સુરતના હીરાઉદ્યોગમાં મંદીના ભણકારા, વેકેશન લંબાયુ, 5 જૂન પછી કારખાના ખુલશે

સુરતના હીરાઉદ્યોગની ચમક ઝાંખી પડે તેવા સમાચાર સામે આવ્યા છે.દુનિયાભરના અર્થંતંત્ર ડામાડોળ થઇ ગયા છે અને દુનિયામાં મંદીનો અજગરભરડો આવી શકે એવી આશંકાએ સુરતની હીરાઉદ્યોગ પર માઠી અસર પડી શકે છે. ડાયમંડ ઉદ્યોગનો મોટોભાગનો બિઝનેસ અમેરિકા સાથે છે અને અમેરિકાની આર્થિક સ્થિતિ અત્યારે એકદમ નાજૂક છે. અમેરિકા પર 31.5 ટ્રિલિયન ડોલરના જંગી દેવાને કારણે આ દેશમાં મંદીના વમળમાં ફસાઇ શકે છે એવા ગંભીર અહેવાલો સામે આવી રહ્યા છે. સુરતમાં સામાન્ય રીતે દર મે મહિનામાં દશેક દિવસનું ઉનાળું વેકેશન રાખવામાં આવે છે, પરંતુ આ વખતે વેકેશન ઘણું લાંબુ ચાલ્યું છે અને નાના કારખાનાઓમાં કામ કરતા કેટલાંક રત્નકલાકારોને તો રજા આપી દેવામાં આવી છે. હીરાઉદ્યોગ સાથે સંકળાયેલો સૂત્રોનું કહેવું છે કે 5 જૂન પછી કારખાનાઓ ખુલવાની સંભાવના છે, પરંતુ બધા ખુલશે કે કેમ તે એક મોટો સવાલ છે. આ સ્થિતમાં સૌથી વધારે કફોડી હાલત રત્નકલાકારોની થઇ રહી છે.
જાણવા મળેલી વિગત મુજબ અમેરિકા અને યુરોપની મંદીની અસર તો આમ હીરાઉદ્યોગ પર છેલ્લાં કેટલાંક સમયથી ચાલી જ રહી છે, પરંતુ હવે દુબઇ જેવા દેશો પણ રશિયાની માઇન્સના રફ હીરામાંથી જો ડાયમંડ પોલીશ્ડ કર્યા હોય તો સ્વીકારતા નથી. રશિયા-યુક્રેન યુદ્ધ પછી અમેરિકાએ રશિયાના ડાયમંડ ખરીદવા પર પ્રતિબંધ મુક્યો હતો.
વર્લ્ડ ઓફ સ્ટેટેસ્ટીક્સ સંસ્થાનો તાજેતરનો એક રિપોર્ટ ચોંકાવનારો છે. આ રિપોર્ટમાં એક યાદી જાહેર કરવામાં આવી છે અને એવું કહેવામાં આવ્યું છે કે આટલા દેશોમાં મંદી આવવાની શક્યતા છે. આ યાદીમાં ભારતની સ્થિતિ સારી હોવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ ડાયમંડ ઉદ્યોગનો બધો દારોમદાર દુનિયા સાથે સંકળાયેલો છે. સુરતની વાત કરીએ તો ડાયમંડ કટીંગ પોલીશીંગમાં સુરત દુનિયામાં નંબર વન પર છે, પરંતુ પોલીશ્ડ કરાયેલા હીરા અમેરિકા,ચીન, જાપાન સહિતના અનેક દેશોમાં નિકાસ કરવામાં આવે છે. તેમાં પણ અમેરિકાનો હિસ્સો સૌથી મોટો છે.
આ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે અમેરિકાએ પોતાના GDP કરતા પણ વધારે દેવું કરી નાંખ્યું છે અને 31 મે સુધીમાં જો કોઇ સુધારો ન આવે તો 1જૂને અમેરિકા નાદાર દેશ જાહેર થઇ શકે છે. યુરોપ તો ઘણા સમયથી મંદીમાં ફસાયેલું જ છે. યુકેમાં મંદી આવવાની શક્યતા 75 ટકા, બીજા નંબર ન્યુઝીલેન્ડ છે જ્યાં મંદી આવવાની શક્યતા 70 ટકા અને અમેરિકામાં 65 ટકા શક્યતા બતાવવામાં આવી છે. તેની સામે ભારતમાં મંદી આવવાની શક્યતા ઝીરો ટકા હોવાનું કહેવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp