માતાજીના કહેવાતા ભુવાએ જ પ્રેમિકાની હત્યા કરી હતી,1 વર્ષ પછી ભેદ ઉકેલાયો

PC: trishulnews.com

કોઇ ફિલ્મને પણ ટક્કર મારે તેવી રિયલ લાઇફની હત્યાની એક સ્ટોરી સામે આવી છે જેને કારણે સનસનાટી મચી ગઇ છે. પોતાને માતાજી આવતા હોવાનું કહીને કાર્યક્રમોમાં ધૂણતા રહેતા સુરજ સોલંકી ર્ઉર્ફે સુરજ ભુવાજીએ જ પોતાની પ્રેમિકાનું કાસળ કાઢી નાંખ્યું હતું અને પોલીસને ગુમરાહ કરી હતી. એક વર્ષ પછી પ્રેમિકાની હત્યાનો ભેદ ઉકેલાયો છે અને પોલીસે સુરજ ભુવાજી સહિત 8ની ધરપકડ કરીને જેલ ભેગા કરી દીધા છે.

સમગ્ર ઘટનાને પગલે DCP બી.યુ જાડેજાએ જણાવતા કહ્યું કે, અત્યારે રાજ્યભરમાં ગુમ થયેલ મહિલાઓને શોધી કાઢવાની ડ્રાઈવ ચાલી રહી છે. આ અભિયાનના ભાગરૂપે અમદાવાદમાં રહેતી જૂનાગઢની ધારા કડીવાર નામની યુવતીનીપાલડી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. ધારા કડીવાર છેલ્લા એક વર્ષથી ગાયબ હતી. આ કેસની તપાસમાં સુરજ ભુવાજી, 1 મહિલા સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

જાણવા મળેલી વિગત મુજબ મૃતક ધારા કડીવાર સુરજ ભુવાજીના પ્રેમમાં હતી અને પ્રેમી સુરજને જ પોતાની દુનિયા માનતી હતી. પરંતુ એજ પ્રેમી હત્યાની યોજના બનાવી રહ્યો છે તે વાતની ધારાને ખબર નહોતી.

ઘટનાની વિગત એવી છે કે 20 જૂન 2022ના દિવસે ધારા આરોપી મીત શાહ અને સુરજ સોલંકી સાથે જુનાગઢથી નિકળી હતી. એ પછી ગાયબ થઇ ગઇ હતી. ધારાની હત્યાનો પહેલેથી જ પ્લાન થઇ ચૂક્યો હતો એટલે તેણીને અમદાવાદ લાવવાને બદલે ચોટીલા પાસેના વાટાવછ લઇ જવામાં આવી હતી.

વાટાવછમાં ધારાને સુરજ ભુવાજીના ભાઇ યુવરાજ સોલંકી, મુકેશ સોંલકી અને ગુંજન જોશીએ ધમકાવી હતી અને સુરજ સામેની ફરિયાદ પાછી ખેંચી લેવા માટે દબાણ કર્યું હતું, આ દરમિયાન મીત શાહે ધરાનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. ધારાના કપડાં અને મોબાઇલ લઇને તેની લાશ યુવરાજ સોંલકીની વાડીમાં સળગાવી દેવામાં આવી હતી. પેટ્રોલ અને ઘાસચારોની પહેલેથી વ્યવસ્થા કરી દેવામાં આવી હતી.

બધા પુરાવાઓનો નાશ કરીને હત્યારાઓ એમ માનતા હતા કે આપણી ધરપકડ નહીં થાય. એના માટે પોલીસને પણ ગેરમાર્ગે દોરવામાં આવી હતી. આરોપીઓએ ધારાના મોબાઇલ પરથી મેસેજ કર્યો હતો કે હું મારી ઇચ્છાથી સુરજને છોડીને દુર જઇ રહી છું, પોલીસની માથાકૂટમાં પડતા નહી. પાછું આરોપી મીત શાહ, સુરજ સોલંકી અને સંજય સોહેલિયાએ ધારાના ગુમ થયાની પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પરંતુ પોલીસે ઉંડાણ પૂર્વક તપાસ કરતા ખબર પડી હતી કે ધારાની હત્યાનું કાવતરુ રચવામાં આવ્યું હતું અને સુરજ સોલંકીનો જ હાથ છે એટલે 8 લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. હત્યાની સાજિશમા સાથ આપવા માટે મીત શાહની માતાની ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp