અમદાવાદ:પેસેન્જર હતા છતા બસ રોકી BRTSનો ડ્રાઈવર પાણીપુરી ખાવા ઉતરી ગયો મળી આ સજા

PC: iamgujarat.com

નાગરિકોને જાહેર પરિવહન સેવા માટે AMC દ્વારા બસ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ સર્વિસ (BRTS) સેવાની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદની BRTS બસના ડ્રાઇવરની મનમાનીનો એક વીડિયો સામે આવ્યો છે. બસનો ડ્રાઈવર ચાલુ બસ રોકી પાણી પૂરી ખાવા જતો રહ્યો હતો. ઝુંડાલ સર્કલથી ત્રિમંદિર રૂટના બસના ડ્રાઇવરનો આ વીડિયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અડાલજ સ્વાગત સિટી પાસે આ રીતે બસ ઊભી રાખીને ડ્રાઇવરે પાણીપૂરી ખાધી હોવાની જાણકારી મળી રહી છે.

ચાલુ નોકરી દરમિયાન બસ રોકી અને પાણીપૂરી ખાવા ગયેલા બસ ડ્રાઈવરનો વીડિયો એક અખબારે અમદાવાદ જનમાર્ગ લિમિટેડના જનરલ મેનેજર વિશાલ ખનામાને વીડિયો આપ્યો હતો. જેમાં મેનેજરે આ સંદર્ભે તપાસ કરાવતા 1 એપ્રિલ 2023ના રોજનો આ વીડિયો હોવાનું સામે આવ્યું છે. ડ્રાઇવરનું નામ નીરજ પરમાર છે. અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા ડ્રાઇવરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

બસ ઓપરેટર ટાટાની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે અને તેને 15,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બસનો ડ્રાઇવર જ્યાં સુધી પાણીપૂરી ખાઈને પાછો ન આવ્યો, ત્યાં સુધી મુસાફરોને બસમાં જ બેસી રહેવું પડ્યું હતું અને તેમને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે બસના ડ્રાઇવર દ્વારા ચાલુ નોકરી દરમિયાન પાણીપૂરી ખાવા માટે ચાલુ બસને રોકી હોવાના વીડિયો બાબતે અમદાવાદ જનમાર્ગ લિમિટેડ (BRTS)ના જનરલ મેનેજર વિશાલ ખનામાએ જણાવ્યું હતું કે, મારા ધ્યાન ઉપર આવો કોઈ વીડિયો આવ્યો નથી. તમે મને વીડિયો મોકલી આપો હું આ સંદર્ભે તાત્કાલિક તપાસ કરાવું છું.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી જાહેર પરિવહનની સેવા એવી BRTS અને AMTS બસના ડ્રાઈવરો દ્વારા ચાલુ ફરજ દરમિયાન પોતાની મનમાની કરવામાં આવતી હોવાના કિસ્સા સામે આવતા રહે છે. અડાલજ ત્રિમંદિરથી ઝુંડાલ સર્કલ સુધીની BRTS બસના ડ્રાઇવરનો એક વીડિયો સામે આવ્યો છે. બસના ડ્રાઈવરે લગભગ 10 મિનિટ બસ ઊભી રાખી હતી, જેના કારણે મુસાફરોને પરેશાન થવાનો વારો આવ્યો હતો. BRTS બસના ડ્રાઇવરની આ મનમાનીનો વીડિયો બસમાં જ બેઠેલા એક મુસાફર દ્વારા ઉતારી વાયરલ કરવામાં આવ્યો હતો. BRTSનું સંચાલન અમદાવાદ જનમાર્ગ લિમિટેડ કંપની દ્વારા કરવામાં આવે છે, જેને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફંડ પૂરું પાડવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp