પાવડો ઉઠાવતા ગેનીબેન પર જમીન પચાવવાનો આરોપ લાગ્યો, તેમણે આપ્યો આ જવાબ

PC: facebook.com/GenibenThakorMLA

બનાસકાંઠા જિલ્લાના વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર એક વીડિયોને કારણે ચર્ચામાં આવી ગયા છે. એક જમીન પર પાવડો મારતા હોય તેવો તેમનો વીડિયો વાયરલ થયો તો ભાંભરના ભાજપ પ્રમુખે આક્ષેપ મુકી દીધો કે ગેનીબેને જમીન પચાવી પાડી. ધારાસભ્યએ પણ વળતો જવાબ આપ્યો છે.

 કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર કોઇ વૃક્ષારોપણના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને પાવડો મારતા હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ભાંભરના ભાજપના પ્રમુખ અમરત માળીએ આક્ષેપ કરતા કહ્યું છે કે ગેનીબેન ખેતીકામ કરી રહ્યા છે તે સરકારી જમીન તેમણે દબાણ કરીને હડપી લીધી છે. ગેનીબેન ઠાકોરે ભાંભરમાં કરોડો રૂપિયાની સરકારી જમીન પર દબાણ કર્યું છે.

અમરત માળીએ આગળ કહ્યુ કે, આ જગ્યા સંસ્થાના નામે ધારાસભ્ય ગેનીબેને હડપી લીધી છે.સરકારના પ્રજા હિતના વાપરવાના નાણાં દિવાલ અને બાંધકામ કરવામાં વાપરી નાંખ્યા છે. તેમણે કહ્યું કે અમે અનેક વખત અરજી કરી છે, ગેનીબેન સામે લેન્ડગ્રેબિંગનો કેસ દાખલ કરવો જોઇએ.

અમરત માળીના આરોપ પર ગેનીબેન ઠાકોરે પલટવાર કરતા કહ્યું છે કે આ જમીન મારી માલિકીની નથી, સંસ્થાની માલિકીની છે. સંસ્થાની જમીન પર વૃક્ષારોપણ કર્યો હોય તો તે વ્યકિતગત થોડું કહેવાય. ગેનીબેને આરોપ લગાવતા કહ્યું કે અમરત માળી જેવા અવળા ધંધા અમે કરતા નથી.

છેલ્લાં 25 વર્ષથી રાજકારણમાં સક્રીય રહેલા ગેનીબેન ઠાકોર બેબાક બોલવા માટે જાણીતા છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોગ્રેસ 182માંથી માત્ર 16 બેઠકો મેળવી હતી, તેમાં એક નામ ગેનીબેનનું પણ છે.

ગેનીબેન ઠાકોર 46 વર્ષના છે અને છેલ્લાં 25 વર્ષથી રાજકારણમાં સક્રીય છે.જો કે તેમના નિવેદનોએ અનેક વખત વિવાદ પણ ઉભા કર્યા છે. ગેનીબેન એક સાવ સામાન્ય ખેડુત પરિવારમાંથી આવે છે.

બનાસકાંઠાના વાવ વિસ્તારમાં તેમની અપાર લોકપ્રિયતાને કારણે બે ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે.

ગેનીબેન માટે એવું કહેવાય છે કે તેઓ દરરોજ અચૂકપણે પોતાના મતવિસ્તારમાં સેંકડો કિલોમિટર સુધી પ્રવાસ કરનાર ધારાસભ્ય છે. લોકો સુધી પહોંચવા તેઓ ગામેગામ દરરોજ ફરે છે. આવું ઘણા ઓછા ઉમેદવારો કરી શકે છે. માત્ર ઠાકોર સમાજ જ નહીં પરંતુ બીજા બધા સમાજોના શુભ-અશુભ પ્રસંગોમાં તેઓ અચૂક ભાગ લે છે.તેઓ જમીન સાથે જોડાયેલાં નેતા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp