યુવરાજસિંહ અને તેના સાળા કાનભાની ધરપકડ, પોલીસ કહે 1 કરોડ લીધા છે યુવરાજે

PC: iamgujarat.com

ડમી કાંડને સામે લાવનારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા હવે પોતે ડમી કાંડમાં ફસાયા છે. ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં યુવરાજસિંહ જાડેજા અને તેમના બે સાળા અને બિપિન ત્રિવેદી સહિત 6 લોકો સામે ખંડણી અને ષડયંત્ર સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં નામ જાહેર ન કરવા માટે પ્રકાશ દવે ઉર્ફે PK દવે પાસેથી 45 લાખ રૂપિયા અને પ્રદીપ બારૈયા પાસેથી 55 લાખ રૂપિયા ધમકી આપીને લીધા હોવાનું પોલીસે ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

યુવરાજની મોડી રાત્રે નીલમબાગ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ આજે સવારે તેમને DSP કચેરી લવાયા હતા અને કોર્ટમાં રજૂ કરી આજે તેમની રિમાન્ડ માટે માગ થશે

ડમી કાંડ કેસમાં હવે યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલ ઉર્ફે કૃષ્ણદેવસિંહની ધરપકડ કરવામાં આવી છે. આમ આ ડમી કાંડનો મુદ્દો તોડ કાંડ તરફ આગળ વધી રહ્યો છે. યુવરાજસિંહના સાળાને સુરતથી ભાવનગર લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારે જણાવ્યુ કે, યુવરાજસિંહની વધુ પૂછપરછ માટે ધરપકડ કરી રિમાન્ડ મેળવાશે. ડમીકાંડ કેસમાં ભાવનગર પોલીસ દ્વારા યુવરાજસિંહ જાડેજાને સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.

શુક્રવારે બપોરે 12:00 વાગ્યે પોલીસ સમક્ષ હાજર થયેલા યુવરાજસિંહની સતત 8 કલાક સુધી પૂછપરછ ચાલી હતી. પૂછપરછ બાદ ભાવનગર પોલીસે પોતે ફરિયાદી બની યુવરાજસિંહ જાડેજા, શિવુભા, કાનભા, ઘનશ્યામભાઈ, બિપિન ત્રિવેદી અને રાજૂ નામના વ્યકિત સામે IPCની કલમ 386, 388 અને 120(B) હેઠળ ગુનો નોંધ્યો હતો. ભાવનગર પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, યુવરાજસિંહ અને તેના માણસોએ રૂષિત બારૈયા નામના એક ડમી વિદ્યાર્થીનો વીડિયો બનાવ્યો હતો અને તે વીડિયોનો ડર બતાવી પ્રકાશ દવેને તેનું નામ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં નહીં લેવા બદલ બળજબરી અને ધાક ધમકીથી રૂપિયા 45 લાખ પડાવી લીધાની હકીકત જણાયેલી.

જેને સમર્થન કરતા નિવેદનો તેમજ અન્ય પુરાવાઓ પોલીસ દ્વારા મેળવવામાં આવ્યા છે. તેવી જ રીતે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં નામ નહીં લેવા માટે પ્રદીપ બારૈયા નામના વ્યકિત પાસેથી યુવરાજસિંહ તથા તેના માણસોએ 55 લાખ રૂપિયા લીધા હોવાની માહિતી સામે આવતા તેના પણ પુરાવાઓ મેળવાયા છે. ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું હતું કે, આજે યુવરાજસિંહને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. તેઓ પૂછપરછ દરમિયાન ગોળ ગોળ જવાબ આપી રહ્યા હતા.

યુવરાજસિંહ સામે સંયોગિક પુરાવા, CCTV, ગુપ્ત ચેટ અને અન્ય પુરાવાઓ મળ્યા હોવાની વાત રેન્જ IGએ કરી હતી. યુવરાજસિંહે આજે પૂછપરછ દરમિયાન વધુ 22 નામો આપ્યા છે. તેઓને પૂછપરછ માટે બોલાવી તપાસ કરાશે. જીતુ વાઘાણી અને આસિત વોરાના નામો અંગે કહ્યું હતું કે, યુવરાજસિંહ દ્વારા તપાસનીશ અધિકારી સમક્ષ આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

ભાવનગર SP કચેરી બહાર યુવરાજસિંહે શુક્રવારે સવારે પ્રેસ કોન્ફરન્સ કરી કેટલાક મંત્રી, પૂર્વ શિક્ષણ મંત્રીના નામો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કૌભાંડમાં મોટાં માથાં મને દબાવવાના પ્રયાસ કરી રહ્યા છે. ભૂતકાળમાં પણ પોતાની પાર્ટીમાં આવવાના પ્રલોભનો આપ્યા હતા. આ કૌભાંડ વર્ષ 2011થી નહીં, વર્ષ 2004થી ચાલે છે. કેટલાક તો ગેજેટેડ ઓફિસર બની ગયા છે. એવા એકેયને સમન્સ પાઠવ્યું નથી. અવિનાશ પટેલનું અને જશુ ભીલને કેમ સમન્સ ના આપ્યું? યુવરાજસિંહે અવધેશ, અવિનાશ, આસિત વોરા, જશુ ભીલ અને જિતુ વાઘાણીનાં પણ નામો બોલ્યા હતા.

હું વધુ 30 જેટલાં નામો આપવાનો છું, જેમાં પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન મંત્રી પણ છે. 14મી એપ્રિલે ભાવનગર પોલીસ દ્વારા 36 લોકો સામે ડમીકાંડ કેસમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ નોંધાયાના બીજા દિવસે યુવરાજસિંહના જૂના સાથી એવા બિપિન ત્રિવેદી દ્વારા એક વીડિયો વાયરલ કરી ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ડમી કાંડમાં ચોક્કસ વ્યકિતને લઈ યુવરાજસિંહ જાડેજાએ 55 લાખમાં ડીલ કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, યુવરાજસિંહ દ્વારા બિપિન ત્રિવેદીના આક્ષેપોને જે તે સમયે પાયાવિહોણા ગણાવવામાં આવ્યા હતા.

હવે પોલીસે બિપીન ત્રિવેદી અને યુવરાજસિંહ બંને સામે ગુનો નોંધ્યો છે. ડમીકાંડ કેસમાં ભાવનગર પોલીસે 14 એપ્રિલે પોલીસ ફરિયાદ નોંધી હતી. ત્યારબાદ બનેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા અત્યાર સુધીમાં 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.  આ કેસમાં હજુ 26 આરોપીઓને પકડવાના બાકી છે. અત્યાર સુધી જે આરોપીઓ પકડાયા છે તેમની ઓળખ શરદ પનોત, પ્રકાશ ઉર્ફે પી.કે. દવે, બળદેવ રમેશભાઈ રાઠોડ, પ્રદીપ નંદલાલભાઈ બારૈયા, સંજય હરજીભાઈ પંડ્યા, અક્ષર રમેશભાઈ બારૈયા, મિલન બારૈયા, વિરમદેવસિંહ ગોહિલ, વિપુલ અગ્રાવત, ભાર્ગવ કનુભાઈ બારૈયા, પાર્થ ઈશ્વરભાઈ જાની, અશ્વિનભાઈ રમેશભાઈ સોલંકી, રમેશભાઈ બચુભાઈ બારૈયા, રાહુલ દીપકભાઈ લીંબડીયાના રૂપમાં થઈ છે.

15 એપ્રિલના રોજ શરદ પનોત, પી.કે. દવે, બળદેવ રાઠોડ અને પ્રદીપ બારૈયાની ધરપકડ કરવામાં આવી હતી. 17 એપ્રિલના રોજ અક્ષય બારૈયા અને સંજય પંડ્યાની ધરપકડ કરવામાં આવી હતી. 19 એપ્રિલના રોજ મિલન બારૈયા અને વિરમદેવ સિંહ ગોહિલની ધરપકડ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp