૂટ પરથી બેરિકેડ દુર કરવાની અને કામગીરીને સેફ સ્ટેજ પર લઇ જવાની તાકીદ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp