ગુજરાત કોંગ્રેસ પ્રમુખની ખુરશી જોખમમાં, આ સમાજના નેતાને ચાન્સ મળશે

PC: facebook.com/jagdishthakormp

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મળેલી શરમજનક હાર વચ્ચે એક તરફ કોંગ્રેસ કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે તો બીજી તરફ પ્રદેશ સંગઠનમાં ફેરફારને લઈને અટકળો ચાલી રહી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ ટૂંક સમયમાં પ્રદેશ પ્રમુખ પદમાં ફેરફારની જાહેરાત કરશે. જગદીશ ઠાકોરના નેતૃત્વમાં કોંગ્રેસને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો.

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસની શરમજનક હાર પછી કોંગ્રેસ હાઇકમાન્ડ ટુંક સમયમાં નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરી શકે છે. વિધાનસભામાં વિપક્ષ નેતા અને ઉપનેતાના નામની જાહેરાત પછી પાર્ટી હવે મોટા પાસે સર્જરી કરવાના મૂડમાં છે. જાન્યુઆરીના અંત સુધીમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થઇ શકે છે.

કોંગ્રેસના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પાર્ટીએ વિધાનસભામાં વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડાની પસંદગી કરી છે, જે ક્ષત્રિય સમાજમાંથી આવે છે, પરંતુ OBC છે. જ્યારે ઉપનેતા તરીકે પસંદ કરાયેલા શૈલેષ પરમાર અનુસુચિત જાતિમાંથી આવે છે. આ રીતે જો જાતિ સમીકરણોને ધ્યાનમાં રાખવામાં આવે તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે કોઇ પાટીદાર નેતાને જવાબદારી સોંપી શકે છે.

સૂત્રોના કહેવા મુજબ પ્રદેશ અધ્યક્ષ તરીકે અત્યારે જે નામોની ચર્ચા ચાલી રહી છે તેમાં ડો. જીતુ પટેલ, અજૂન મોઢવડીયા, દીપક બાબરિયા અને પરેશ ધાનાણીના નામ સામેલ છે. ડો. જીતુ પટેલ અત્યારે ગુજરાત કોંગ્રેસમાં ઉપાધ્યક્ષ છે. અજૂન મોઢવડિયા સિનિયર નેતા છે અને તેઓ અગાઉ પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળી ચૂક્યા છે.

કોંગ્રેસે ડિસેમ્બર 2021માં જગદીશ ઠાકોરને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી હતી. પરંતુ જગદીશ ઠાકોરની આગેવાનીમાં કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણીમાં 182માંથી માત્ર 17 બેઠકો જ મળી હતી.

OBC કેટેગરીમાંથી આવતા ઠાકોરને ખૂબ જ અપેક્ષા સાથે આ પદ આપવામાં આવ્યું હતું, પરંતુ ત્રિકોણીય લડાઈમાં ઠાકોર વધુ સારી વ્યૂહરચના બનાવી શક્યા ન હતા. જગદીશ ઠાકોર પ્રદેશ પ્રમુખ છે જ્યારે અન્ય સાત નેતાઓ કાર્યકારી પ્રમુખ છે. જેમાં અંબરીશ ડેર, હિંમતસિંહ પટેલ, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, જીજ્ઞેશ મેવાણી, કદીર પીરઝાદા, ઋત્વિક મકવાણા અને લલિત કગથરાના નામનો સમાવેશ થાય છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 182માંથી માત્ર 17 બેઠકો મળી હતી. કોંગ્રેસનું અત્યાર સુધીનું આ સૌથી નબળું પ્રદર્શન છે. અગાઉ 1990ની ચૂંટણીમાં કોંગ્રેસને 30 બેઠકો મળી હતી. તો 1995ની ચૂંટણીમાં 45 બેઠકો હતી. આ સિવાય રાજ્યમાં કોંગ્રેસની બેઠકોની સંખ્યા ક્યારેય 50થી નીચે નથી ગઈ. ગુજરાતમાં કોંગ્રેસે સત્તાવાર વિપક્ષના નેતાનું પદ ગુમાવ્યું હોય તેવી આ પ્રથમ ઘટના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp