CM પટેલના કાફલામાં સ્કોર્પિયોની જગ્યાએ નવી Fortunerની એન્ટ્રી, 25 કરોડનો ખર્ચ

PC: jsnewstimes.com

નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી CMના કાફલામાં સ્વદેશી બનાવટની Mahindra Scorpio ગાડીઓને સામેલ કરવામાં આવી હતી. હવે ગુજરાતના નવા CM ભૂપેન્દ્ર પટેલે તે ગાડીઓને જાકારો આપી પોતાના કાફલામાં નવી 12 Toyota Fortuner ગાડીઓને સામેલ કરી છે. સરકારે આ નવા કાફલા માટે અંદાજે 25 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. સામાન્યરીતે મુખ્યમંત્રીના કાફલામાં છ ગાડીઓ રહે છે પરંતુ, ઈમરજન્સીના સમયમાં ઉપયોગમાં લેવા માટે એક સ્ટેન્ડબાય કાફલા તરીકે છ ગાડીઓ રાખવામાં આવી છે. આ તમામ ગાડીઓ બૂલેટપ્રૂફ, જીપીએસ અને અન્ય સુરક્ષા ટેકનિકોથી સજ્જ છે. સોમવારે મુખ્યમંત્રી આ નવી ગાડીમાં સવાર થઈને જ સચિવાલય આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર, CM ભૂપેન્દ્ર પટેલને Scorpio ગાડી કરતા Fortuner ગાડી વધુ પસંદ છે આથી આ ગાડીને તેમના કાફલામાં સામેલ કરવામાં આવી છે. CMના કાફલાની તમામ ગાડીઓ એક જ મોડલ અને એક જ રંગની હોય છે.

વર્ષ 2019માં વિજય રૂપાણી જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે મુખ્યમંત્રી માટે ખરીદવામાં આવેલા 20 વર્ષ જૂના વિમાનને બદલી 191 કરોડના ખર્ચે બોમ્બાર્ડિયર ચેલેન્જર 650 વિમાન ખરીદ્યુ હતું. જોકે, તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી તે વિમાનનો ઉપયોગ કરે તે પહેલા જ તેમની સરકાર જતી રહી અને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.

20 વર્ષ પૂર્વે નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે CM કોન્વોયમાં કોન્ટેસા ગાડીનો ઉપયોગ થતો હતો. બાદમાં સલામતીના કારણોસર CM કોન્વોયમાં Scorpio ગાડીનો ઉપયોગ શરૂ કરાયો હતો. નરેન્દ્ર મોદી બાદ આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને બાદમાં હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાની પહેલી ટર્મમાં Scorpio કારનો જ ઉપયોગ કર્યો હતો. જોકે, હવે CM ભૂપેન્દ્ર પટેલે સલામતી સહિતના કારણોસર તેમજ બદલાતી ટેક્નોલોજી સાથે તાલમેળ સાધવા Fortuner કારનો કાફલો ઉતાર્યો છે. આ નવી Fortuner ગાડીના ડેશબોર્ડ પર સિમંધર સ્વામીની પ્રતિમા પણ મુકવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના હાલના CM ભૂપેન્દ્ર પટેલ સિમંધર સ્વામીમાં અતૂટ આસ્થા ધરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp