સુરતમાં નોકરી અને નવસારીના ડાયરામાં PSI પર બુટલેગરોએ નોટોનો વરસાદ કર્યો

PC: news18.com

નવસારીમાં આયોજિત એક ડાયરાના કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં PSI પર કેટલાંક લોકો ચલણી નોટોનો વરસાદ કરી રહ્યા છે અને પાછા PSI ખુશીથી ઝુમી પણ રહ્યા છે અને નોટોના થઇ રહેલા વરસાદની મજા માણી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે PSI પર નોટોનો વરસાદ કરનારા લિસ્ટેડ બુટલેગરો હતા.બીજી આશ્ચર્યની વાત એ છે કે આ PSIની નોકરી અત્યારે સુરત ટ્રાફિક વિભાગમાં છે, પરંતુ તેઓ નવસારી ડાયરામાં ભાગ લેવા ગયા હતા. તેઓ અગાઉ નવસારી નોકરી કરી ચૂક્યા છે.

જાણવા મળેલી માહિતી પ્રમાણે નવસારીમાં સાંઇ મંદિરમાં ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી કલાકાર અપેક્ષા પંડ્યાનો ડાયરો ચાલી રહ્યો હતો. આ કાર્યક્રમમાં સુરત શહેર ટ્રાફિક વિભાગના PSI એસ.એફ. ગોસ્વામી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં લિસ્ટેડ બુટલેગરો લાલો અને દીપક ઉર્ફે કાલે બાબા પણ હાજર હતા અને તેમણે PSI પર નોટોનો વરસાદ કર્યો હતો. તમે વીડિયો જોશો તો ખબર પડશે કે નોટોના થપ્પાના થપ્પા PSIના માથા પરથી ઓવારવામાં આવતા હતા. PSI પાછા ડાયરાની તાલે ઝુમતા દેખાય છે અને નોટોના વરસાદ સામે તેમને કોઇ વાંધો નથી એવું સ્પષ્ટ વીડિયોમાં દેખાઇ રહ્યું છે.

કુખ્યાત બુટલેગરો જે રીતે બિન્દાસ્ત PSI પર નોટો ઉડાવી રહ્યા હતા, જેના પરથી એવું લાગે છે કે બુટલેગરોને પોલીસનો કોઇ ડર નથી.

જ્યારે મીડિયાએ PSI એસ એફ ગોસ્વામીને વાયરલ વીડિયો વિશે પુછ્યું તો તેમણે પાંગળો જવાબ આપતા કહ્યું હતું કે, મને તો રિક્ષા એસોસિયેશને આમંત્રણ આપ્યું હતું એટલે મારી ડ્યુટી પતાવીને માત્ર આંટો મારવા ગયો હતો. સ્ટેજ પરના વ્યક્તિઓને હું ઓળખતો નથી અને તેમણે મારા પર નોટો શું કામ ઉડાવી તે પણ મને ખબર નથી. સ્થાનિક પોલીસ સ્ટેજથી દુર હતી અને મારી ફરજ તો સુરતમાં છે.

PSI  નવસારીમાં નોકરી કરી ચૂક્યા છે અને બુટલેગરોને ઓળખી ન શક્યા હોય તેવી વાતો લોકોના ગળે ઉતરતી નથી. જો PSI સ્ટેજ પરના લોકોને ઓળખતા જ ન હોય તો તેમના નોટોના અભિવાદનનો PSIએ અસ્વીકાર કેમ ન કર્યો? એવો પણ સવાલ લોકો પુછી રહ્યા છે.

અત્યારે સોશિયલ મીડિયા પર PSIનો આ વીડિયો જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp