દીકરીનો ફોન આવ્યો-'પપ્પા આણુ લેવા આવજો' પણ આવે એ પહેલા લગ્નના 2 દિવસ બાદ જ આપઘાત

PC: twitter.com

ગુજરાતમાં એક એવી ઘટના સામે આવી છે જે કોઇ પણ પિતા માટે આઘાત જનક છે. બે દિવસ પહેલાં દીકરીને ધામધૂમથી દુલ્હનના જોડામાં દીકરીને સાસરે વળાવી હતી અને બે દિવસ પછી રેશમના દુપટ્ટામાં દીકરી લટકતી જોવા મળી. સૌથી મોટી દીકરીના ધામધૂમથી લગ્ન કરાવવામાં આવ્યા હતા.

ગોધરાના મોરડુંગરા ગામમાં રહેતા એક પિતાએ પોતાની સૌથી મોટી પુત્રીના હજુ બે દિવસ પહેલાં જ ધામધૂમથી લગ્ન કરાવીને સાસરે વળાવી હતી. ઘરમાં દીકરીના લગ્નનો પહેલો પ્રસંગ હતો એટલે બધા ખુશીથી લગ્નમાં નાચ્યા પણ હતા, પરંતુ જ્યારે બે દિવસ પછી આણું વાળવા માટે દીકરીને સાસરેથી લાવવા માટેની તૈયારી ચાલતી હતી તે પહેલાં જ સાસરીયાનો મેસેજ આવ્યો કે તમારી દીકરીએ ફાંસો ખાઇ લીધો છે. જે પિતા પોતાની દીકરીને વળાવીને ખુશીની પળો માણી રહ્યા હતા તેમને આ સમાચાર મળતાની સાથે જાણે પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. જે દીકરીને દુલ્હનના જોડામાં મોકલી હતી તે દીકરી રેશમના દુપટ્ટામાં લટકતી જોવા મળી હતી.

ગોધરાના મોરડુંગરામાં રહેતા અરવિંદભાઇ જાલૈયાની મોટી પુત્રી ઉર્વશીના 13 માર્ચે મોરવા હડફ તાલુકાના સંતરોડ ગામમાં લગ્ન થયા હતા. 15 માર્ચે ઉર્વશીને આણું વળાવવા માટે સાસરે લેવા જવાની તૈયારી ચાલતી હતી. ઉર્વશી M.A.ની પરીક્ષા આપી રહી હતી. લગ્નના દિવસે દીકરી અને જમાઇ પિતાને મળવા આવ્યા હતા અને ખુશ હતા. એ જ દિવસે રાત્રે ઉર્વશીએ તેના પિતા અરવિંદભાઇને ફોન કરીને કહ્યું કે, પપ્પા, મારી પરીક્ષાનું પેપર બપોરે પુરુ થાય પછી આણું વળાવવા માટે આવજો.

પરંતુ બીજે દિવસે સવારે ઉર્વશીના સાસરીયાના ફોન આવ્યો કે તમારી દીકરીએ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે.  અરવિંદભાઇના પરિવારના માથે તો જાણે આભ તુટી પડ્યું હતું, હજુ તો બે દિવસ પહેલાં જ દીકરીને વળાવી અને આવા દુખના સમાચાર મળ્યા. પિતા માટે આ વસમો ઘા હતો, કારણકે આગલા દિવસે તો દીકરીએ ફોન પર વાત કરી હતી ત્યારે કેવો કોઇ અંદેશો પણ નહોતો આવ્યો. અરવિંદ ભાઇને 3 પુત્રીઓ છે અને તેમાં સૌથી મોટી પુત્રી ઉર્વશી છે.

ઉર્વશીના આપઘાતનું કારણ હજુ જાણવા મળ્યું નથી, પરંતુ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp