રાજકોટઃ BJP કોર્પોરેટરના દીકરાએ પિતાની બંદૂક સાથે બનાવી રીલ, શું કાર્યવાહી થશે?

PC: divyabhaskar.co.in

આજે યુવાનોમાં રીલ્સ બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અત્યારનું યુવાધન રીલ્સ બનાવવાની ઘેલછામાં કાયદા અને વ્યવસ્થાનો ભંગ કરતું હોય તેવા ઘણા કિસ્સા સામે આવી ચૂક્યા છે. હાલમાં જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના મહિલા કોર્પોરેટરના પુત્રએ પોતાના પિતાની રિવોલ્વર કમર પર લટકાવી, કારના બોનટ પર બિન્દાસ બેસીને ફોન પર વાત કરતો હોય એવી રીલ્સ બનાવી છે. આ રીલ્સ પોતાના સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરી હતી.

આ રીલ્સમાં ‘હું જે કાંઇ કામ ધારું એ મારી મેલડી’નો અવાજ આપવામાં આવ્યો છે. પિતાની રિવોલ્વર પુત્ર કેવી રીતે કમર પર લટકાવી શકે એવા સવાલો પણ લોકોમાં ઊઠી રહ્યા છે. જો કે, આ અંગે હજુ સુધી કોઇ પોલીસ ફરિયાદ નોંધાય નથી. વોર્ડ નંબર-6ના કોર્પોરેટર દેવુબેન જાદવનો પુત્ર નિલેશ જાદવ કારના બોનટ પર બેસીને મોબાઇલ પર વાતચીત કરતો અને કમર પર રિવોલ્વર લટકાવીને રીલ્સ બનાવી હતી. એટલું જ નહીં, નેતાના પુત્રએ ઘણા બધા ફોટો ખેંચાવ્યા અને સોશિયલ મીડિયામાં અપલોડ પણ કર્યા હતા.

પોતાની પાસે હથિયારનું લાઇસન્સ ન હોવા છતા રિવોલ્વર લઇને તેના ફોટા ખેંચાવી ફરતા કરવા તે ગુનો ન હોય એવું આગેવાનનો પુત્ર માનતો હશે અથવા તેને તેના માતા-પિતા ભાજપના આગેવાન હોવાથી પોલીસ તેનું કંઇ નહીં કરી શકે એવો વહેમ હશે, પરંતુ રવિવારે સાંજે આ ફોટા ફરતા થતા પોલીસ હરકતમાં આવી હતી. રીલ્સમાં GJ 03 MB 1009 નંબરની સિલ્વર કલરની કારના બોનટ પર એક પગ વાળી અને એક પગ લાંબો કરીને બેઠો નિલેશ નજરે પડી રહ્યો છે.

રીલ્સમાં અન્ય યુવાનો પણ જોવા મળે છે તેમજ રીલ્સમાં શરૂઆતમાં ‘અરે ખબર નહીં કયા રૂપમાં આવીને વહી જાય છે, હું જે કાંઇ કામ ધારું એ મારી મેલડી મારા બોલતા પહેલાં કરી જાય છે’ એવો અવાજ સંભળાય છે અને ત્યારબાદ ‘જય હો મેલડી મા’ના ડાકલા સાથે સોંગ વાગે છે. વીડિયોના અંતમાં મેલડી માનો ફોટો પણ રાખ્યો છે. નિલેશ જે કાર પર બેઠો છે તેની પાછળ ચેરમેનશ્રી માર્કેટ સમિતિ (R.M.C) લખેલી નેમપ્લેટ જોવા મળી રહી છે.

કોર્પોરેટર દેવુબેનના પતિ અને ભાજપ આગેવાન મનસુખ જાદવે સાથે એક એખબાર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે. રિવોલ્વરનું લાઇસન્સ તેમના નામનું (મનસુખ જાદવનું) છે, પુત્ર નિલેશ પાસે હથિયારનું લાઇસન્સ નથી, પરંતુ થોડા દિવસ અગાઉ ઘરે પ્રસંગ હતો ત્યારે પુત્રએ પિતા મનસુખ જાદવના લાઇસન્સવાળી રિવોલ્વર મેળવીને તેના ફાટા ખેંચાવ્યા હતા, ગુનાહિત બેદરકારી રાખવનાર મનસુખ જાદવ અને તેના પુત્ર સામે પોલીસ કાર્યવાહી કરે છે કે નહીં તેના પર બધાની નજર મંડાઇ છે.

રાજકોટ શહેરમાં 6 મહિના અગાઉ જાહેર રસ્તા પર બાઇક ચલાવીને જતા અને ત્યારબાદ અચાનક સાઇડમાં વાહન ઊભું રાખી એકબીજા પર ધોકા વડે હુમલો કરતા હોવાનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ પોલીસે તમામની ઓળખ કરી હતી. ત્યારબાદ બે વ્યક્તિ સાગર ડોડિયા અને અભિષેક હરણેશની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા ધોકા વડે એક-બીજાને માર મારી ઇન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ કર્યાની સ્વીકારી હતી. આ પહેલાં કાલાવડ રોડ પર ખુલ્લી જીપના બોનટ પર બેસી જોખમી સ્ટંટ કરી વીડિયો અપલોડ કરવાના ગુનામાં લોકગાયક શેખરદાન ગઢવીની માલવિયાનગર પોલીસે ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp