હાર્ટએટેકના વધતા કેસને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મહત્ત્વનો નિર્ણય
છેલ્લા કેટલાક સમયથી હાર્ટએટેકના કારણે લોકોના મોત થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં રોજ એવરેજ 1-3 હાર્ટએટેકની ઘટના બની રહી છે.બે દિવસ અગાઉ જ રાજકોટમાં 15 વર્ષીય કિશોર પૂજન ઠુમ્મરનું હાર્ટએટેકના કારણે મોત થવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોમ્પ્લેક્સમાં રમતગમતની પ્રેક્ટિસ માટે આવનાર લોકોને જો હૃદયને લાગતી અથવા અન્ય કોઈ બીમારી હોય તો તેવા લોકોએ રમતગમતની ટ્રેનિંગ લેવી નહીં. તેમજ ફિટનેસ માટેનું ડૉક્ટરી સર્ટિફિકેટ સંબંધિત રમતના કોચને રજૂ કરવા કે સંબંધિત વ્યક્તિની જવાબદારી રહેશે તે પ્રકારના પોસ્ટર લગાવવામાં આવ્યા છે.
હાલમાં બાસ્કેટબોલ કોર્ટ, ટેનિસ કોર્ટ, મેઇન્સ જિમ, સ્વિમિંગ પૂલ સહિતના સ્થળે પોસ્ટર લગાવવામાં આવ્યા છે. તો સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં રમતગમત રમવા આવનારા ખેલાડીઓએ યુનિવર્સિટીના આ નિર્ણયને આવકાર્યો છે. ખેલાડીઓનું કહેવું છે કે, એ જ પ્રકારે અન્ય યુનિવર્સિટી તેમજ શાળાઓમાં પણ આ પ્રકારના નિર્ણયનો અમલ થાય તો હાર્ટએટેકના કારણે થતા મોતને અટકાવી શકાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જાણકારો મુજબ, નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં એક મહિલા સાંજના સમયે સ્વિમિંગ પુલમાં પ્રેક્ટિસ કરી રહી હતી.
તેને અચાનક સ્ટ્રોક આવતા તબિયત બગડી હતી. જેના કારણે તેને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર મામલો કુલપતિ અને કુલસચિવ સુધી પહોંચતા ફિટનેસ સર્ટિ અંગેનો નિણર્ય લેવામાં આવ્યો છે. જાણીતા શિક્ષણવિદ્ નિદત બારોટે જણાવ્યું હતુ કે, હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં ઘટના બની હતી. ત્યારબાદ આ બાબતનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 18-30 વર્ષની ઉંમરના યુવાનો સાથે સાથે યુનિવર્સિટી બહારના લોકો પણ રમત રમવા આવતા હોય છે. ત્યારે રમત ગમત રમવા આવનારા વ્યક્તિ પોતાના ફિટનેસ પ્રત્યે વધુ જાગૃત થાય એ જરૂરી છે. સ્વિમિંગ સહિતની વધુ પડતી એક્સરસાઈઝ હૃદયની બીમારીવાળા વ્યક્તિઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ જ સંદર્ભે યુનિવર્સિટીએ નોટિસ લગાવવાની શરૂ કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્વિમિંગપુલ પર લગાવેલી નોટિસમાં હૃદયરોગની બીમારી ધરાવતા વ્યક્તિઓને સ્વિમિંગ સહિતની પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp