કાજલ હિંદુસ્તાની સામે કાર્યવાહીની માગ, ઉનામાં હિંદુ સંમેલનમાં ભડકાઉ ભાષણનો આરોપ

PC: twitter.com/Kajal_Jaihind2

ગુજરાતના વડોદરામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન પત્થરબાજીના પ્રકરણ પછી હવે ગીર સોમનાથના ઉનામાં પણ સ્શિતિ તનાવપૂર્ણ બની છે. એવો આરોપ છે કે રામનવમીના એક કાર્યક્રમમાં એક ખાસ સમાજને ટાર્ગેટ કરીને નફરત ફેલાવવા માટે તેજાબી ભાષણ કરવામાં આવ્યું હતું. એ પછી સાંપ્રદાયિક તનાવ ફેલાયો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે અને SRPની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. પોલીસની ટીમો સતત સોશિયલ મીડિયા પર પણ નજર રાખી રહી છે. એક ખાસ સમાજના લોકોની માંગ છે કે વિશ્વ હિંદુ પરિષદના સંમેલનમાં હાજર રહેલા કાજલ હિંદુસ્તાની સામે કાર્યવાહી કરવામાં આવે. કાજલ પર આરોપ છે કે તેણીએ એક સમાજ પર નિશાન સાધીને ભડકાઉ ભાષણ આપ્યું હતું જેને કારણે ઉનામાં સ્થિતિ બગડી છે.

પોલીસે હજુ સુધી કાજલ હિંદુસ્તાની સામે FIR નોંધી નથી, અત્યારે તો પોલીસ લોકોને સમજાવવાની કોશિશ કરી રહી છે, પરંતુ ખાસ સમાજના લોકો એ વાત પર અડી ગયા છે કે પહેલાં કાજલ સામે કાર્યવાહી કરવામાં આવે. ગીર સોમનાથ જિલ્લાના પોલીસ સુપ્રિન્ટેડન્ટ શ્રીપાલ શેષમાએ કહ્યું કે, જો પીડિત સમાજના લોકો ફરિયાદ નોંધાવશે તો કાજલ હિંદુસ્તાની સામે FIR કરવાં આવશે.શ્રીપાલ શેષમાએ કહ્યુ કે, પોલીસ તરફથી શાંતિ સ્થાપિત કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. બંને સમાજના સ્થાનિક પ્રતિનિધિઓ સાથે શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી છે અને સ્થિતિને સામાન્ય કરવાની અપીલ કરવામાં આવી છે.

ગીર સોમનાથના ઉનામાં 30 માર્ચે રામનવમી નિમિત્તે વિશ્વ હિંદુ પરિષદ દ્રારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જામનગરના કાજલ હિંદુસ્તાનીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમમાં કાજલે એક ખાસ સમાજ સામે નિશાન સાધીને ભાષણ આપ્યું હતું જેને કારણે કોમી તનાવ ઉભો થયો હતો તેવો આરોપ છે.

કાજલની સામે FIRની માંગને પગલે રાજકારણ પણ ગરમાયું છે. ભાજપના ધારાસભ્ય કાલુ રાઠોડે કહ્યુ કે બંને પક્ષના પ્રતિનિધિઓ એકબીજાને સાંભળ્યા છે, હાથ મેળવ્યા છે અને એવું આશ્વાસન આપ્યું છે કે આ વિસ્તારમાં કોઇ પણ અપ્રિય ઘટના બનશે નહીં. બંને સમાજના લોકોએ દુકાનો ખોલવા અને બિઝનેસ ચાલુ કરી દેવાની અપીલ કરી છે.

કાજલ હિંદુસ્તાની મુળ રાજસ્થાનના શિરોહીના છે અને તેમના લગ્ન જામનગરમાં થયેલાં છે. કાજલ 2016માં તેમના એક તેજાબી અભિપ્રાયને કારણે સોશિયલ મીડિયા પર જાણીતા થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp