સુરતમાં ઇસ્કોન બ્રિજ જેવી ઘટના, BRTS રૂટમાં છાકટા કાર ચાલકે 6 લોકોને ઉડાવ્યા

PC: divyabhaskar.co.in

સુરતમાં એક કાર ચાલકે અમદાવાદમાં તથ્ય પટેલે કરેલા અકસ્માતની યાદ તાજી કરાવી દીધી છે. કાપોદ્રામાં રાત્રે પૂરપાટ ઝડપે આવતા સ્વિફ્ટ કારના ચાલકે BRTS રૂટ પર 3 ટૂ-વ્હીલર ચાલક અને 3 વટેમાર્ગુઓને ઉડાવ્યા હતા. આ ઘટનાને કારણે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. આ અકસ્માતમાં લોકોએ કાર ચાલકને પકડી મેથીપાક ચખાડ્યો હતો. આ સાથે જ ઘટનાસ્થળ પર ઉપસ્થિત લોકોએ ‘આ તથ્યનો ભાઈ જ છે’ કહી કડક સજાની માગણી કરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ, ઉતરાણના રાજપૂત ફળિયામાં રહેતો સાજન પટેલ (ઉંમર 27 વર્ષ) બર્થડે પાર્ટીમાં દારૂ પીને સ્વિફ્ટ ગાડી (ગાડી નંબર GJ 05 RR 9995) લઈને રચના સર્કલ જવા નીકળ્યો હતો. જવાહનર નગર ચાર રસ્તા પરથી પૂરપાટ ઝડપે જતા આ યુવકે કાર ધીમી કરવાને બદલે સ્પીડમાં હાંકી મુકી હતી. સાજન પટેલ ઉતરાણમાં રહે છે અને ગાડીઓની લે-વેચનો ધંધો કરે છે. સાજન સ્વસ્થ થતા પોલીસે તેની ધરપકડ કરી છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલી સ્નેહ મુદ્રા સોસાયટી પાસે રાત્રે સ્વિફ્ટ કારના ચાલક સાજન પટેલે BRTS રૂટમાં 3 બાઈક અને 2 રાહદારીઓ સહિત 6 જેટલા લોકોને અડફેટે લઈ લીઘા હતા. પૂરપાટ ઝડપી આવી રહેલી સ્વિફ્ટ કારે એક બાદ એક એમ 3 બાઈકોને અડફેટે લઇ લીધી હતી.

BRTS રૂટ પૂરો થઈ રહ્યો હતો, ત્યાં ચાર રસ્તા પર બાઇક સવાર લોકો રોડ ક્રોસ કરી BRTS રૂટમાં જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માત થયો હતો. અકસ્માત થવા છતા કાર ઊભી રાખવાને બદલે સાજન પટેલે ભગાવવાનો પ્રયત્ન કર્યો હતો. લોકોએ કાર ચાલક સાજન પટેલને પકડ્યો ત્યારે દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું હતું. કારચાલકે લગભગ 20 ફૂટ જેટલા બાઈક ચાલકોને ઢસડી નાખ્યા હતા. ત્યારબાદ કારની એરબેગ પણ ખૂલી ગઈ હતી.

ઘટનાસ્થળથી 25 ફૂટ દૂર કાર રોકાઈ હતી. અકસ્માતના કારણે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. લોકોએ કાર ચાલકને કારમાંથી બહાર કાઢી મેથીપાક ચખાડ્યો હતો. અકસ્માતની જાણ થતા કાપોદ્રા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્તોને નજીકની ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કારચાલકને સ્મીમેર હૉસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

બધા ઈજાગ્રસ્તોને હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. લોકોના જણાવ્યા મુજબ, કાર ચાલક દારૂના નશામાં હતો. જેથી લોકો વધુ ઉશ્કેરાયા હતા અને કારચાલકને માર માર્યો હતો. કાપોદ્રા PI એમ.બી. વાછાણીએ જણાવ્યું હતું કે, કારચાલક દારૂના નશામાં હોવા મામલે સ્મીમેર હૉસ્પિટલમાં સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સાથે જ ફરિયાદ નોંધવાની પણ કાર્યવાહી ચાલી રહી છે. વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે.

એક ઈજાગ્રસ્ત કિશન હીરપરાના પિતા અશ્વિનભાઈએ જણાવ્યું હતું કે, મારો દીકરો કિશન ATMમાંથી પૈસા ઉપાડી ઘરે પાછો આવી રહ્યો હતો. ત્યારે આ કારચાલકે અડફેટે લીધો હતો. આ કારચાલક દારૂના નશામાં હતો. હાલ મારા દીકરાને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેને 3 જેટલાં ઓપરેશન આવે એમ છે. તેના હાથમાં ઇજા થઇ છે. જ્યારે એક પગ ભાંગી ગયો છે. તેની સાથે રહેલા યશ ઘેવરિયાને પણ ઇજા થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp