કાળો કલર કરનાર હર્ષદ ગઢવીના ફરિયાદી ભૂપતભાઈએ કહ્યું મારી સહી લેવાઈ મને તો...

PC: news18.com

સાળંગપુર હનુમાન મંદિરમાં આવેલી 'કિંગ ઓફ સાળંગપુર'ની 54 ફૂટની વિશાળ મૂર્તિ નીચેના ભીંતચિત્રો મામલે વિવાદ રોજબરોજ વધી રહ્યો છે. પોલીસ ફરિયાદમાં જેનું નામ ફરિયાદી તરીકે છે તે વ્યક્તિનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ફરિયાદી ભુપતભાઈ સાદુળભાઈ ખાંચર ખુલાસા કરી રહ્યો છે. તેણે મોટો આરોપ લગાવ્યો છે કે, મારી જાણ બહાર આ કેસમાં ફરીયાદી તરીકે મારું નામ ઉમેરાયું છે. આ વીડિયો સામે આવ્યા બાદ વિવાદ વધુ વઘે તેવી શક્યતા છે. સાળંગપુર ભીંતચિત્રો પર કાળો રંગ લગાવનાર હર્ષદ ગઢવી કેસના ફરિયાદીએ વીડિયો બનાવીને કેટલાક ખુલાસા કર્યા છે. 

ફરિયાદી ભુપતભાઈ ખાંચરે ખુલાસો કરતા જણાવ્યુ કે, હું હનુમાનજી મંદિરે સિક્યોરિટી તરીકે ફરજ બજાવું છું. જે દિવસે ભીંતચિત્રો પર કાળો રંગ લગાવવાની ઘટના બની ત્યારે હું ડ્યૂટી પર જ હતો. ઘટના બન્યાના થોડા સમય બાદ મને ઓફિસમાં બોલાવી પૂછ્યું હતું કે તું ત્યાં જ હતો? ત્યારબાદ ઓફિસમાં એક કાગળ ઉપર સહી કરાવી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયાના માધ્યમથી મને ખબર પડી કે, મને ફરીયાદી બનાવ્યો છે. મારી જાણ બહાર આ મામલે ફરીયાદી તરીકે મારું નામ ઉમેરાયું છે. જેથી હું આ ખુલાસો કરું છું. આ ખુલાસો કોઈના દબાણથી કરતો નથી.

આ સાથે તે એમ પણ કહે છે કે, ચારણ સમાજ કે અન્ય સમાજની લાગણી દુભાય હોય તો હું દિલગીર છું અને હું નિર્દોષ છું. ભીંત ચિત્રોને કલર કરવાના કેસના ફરિયાદી ભુપતભાઈ ખાંચરે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. રિપોર્ટ મુજબ, સાળંગપુર મંદિરમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ભુપતભાઈ ખાંચરે 3 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. ‘કિંગ ઓફ સાળંગપુર’ પ્રતિમાની નીચે બનેલા ભીંતચિત્રો પર કાળી સ્યાહી લગાવીને નુકસાન પહોંચાડ્યું છે. તેને રોકનાર લોકોને મારી નાખવાની ધમકી આપવી, ધાર્મિક જૂથો વચ્ચે વૈમનસ્ય ફેલાવવું વગેરે આરોપો હેઠળ કાળો રંગ લગાવનાર હર્ષદ ગઢવી અને અન્ય બે લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

પોલીસે આ મામલે કલમ 295(A), 153(A), 120 (B), 427 અને 506(2) હેઠળ ગુનો નોંધ્યો છે. સાળંગપુરના હનુમાન મંદિરના વિવાદ મામલે મહત્ત્વની મીટિંગ કરવામાં આવી હતી. આ અંગે વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડૉ. સંતવલ્લભ સ્વામીએ કહ્યું હતું કે, ‘સમગ્ર સ્વામિનારાયણ પરંપરાના સંતો સનાતન પરંપરાનો ભાગ છે. આ વિવાદનો સુખદ અંત આવે તે માટે સૌ સંતોએ કષ્ટભંજન દેવના ચરણોમાં એકસૂરે પ્રાર્થના કરી છે.

સમાજ, ધર્મ, રાજકીય આગેવાન અને સત્સંગના આગેવાનો સાથે સંત સમિતિની નિમણૂક કરી છે. તે સમિતિ ચર્ચા-વિચારણા કરી ટૂંક સમયમાં નિર્ણય લેશે અને આપણા સનાતન હિન્દુ ધર્મના હિતમાં નિર્ણય લેશે.’ આ મીટિંગમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હાજર રહ્યા હતા. એ સિવાય RSSના રામ માધવ પણ મંદિરે પહોંચ્યા હતા. તો ગઢડા મંદિરના એસ.પી. સ્વામી, વડતાલ મંદિરના સંતો પણ મીટિંગમાં જોડાયા હતા. આશરે મીટિંગમાં લગભગ 3 કલાક ચર્ચા ચાલી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp