રાજકોટમાં ટાઇમ બોમ્બ ફૂટ્યો, મહિલા આવીને બોમ્બ આપી ગઈ અને રાત્રે થયો બ્લાસ્ટ

PC: divyabhaskar.co.in

રાજકોટના ગુંદાવાડી વિસ્તારમાં આવેલી મોબાઇલ એસેસરિઝની દુકાનમાં 7 એપ્રિલ 2023ના રોજ ગુરુવારે એક ઘટના બની હતી, જેમાં એક અજાણી મહિલા સાંજના સમયે પાર્સલ મૂકીને જતી રહી હતી અને લાંબા સમય સુધી લેવા આવી નહોતી. દુકાન બંધ પણ થઇ ગઈ અને પાર્સલમાંથી રાત્રિના સમયે અચાનક વિસ્ફોટ બાદ આગ લાગી ગઇ હતી. આગમાં મોબાઇલની એસેસરિઝ સળગીને રાખ થઇ ગઇ હતી, પાર્સલમાં એવું તે શું હતું કે જેમાંથી આગ લાગી ગઇ? પાર્સલ મૂકી જનારી મહિલા કોણ? અને તેનો ઇરાદો શું હતો? એ મુદ્દે પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. જેમાં આજે મોટો ઘટસ્ફોટ થયો છે.

તપાસમાં સામે આવ્યું છે કે, યુટયૂબના માધ્યમથી ટાઇમર બોમ્બ બનાવી દુકાનમાં બ્લાસ્ટ કરાયો હતો. ધંધાકીય હરીફાઇમાં દેશી બોમ્બ બનાવીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. ગુજરાત મોબાઇલના સંચાલક ભવારામ ચૌધરીએ 7 એપ્રિલે શુક્રવારે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે ગુરુવારે મધ્ય રાત્રીએ તેની દુકાનમાં લાગેલી આગ એ અકસ્માત નહીં, પરંતુ ષડ્યંત્ર હતું. ગુરુવારે સાંજે એક મહિલા ગ્રાહક દુકાનમાં આવી હતી અને પોતાની સાથે લાવેલા પાર્સલ ભૂલી ગયાનું નાટક કર્યું હતું. રાત્રે દુકાન બંધ કરતી વખતે ભવારામે એ પાર્સલ દુકાનની અંદર રાખી દીધું હતું અને મધ્ય રાત્રીએ એ પાર્સલમાંથી વિસ્ફોટ બાદ આગ લાગી ગઇ હતી.

પોલીસે દુકાનના CCTV ફૂટેજ ચેક કરતા પાર્સલ મૂકી જનારી મહિલા કેમેરામાં દેખાઇ હતી. તેણે મોઢે દુપટ્ટો વિંટ્યો હોવાથી તેની ઓળખ પોલીસ માટે પડકારરૂપ બની હતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાંચના PI બી.ટી. ગોહિલને મહત્ત્વની હકીકત મળી હતી અને ST બસપોર્ટ નજીક મોબાઇલ એસેસરિઝની દુકાન ચલાવતા કાલરામ ઉર્ફે કલ્પેશ ચૌધરી અને તેના સાળાને ઉઠાવી લીધા હતા. પૂછપરછમાં પાર્સલ મૂકી જનારી મહિલાની ઓળખ ડોલી નામથી થઇ અને પોલીસે તેને પણ ઉઠાવી લીધી હતી. રિપોર્ટ્સ મુજબ ભવારામ અને કાલારામ બંને રાજસ્થાની છે અને બંને વ્યક્તિ ભાડાની દુકાન ધરાવે છે. બંનેની દુકાનનો માલિક એક જ વ્યક્તિ હોઈ, ધંધાકીય હરીફાઇમાં ગુજરાત મોબાઇલના સંચાલક ભવારામે બસપોર્ટ પાસેની દુકાન કાલારામ પાસેથી ખાલી કરાવી તેણે પોતાને ભાડે આપવા દુકાનમાલિક પાસે પ્રયાસ કર્યા હતા.

ધંધો છીનવવા અને ભવારામને આર્થિક નુકસાન પહોંચાડવા કાલારામ અને તેના સાળા શ્રવણે કાવતરું રચ્યું હતું. બંનેએ સૂતળી બોમ્બનો દારૂગોળો કાઢી એને એક કોથળીમાં નાખ્યો હતો અને એમાં મોબાઇલની બેટરી, ઇલેક્ટ્રિક વાયર અને ઘડિયાળનો ઉપયોગ કરી દેશી બનાવટનો બોમ્બ બનાવ્યો હતો અને એમાં ટાઇમ સેટ કર્યો હતો. બોમ્બ તૈયાર થઇ ગયા બાદ કાલારામે પોતાની દુકાનેથી છૂટકમાં મોબાઇલ એસેસરિઝ લઇ જઇને પોતાની રીતે વેપાર કરતી ડોલીને પોતાના કાવતરામાં સામેલ કરી હતી અને બોમ્બવાળું પાર્સલ ગુજરાત મોબાઇલમાં મૂકી આવવાની ભૂમિકા તેને સોંપી હતી.

ગુંદાવાડી પોલીસચોકીની સામે આવેલી ગુજરાત મોબાઇલની નામની દુકાનમાં ગુરુવારે સાંજના સમયે એક અજાણી મહિલા આવી હતી અને મોબાઇલની એસેસરિઝ વિશે થોડી વાતચીત કર્યા બાદ પોતાની પાસે રહેલું પાર્સલ થોડીવાર માટે રાખવાનું કહી પોતે ખરીદી કરીને થોડી જ વારમાં પાછી આવે છે એવી વાત દુકાનમાલિક સાથે કરી હતી અને પાર્સલ દુકાને મૂકી તે રવાના થઈ હતી. વધુ સમય વિતી ગયા છતા એ મહિલા પરત આવી નહોતી, દુકાન બંધ કરવાનો સમય થયો, પરંતુ મહિલા પાર્સલ લેવા નહીં આવતા દુકાનમાલિકે પાર્સલ સાચવીને દુકાનમાં રાખી દીધું હતું. જો કે રાત્રે પાર્સલમાં રહેલો ટાઇમર બોમ્બ બાસ્ટ થયો હતો.

એ બાદ રાત્રિના સમયે અચાનક જ આગ ભભૂકી ઊઠી હતી, દુકાનમાં આગ લાગ્યાની જાણ થતા દુકાનમાલિક સહિતનાઓ દોડી ગયા હતા. ફાયરબ્રિગેડ સ્ટાફે પાણીમારો ચલાવી આગ બુઝાવી હતી, આગમાં મોબાઇલ એસેસરિઝનો મોટો જથ્થો સળગીને રાખ થઈ ગયો હતા. આગ બુઝાયા બાદ દુકાનમાલિકે પોલીસને જાણ કરી હતી. આ સમગ્ર મામલે તપાસ હાથ ધરાતા પોલીસ દ્વારા FSLની મદદ પણ લેવામાં આવી હતી. ઘટના સમયે DCP ઝોન વન સજનસિંહ પરમારે જણાવ્યું હતું કે FSLના પ્રાઇમરી રિપોર્ટમાં જે પાર્સલમાં બ્લાસ્ટ થયો હતો.

 હિલા જે પાર્સલ મૂકી ગઈ હતી એમાં રમકડાની બેટરી હતી. એ બેટરીમાં લિક્વિડ થવાના કારણે લિક્વિડ બેટરીના સંપર્કમાં આવતા બ્લાસ્ટ થયો હતો. ત્યારે રમકડાની કારના ભૂકાનો કેટલોક ભાગ ગાંધીનગર FSL કચેરીએ વધુ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે. મહિલા જે પાર્સલ મૂકી ગઇ હતી એમાંથી આગ ભભૂક્યાનું દુકાનદારે રટણ કરતા પોલીસની સાથે FSLના અધિકારીઓ પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. પાર્સલ મૂકી જનારી મહિલા કોણ હતી? આવું કૃત્ય કરવા પાછળનો ઇરાદો શું હતો?, સહિતના મુદ્દા ગુંદાવાડી વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp