છોટા ઉદેપુરઃ 400 વર્ષ જુના વડલો ગમે ત્યારે ઢળી પડશે, તંત્રની ઉંઘ ઉડતી નથી

PC: facebook.com/sanjaubaba0274

છોટા- ઉદેપુરમાં આવેલા જબુગામમાં ઓરસંગ નદીના કિનારે એક 400 વર્ષ જુનો વ઼ડલો અત્યારે તો અડીખમ ઉભો છે, પરંતુ વર્ષ 2022માં વરસાદની સીઝનમાં આ વડલાની આજુબાજુ મોટા પાયે ધોવાણ થયું છે અને નેચર પ્રેમીઓ અને ગામના લોકોને ચિંતા છે કે હવે જો ધોધમાર વરસાદ આવશે તો આ વડલો કદાચ ઢળી પડશે. ગામના લોકોને એ વાતની પણ ચિંતા છે કે જો આ વડલો ધરાશાયી થશે તો ગામની વિરાસત, ગામની ધરોહર પણ ખોવાઇ જશે. પ્રકૃતિ પ્રેમીઓએ વન વિભાગ, છોટા ઉદેપુરના જિલ્લા કલેકટર, પંચાયચ બધાને રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી તંત્રના પેટનું પાણી હાલ્યું નથી. કદાચ વડલો પડશે પછી જ તેમની ઉંઘ ઉડશે એવું લાગે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર પર્યાવરણ પ્રેમીઓનું એક ગ્રુપ છે જેનું નામ છે વન- વગડો. આ પેજ પર સંજયસિંહ રાણા જે નેચર લવર છે તેમણે એક પોસ્ટ મુકી છે કે,જબુગામ માં ઓરસંગ નદી ના કાંઠે આવેલ લગભગ ૪૦૦ વર્ષ નું આયુષ્ય ધરાવતું અને લોકવાયકા મુજબ છોટા- ઉદેપુર જિલ્લા નું સૌથી જૂનું વટવૃક્ષ જેને જબુગામ પંથકના લોકો હોઢરબાવા નો વડલો ના નામ થી ઓળખે છે લગભગ ૪ સદી નો ઇતિહાસ સાચવી ને બેસેલ આ વટવૃક્ષ જુલાઈ ૨૦૨૨ માં આવેલા ધોધમાર વરસાદના પગલે તેની એક બાજુ ખુબ ધોવાણ થયું છે.હવે લાગે છે કે આવતા વર્ષે જો થોડો ઘણો પણ વધારે વરસાદ થશે તો  જબુગામ નું હેરિટેજ સાઇટ કહી શકાય એવી ધરોહર હંમેશ ને માટે ખોવાઈ જશે.

Khabarchhe.Comએ જ્યારે આ વિગત જાણી તો સંજયસિંહ રાણા સાથે ફોન પર વાત કરી હતી.સંજય સિંહે કહ્યું કે 400 વર્ષ જુના જબુગામમાં આવેલા વડલાની બે બાજુ ભારે ધોવાણ થયું છે અને વટવૃક્ષના મુળિયા વધારે ઉંડા હોતા નથી. અમને એ વાતની ચિંતા છે કે જ્યારે વડલો બે બાજુથી કમજોર પડી ગયો છે તો કેટલા દિવસ ટકશે?

સંજયસિંહે કહ્યુ કે અમે ગ્રુપના લોકોએ 50-50 લોકોની સહી સાથે વન વિભાગ, પંચાયત, જિલ્લા કલેટકર બધાને 6 મહિનાથી રજૂઆત કરી છે, પરંતુ વડલાને બચાવવા માટેની કોઇ કાર્યવાગી કરવામાં આવી નથી. સંજયસિંહે કહ્યું કે, અમારે તો વડલાને બચાવવો જ છે, એટલે ગામના યુવાનો અને વન પ્રેમીઓએ નક્કી કર્યું છે, એક સપ્તાહ સુધીમાં જો તંત્ર દ્રારા કોઇ કામગીરી કરવામાં નહીં આવે તો અમે જાતે જ બધા ભેગા મળીને વડલાને બચાવવાની કામગીરી શરૂ કરી દઇશું.

જંગલ કે વૃક્ષ વિનાની પૃથ્વી ધડ વિનાના માનવી જેવી છે અને ક્યાં તો આપણે એ ધડને કાપી રહ્યા છે અને જે છે તેની જાળવણી નથી કરતા. પૃથ્વી પર પર્યાવરણનું સંતુલન જાળવી રાખવાં માટે પ્રકૃતિનાં દરેક રંગ અને રૂપને સમરસ જાળવવાં જરૂરી છે. પરંતુ આ નઘરોળ તંત્રને કોણ સમજાવે.

Khabarchhe.Comએ છોટા ઉદેપુરના જિલ્લા કલેકટર  IAS સ્તુતિ ચરણને ફોન કર્યો હતો, પરંતુ તેમનો ફોન નો રીપ્લાય થયો હતો.  એ પછી અમે રાજ્યકક્ષાના વન મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ સાથે ફોન પર વાત કરી હતી. મંત્રીએ કહ્યું કે, મારી જાણમાં નથી, પરંતુ તમે કહો છો તો તપાસ કરાવીને યોગ્ય પગલાં લેવડાવીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp