સુરતના મિનિ હીરાબજારમાં હીરા વેરાયાની વાત વાયુવેગે ફેલાઇ, વિણવા માટે પડાપડી થઇ

PC: twitter.com

જ્યાં રસ્તા પર ઉભા રહીને લોકો કરોડો રૂપિયાના હીરાનો ધંધો કરે છે તેવા વરાછામા આવેલા મીની હિરાબજારમાં કોઇકનું હીરાનું પડીકુ પડી ગયું અને રસ્તા પર હીરાવેરણ થઇ ગયા છે એ વાત વાયુવેગે ફેલાઇ જતા હીરા વિણવા માટે લોકોએ પડાપડી કરી હતી કે, એકાદ હીરો મળી જાય તો જિંદગી બની જાય. જો કે મીની હીરાબજારમાં રસ્તા પર વેરાયેલા હીરા અસલી છે કે નકલી એ બાબતે ચોક્કસ સમર્થન મળી શક્યું નથી.

રસ્તામાં કોઇ વસ્તુ વેરાઇ જાય અને એ મફતમાં મળતી હોય તો તે લૂંટી લેવાની ઘણા લોકોની માનસિકતા હોય છે. હમણાં જ્યારે ટામેટાના ભાવો આસમાન પર હતા ત્યારે એક ટ્રક ઉંધી વળી જતા લોકો ટોપલીઓ લઇને ટામેટા વીણવા દોડી ગયા હતા. દારુ ભરેલું વાહન ઉથલી પડ્યું હોય તો દારૂ ની બોટલો પણ લોકો લૂંટીને ભાગી જતા હોય છે.

આવી જ એક વાત સામે આવી છે કે વરાછામાં આવેલા મીની હીરાબજારમાં જ્યાં રોજ પડેને હજારોની સંખ્યામાં હીરાના વેપારીઓ રસ્તા પર ઉભા રહીને ધંધો કરતા હોય છે અને કરોડો રૂપિયાનો વેપાર રસ્તા પર થાય છે.

આવા મીની હીરાબજારમાં રસ્તામાં ડાયમંડ વેરાયા હોવાની વાત વાયુવેગે ફેલાઇ જતા લોકો કામ ધંધો છોડીને ડાયમંડ વિણવા માટે દોડી આવ્યા હતા.જો કે આ બાબતે જ્યારે અમે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ રમેશભાઇ ઝીલેરિયાને પુછ્યું તો તેમણે કહ્યું કે, અમારી પાસે વાત આવી છે કે મીની હીરાબજારમાં રસ્તા પર હીરા વેરાયા છે અને ખોડીયાર નગર સુધી લોકો હીરા શોધી રહ્યા છે. ઝીલેરિયાએ ક્હયું કે, અમને એવી માહિતી મળી છે કે રસ્તા પર વેરાયેલા અમેરિકન ડાયમંડ હતા.

જાણવા મળેલી માહિતી મુજબ વરાછાના મીની હીરાબજારથી માંડીને ખોડિયાર નગર સુધી હીરા શોધવા માટે લોકો મહેનત કરી રહ્યા છે અને કેટલાંક તો બ્રસ લઇને આવ્યા હતા, કારણકે હીરાની સાઇઝ એકદમ સૂક્ષ્મ હોવાને કારણે જલ્દી મળે નહીં. હીરા શોધવામાં કેટલીક મહિલાઓ પણ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.

વરાછામાં હીરા વેરાયાની વાતે આખા હીરાઉદ્યોગમાં ખળભળાટ મચાવી નાંખ્યો છે અને સૌથી મોટો ચર્ચાનો વિષય બન્યો છે.

રસ્તા પર પડેલા હીરા વિણવા પાછળનું સૌથી મોટું કારણ એ હતું કે ડાયમંડનું વેલ્યુએશન ઘણું ઉંચુ રહેતું હોય છે. એક હીરાની કિંમત ઘણી વખત લાખો રૂપિયામાં થતી હોય છે.કદાચ લોકો એવું માનીને હીરા વિણવા ગયા હતા કે 15-20 હીરા મળી જાય તો રાતોરાત કરોડપતિ પણ બની શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp