26th January selfie contest

દેવાયત ખવડની વધશે મુશ્કેલી, રેકી કર્યા બાદ હુમલો કર્યાના CCTV ફૂટેજ આવ્યા સામે

PC: humdekhenge.in

20 દિવસ પૂર્વે રાજકોટ શહેરના સર્વેશ્વર ચોકમાં મયૂરસિંહ રાણા નામના યુવક પર લોક સાહિત્યકાર દેવાયત ખવડ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે ગુનો સાબિત થતાં હાલ ખૂની હુમલો કરવાના ગુનામાં હાલ જેલવાસ ભોગવી રહેલા દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો થયો છે. દેવાયત ખવડે મયૂરસિંહની ઓફિસ નજીક રેકી કર્યા બાદ હુમલો કર્યાનું પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું હતું. તપાસમાં પોલીસને રેકી કર્યા બાદ હુમલો કર્યો હોવાના CCTV ફૂટેજ સહિતના પુરાવા મળતા. આ કેસમાં પૂર્વયોજિત કાવતરાની કલમ 120 (B)નો ઉમેરો કરવા પોલીસ દ્વારા કોર્ટમાં રિપોર્ટ કર્યો છે.

આ સમગ્ર કેસમાં પોલીસ દ્વારા ગુનાને અંજામ આપનાર આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ કરવામાં આવ્યા હતા. જે દરમિયાન દેવાયત ખવડ અને તેના સાગરીતો દ્વારા આ હુમલો પૂર્વયોજિત કાવતરું ઘડીને કરાયો હતો કે કેમ? એ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. જેનો જવાબ આપતા હુમલાખોરોએ એવી કેફિયત આપી હતી કે, એક દોઢ વર્ષ પહેલાં મયૂરસિંહ રાણા સાથે થયેલા ઝઘડા પછી તેમના વચ્ચે મનદુઃખ ચાલતું હતું. સેકન્ડહેન્ડ કાર ખરીદવી હોવાથી દેવાયતના બે સાગરીત હરેશ ઉર્ફે કાનો અને કિશન કુંભારવાડિયા બનાવના દિવસે એક કાર જોવા લાવ્યા હતા. જે કાર લઇને તેઓ ટેસ્ટ ડ્રાઇવ માટે નીકળ્યા હતા, જે દરમિયાન મયૂરસિંહ તેઓને પગપાળા જતો દેખાયો હતો. ત્યારે આવેશ, ઉશ્કેરાટમાં આવી તેઓએ પાઇપ અને ધોકાથી મયૂરસિંહ પર હુમલો કર્યો હતો.

ત્યારે સવાલ એ ઊભો થાય છે કે, જો તેઓ કાર ટેસ્ટ ડ્રાઇવમાં લઇને નીકળ્યા હતા તો કારમાં પાઇપ, ધોકા ક્યાંથી આવ્યા? જે બાબતે તપાસ અધિકારી દ્વારા કરાયેલી ઝીણવટભરી તપાસમાં હુમલાખોરોએ ભોગ બનાનાર મયૂરસિંહ રાણા ઓફિસેથી નીકળ્યા એ પહેલા જ તેની ઓફિસ નજીક રેકી કરી હોવાના CCTV ફૂટેજ સહિતના પુરાવા મળી આવ્યા હતા. આથી પોલીસે કોર્ટમાં પૂર્વયોજિત કાવતરાની કલમનો ઉમેરો કરવા રિપોર્ટ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેવાયત સહિત ત્રણેય હુમલાખોર ખૂની હુમલો કર્યા પછી ફરાર થઇ ગયા હતા અને દબાણ વધતા તેઓ સામેથી બનાવના નવમા દિવસે પોલીસના શરણે આવ્યા હતા.

ઘટનાની વાત કરીએ તો, 7 ડિસેમ્બરના રોજ રાજકોટ શહેરના કાલાવડ રોડ પરની વિષ્ણુવિહાર સોસાયટીમાં રહેતા 47 વર્ષીય બિલ્ડર મયૂરસિંહ સંપતસિંહ રાણા બપોરના સમયે સર્વેશ્વર ચોકમાં ચિત્રકૂટ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી પોતાની કાર પાસે જઈ રહ્યા હતા. જે દરમિયાન અચાનક પાછળથી એક કાર તેની પાસે ધસી આવી હતી અને દેવાયત ખવડ તથા એક અજાણ્યો શખ્સ કારમાંથી નીચે ઊતર્યા હતા. જો કે, દેવાયત સહિત બન્ને શખસ મયૂરસિંહ કંઈ સમજે એ પહેલાં જ તેના પર ધોકા પાઇપ લઈને તૂટી પડ્યા હતા અને જાહેરમાં આ ખૂની હુમલો કર્યો હતો. આ ઘટનાને અંજામ આપ્યા બાદ દેવાયત તેમજ તેના સાગરીતો કારમાં ફરાર થઈ ગયા હતા. જો કે, આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ મયૂરસિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં A.ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી. જો કે, દેવાયતને પોલીસ આવવાના ભણકારા વાગતાં જ તે ભૂગર્ભમાં ઊતરી ગયો હતો.

આજથી બે મહિના પૂર્વે મયૂરસિંહે પોલીસમાં કરેલી અરજી અનુસાર, હું તા.23/09/2021ના રોજ રાત્રે તેના કૌટુંબિક મામાના ઘરે બેસવા ગયો હતો. ત્યાંથી હું મારા ઘરે જવા નીકળ્યો ત્યારે મને ખબર પડી કે દેવાયત ખવડે મામાના ઘ૨ની ડેલી સામે ગેરકાયદે ગાડી પાર્ક કરી હતી અને ચાલ્યા ગયા હતા. જેથી અમે દેવાયત ખવડને આ અંગે જાણ કરી ગાડી હટાવી લેવા જણાવતા નશામાં ધૂત દેવાયતે મને રિવોલ્વોર દેખાડીને કહ્યું હતું કે 'તારાથી થાય એ કરી લે, ગાડી ત્યાંથી નહીં હટે. પોલીસ પણ મારી મુઠ્ઠીમાં છે ગમે તે ગુનામાં ફિટ કરાવી દઈશ..' આવી ધમકી આપી હતી. એ જ રાત્રે અમે પોલીસ બોલાવી હતી. પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો અને અમારી જ્ઞાતિના મોભીઓએ દેવાયત સાથે અમારું સમાધાન કરાવ્યું હતું.

દેવાયત ખવડ રાજકોટના મૂળીદૂધઈ ગામનો મૂળ વતની છે. તેણે પ્રાથમિક શિક્ષણ આ જ ગામમાં પ્રાપ્ત કર્યું હતું. મજૂરીકામ કરીને તેના પિતા દાનભાઈ ખવડ ઘરનું ગુજરાન ચલાવતા હતા. દેવાયત બાળપણથી જાણીતા લોકસાહિત્યકાર ઈશુદાન ગઢવીને સાંભળતો હતો અને તે તેમની પ્રેરણાથી જ લોકસાહિત્યકાર બન્યો હતો. ડાયરા કરતાં વિવાદમાં દેવાયત ખવડનું નામ વધુ ગુંજે છે. પોતાના ડાયરામાં દેવાયત ખવડ હરહંમેશ એક સંવાદ બોલે છે. જે અંતર્ગત‘રાણો રાણાની રીતે હો’ તેવો સંવાદ તે બે વર્ષ પૂર્વે ડાયરા દરમિયાન બોલ્યો હતો અને ટિકટોક ગર્લ કીર્તિ પટેલ સાથે આ સંવાદને કારણે તે આક્ષેપ પ્રતિ આક્ષેપમાં સપડાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp