પ્રી-વેડિંગ ફોટોશૂટ, બેબી શાવર સહિતની ખર્ચાળ પ્રથા બંધ કરવા પાટીદાર બહેનોની પહેલ

PC: gujarati.news18.com

સોશિયલ મીડિયાના આજના જમાનામાં દેખા-દેખીનો ખેલ જોરદાર ચાલી રહ્યો છે. લોકો હવે પ્રી-વેડિંગ ફોટોશૂટ, બેબી શાવર, રિસેપ્શન વગેરેમાં પૈસાઓના ધુમાડા ઉડાડવામાં આવે છે. આ મોંઘવારીના જમાનામાં આપણે વધારાનો ખર્ચ કરતા બચવું જોઈએ, તેની જગ્યાએ અવનવી કુપ્રથાઓ આપણે ત્યાં આવી રહી છે અને તેની પાછળ પૈસા પાણીની જેમ વહાવવામાં આવે છે. સમાજમાં પ્રવર્તિ રહેલી કુપ્રથાઓ અને કુરિવાજો પ્રત્યે હવે ધીમે-ધીમે સમાજો જાગૃત થઈ રહ્યા છે.

પાટણમાં 42 લેઉઆ પાટીદાર સમાજમાં પણ કુપ્રથા અને કુરિવાજો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લેઉઆ પાટીદાર સમાજની બહેનોએ એક થઈને સમાજ ચાલી રહેલા કેટલાક નિયમોમાં સુધારા કરવાની પહેલ કરી છે અને લગ્ન કે મરણ સહિતના કોઈ પ્રસંગમાં બિનજરૂરી ખર્ચાઓ તેમજ પ્રથાઓ પર કાપ મૂકવાનુ નક્કી કરવામાં આવ્યું છે. પાટણમાં 42 લેઉઆ પાટીદાર સમાજની બહેનોએ બિનજરૂરી ખર્ચાળ પ્રથાઓ બંધ કરાવવા માટેની પહેલ કરી છે.

પહેલ લગ્નમાં થતા પ્રી-વેડિંગ શૂટ, રિસેપ્શન, બેબી શાવર સહિતની ખર્ચાળ પ્રથાઓ બંધ કરાશે. આ પહેલમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યની મહિલાઓ પણ જોડાઈ છે. આગામી 28મી મેના રોજ પાટણમાં સભાનું આયોજન કરવામાં આવશે. તેમાં લગભગ 3,000 બહેનો આ પહેલ હેઠળ શપથ લેશે. ત્યારે 65 વર્ષ પછી 42 લેઉઆ પાટીદાર સમાજની બહેનો નવું બંધારણ તૈયાર કરશે. વર્ષ 1958માં પાટીદાર સમાજમાં બંધારણ તૈયાર કરાયુ હતું, તે રીતે 65 વર્ષ બાદ ફરીથી બંધારણ બનાવાશે, જેમાં મહિલાનો મહત્ત્વની ભૂમિકા રહેશે.

આ અંગે 42 લેઉવા પાટીદાર સમાજના મહિલા આગેવાન અનિતાબેન પટેલે જણાવ્યું હતું કે, સમાજમાં સુધારો લાવવા 42 લેઉવા પાટીદાર સમાજની બહેનોએ નિર્ણય કર્યો છે. જેમાં લગ્ન પ્રસંગમાં થતા ખોટા ખર્ચા અટકાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત પ્રી-વેડિંગ ફોટોશૂટ, રિસેપ્શન, બેબી શાવર જેવી ખર્ચાળ પ્રથા બંધ કરવામાં આવશે. ભવિષ્યમાં આ રિવાજો વધુ ખર્ચાળ બની શકે છે તેના માટે બહેનો પહેલ કરશે. તો અન્ય એક આગેવાન મધુબેન પટેલે જણાવ્યું કે, પાટીદાર સમાજમાં વ્યાપેલા બિનજરૂરી ખર્ચાળ પ્રથાઓને બંધ કરાવવા માટે આગામી દિવસોમાં બહેનો પહેલ કરશે.

અત્યારે સમાજના દીકરા દીકરીઓ જે વ્યસનો તરફ તથા પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળ્યા છે તેની માટેના ભાગીરથ પ્રયાસ છે. આ માટે 28 મેના રોજ પાટણમાં સભાનું આયોજન કરી બિનજરૂરી પ્રથાઓ બંધ કરાવવા માટે શપથ લેવડાવવામાં આવશે. સાથે સમાજમાં શિક્ષણની જ્યોત જગાવવાનો પ્રયાસ કરાશે.

42 લેઉવા પાટીદાર સમાજના બંધારણમાં કયા કયા સુધારા કરાયા?

લગ્નપ્રસંગે જાનને એક જ રાત રોકી રાખવી, જાનને 2 વખતનું જમાડીને વિદાય આપવી, મામેરામાં 1 રૂપિયાથી 1051 સુધીની રકમ અને દાગીના મુકવા, જાનમાં બેંડવાજા બંધ કરવા, લગ્ન પ્રસંગે કન્યાઓના વરઘોડા બંધ કરવા, લગ્ન પ્રસંગે ફટાણાના બદલે માત્ર શાસ્ત્રીય ગીતો ગાવા, મરણ પાછળ અગિયારમું, બારમું અને તેરમું બંધ કરી, માત્ર એક જ દિવસે લોકાચારે જવું, મૃત્યુ પામનારની પાછળ સજા ભરવાનું બંધ કરવું, મરણ પાછળ મહિલાઓએ વાળ છૂટા કરી છાજિયા લેવાનું બંધ કરવું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp