26th January selfie contest

સુરતમાં કારે બાઇક સવાર યુગલને મારી ટક્કર, 12 કિમી સુધી ઘસડતા યુવકનું મોત

PC: m.crimetak.in

તાજેતરમાં જ દિલ્હીમાં અકસ્માત બાદ એક છોકરીને કાર નીચે ખેંચી જવાની ઘટનાએ હોબાળો મચાવ્યો હતો. આવી જ એક ઘટના ગુજરાતના સુરતમાં બની છે. જ્યાં એક કારે બાઇક પર જઈ રહેલા દંપતીને ટક્કર મારી અને કારની નીચે આવેલા પતિને 12 કિમી સુધી ખેંચી ગયા! પાછળથી આવતા એક વ્યક્તિએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને પોલીસને મોકલી દીધો. આ ઘટના ગત બુધવારે સુરતના પલસાણાના તાંતીથૈયા ગામ પાસે બની હતી. પોલીસે વીડિયો દ્વારા કારનો નંબર જાણી લીધો છે. પોલીસ ટૂંક સમયમાં આરોપીઓને પકડવાનો દાવો કરી રહી છે.

બાઇક સવાર પતિ-પત્નીની ઓળખ સાગર પાટીલ અને અશ્વિની તરીકે થઈ છે. ગંભીર રીતે ઘાયલ પત્ની તેના પતિને શોધી રહી હતી. ઘટના સ્થળથી 12 કિમી દૂર પતિ સાગરની લાશ ખરાબ હાલતમાં મળી આવી હતી. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે, પરંતુ આ ઘટના જ્યાં બની તે આસપાસના વિસ્તારમાં CCTV કેમેરા નહોતા. આવી સ્થિતિમાં દેવદૂત બનીને આવેલા એક યુવકે સાવધાની દાખવતા આ વાહનનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. જેના દ્વારા પોલીસે વાહનનો નંબર શોધી કાઢ્યો છે. પોલીસ આ ઘટનાને અંજામ આપનાર વ્યક્તિને શોધી રહી છે.

વાસ્તવમાં સાગર પાટીલની પત્ની અશ્વિની મકરસંક્રાંતિના કારણે બગુમરા ગામમાં તેની માસીના ઘરે ગઈ હતી. ગત બુધવારે સાગર તેને લેવા આવ્યો હતો. બંને રાત્રે 10 વાગ્યાના સુમારે બાઇક પર સુરત આવી રહ્યા હતા, ત્યારે અચાનક પાછળથી આવતી કારે તેમને ટક્કર મારી હતી. અશ્વિની ઉછળીને રસ્તા પર દૂર પડી ગઈ, આજુબાજુથી લોકો આવ્યા પણ અંધારામાં તેનો પતિ મળ્યો નહીં. હોસ્પિટલમાં સારવાર દરમિયાન અશ્વિનીને ખબર પડી કે, અકસ્માત સ્થળથી લગભગ 12 કિમી દૂર તેના પતિની લાશ મળી આવી હતી. આટલા લાંબા અંતર સુધી ખેંચી જવાથી સાગરનું શરીર ખૂબ જ ખરાબ હાલતમાં હતું.

પોલીસે જણાવ્યું હતું કે, રોડ પર ઘસડાવાને કારણે યુવકના શરીરના હાડકા પણ દેખાઈ રહ્યા હતા. યુવકની છાતીનો એક ભાગ પણ રોડ પર પડ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ ડ્રાઈવર હોશમાં હતો અને તેણે ડરના કારણે કાર રોકી ન હતી. કડોદરા પોલીસે કાર ચાલક સામે હિટ એન્ડ રનનો ગુનો નોંધ્યો છે. આરોપીની શોધખોળ ચાલુ છે. પોલીસે જણાવ્યું કે, વીડિયો બનાવનાર યુવકના કાર્યને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત રાજ્ય સરકારની પહેલ હેઠળ તેનું સન્માન કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp