ગુજરાત હાઈકોર્ટે કહી દીધું- અધિકારીઓમાં ટ્રાફિક નિયમોનો અમલ કરવાની હિંમત જ નથી

PC: timesofindia.indiatimes.com

અમદાવાદમાં ગયા અઠવાડિયે થયેલા કાર અકસ્માતનો ઉલ્લેખ કરતાં ગુજરાત હાઈકોર્ટે અધિકારીઓની આકરી ઝાટકણી કરી હતી. આ કાર અકસ્માતમાં નવ લોકોના મોત થયા હતા. હાઈકોર્ટે કહ્યું કે, શહેરના અધિકારીઓમાં ટ્રાફિક નિયમોનો અમલ કરવાની હિંમત જ નથી. જસ્ટિસ A.S. સુપેહિયા અને જસ્ટિસ M.R. મેંગડેની ખંડપીઠે કહ્યું કે, જો પોલીસે નિયમિત તપાસ કરી હોત તો આ અકસ્માત ન થયો હોત. ગુજરાત સરકાર અને અમદાવાદ શહેરના અધિકારીઓ સામે મુસ્તાક હુસૈન કાદરીએ દાખલ કરેલી કોર્ટની અવમાનનાની અરજીની ખંડપીઠ સુનાવણી કરી રહી હતી. ગુજરાત સરકાર અને અમદાવાદ શહેરના અધિકારીઓ પર શહેરમાં ટ્રાફિક નિયમોને લઈને કાદરીની PIL પર બહાર પડાયેલા હાઈકોર્ટના નિર્દેશોનું પાલન ન કરવાનો આરોપ છે.

ગત 20 જુલાઈના રોજ S.G. હાઇવે ફ્લાયઓવર પર એક ઝડપી જગુઆર કાર લોકોના ટોળા સાથે અથડાઈ હતી, જેમાં નવ લોકોના મોત થયા હતા અને 13 જણા ઘાયલ થયા હતા. જસ્ટિસ સુપેહિયાએ કહ્યું, 'શું તમે મૂળ મુદ્દો જાણો છો? આ બધું કેમ થઈ રહ્યું છે, તેનું સાચું કારણ એ છે કે, આ ગુનેગારોને કાયદાનો કોઈ ડર નથી. તે ગુનેગારો ખુલ્લેઆમ, કાનૂની સજાને ધ્યાનમાં લીધા વિના કાયદાનું ઉલ્લંઘન કરે છે.'

હાઈકોર્ટના ન્યાયાધીશે કહ્યું, 'તમારી પાસે ટ્રાફિકના કાયદાનો અમલ કરવાનો કોઈ ઠોસ મુદ્દો નથી, ન તો તમારામાં તેનો અમલ કરવાની ઈચ્છા..., તમે CCTV કેમેરાની બડાઈ મારી રહ્યા હતા. આ ઘટનામાં CCTV કેમેરા કામ ન કરતા હોવાની હકીકત સામે આવી હતી. કોન્સ્ટેબલો પણ ટ્રાફિકના નિયમોના ભંગ સામે મૂક પ્રેક્ષક બની રહેતા હોય છે.

જ્યારે સરકારી વકીલે ધ્યાન દોર્યું કે, ટ્રાફિક પોલીસે વાહનો અને ચાલકોના લાઇસન્સ તપાસવાનું શરૂ કર્યું છે, ત્યારે ન્યાયાધીશે પૂછ્યું કે, શું તેઓ કોઈ અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યા હતા. જસ્ટિસ સુપેહિયાએ કહ્યું, 'તમે અકસ્માત થવાની રાહ જુઓ છો, તમે જાનહાનિ થવાની ઘટના બને તેની રાહ જુઓ છો? જો તમે ટ્રાફિકના ઉલ્લંઘન માટે નિયમિતપણે તપાસ કરી હોત તો આ બન્યું ન હોત. આ (તપાસ) માત્ર થોડા દિવસો માટે જ ચાલશે..., તમે અત્યારે જે ઝુંબેશ ચલાવી રહ્યા છો, તે નિયમિત રીતે ચાલવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp