પોલીસ સ્ટેશન નજીક નકલી CBI ઓફિસર કરતો તોડ, દાગીના...

અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે એક નકલી CBI ઓફિસરની રખયાલથી ધરપકડ કરી છે. મુળ મધ્ય પ્રદેશના આ આરોપીએ નકલી CBI ઓફિસર બનીને માત્ર ગુજરાત નહી પરંતુ અન્ય 7 રાજ્યોમાં પણ લોકોને પોતાના શિકાર બનાવ્યા છે. તેની સામે 30 જેટલા ગુના નોંધાયા છે. પોલીસે કહ્યું કે આ નકલી CBIએ એક નિવૃત CBI અધિકારીના નામથી આઇ કાર્ડ પણ બનાવ્યુ હતું અને તેની આખી ગેંગ છેતરપિંડી કરતી હતી. દેશમાં આવા અનેક નકલી ઓફિસરો છેતરપિંડી કરતા પકડાઇ રહ્યા છે.
અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે મધ્ય પ્રદેશના સુલતાન ખાનની અમદાવાદના રખયાલ વિસ્તારમાંથી ધરપકડ કરી છે.તેની પાસેથી નિવૃત CBI અધિકારી રાજેશ મિશ્રાના નામથી આઇ-કાર્ડ પણ મળી આવ્યો છે. સુલતાનની ધરપકડ બાદ અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. નકલી સીબીઆઈ અધિકારી સુલતાનખાન ઉર્ફ રાજેશ મિશ્રા મધ્યપ્રદેશના બડવાની જીલ્લાના સેંધવા તાલુકામાં રાની કોલોનીમાં રેહેતો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે કહ્યું હતું કે, સુલતાન ખાનની પુછપરછમાં જાણવા મળ્યું છે કે, સુલતાન ખાન અને તેની ઇરાની ગેંગ પોલીસ સ્ટેશનથી માંડ 500થી 1000 મીટરના અંતરે ચેકીંગ કરવાના બહાને ઉભી રહેતી અને વાહન ચેકીંગના નામે ધનિક લોકો, મહિલાઓ અને વૃદ્ધોને ટાર્ગેટ કરતી હતી. સુલતાન ખાન કારમાં જ બેસી રહેતા અને તેના માણસો DCP તરીકે ઓળખ આપીને લોકો પાસેથી પૈસા પડાવી લેતા હતા.
સુલતાન ખાન અને તેની ગેંગે માત્ર ગુજરાતમાં જ નહી, પરંતુ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, મધ્ય પ્રદેશ, ઓડિશામાં પણ ગુનાઓ કર્યા છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ સુલતાન ખાને પંજાબમાં 9, હરિયાણામાં 8, ઉત્તર પ્રદેશમાં 3, ઓડિશામાં 2, મધ્ય પ્રદેશમાં 4, રાજસ્થાનમાં 2 અને દિલ્હીમાં 2 ગુનાઓ કર્યા છે.
પોલીસે કહ્યું કે સુલતાન ખાનની આ ગેંગ દાગીના પહેરીને જઇ રહેલી મહિલાઓને રોકતી અને તેમને એવું કહેવામાં આવતુ કે આગળ ચોરી કરતી ગેંગ છે એટલે તમારા દાગીનાઓ ઉતારી નાંખો. મહિલાઓ દાગીના ઉતારી નાંખતી અને તેનું જોઇને અન્ય લોકો પણ દાગીના ઉતારતા, તે વખતે આ ગેંગ નજર ચૂકવીને દાગીના તફડાવી લેતી હતી.
પોલીસ હવે સુલતાન ખાન પાસેથી એ માહીતી જાણવાની કોશિશ કરી રહી છે કે તેની સાથે કોણ કોણ સામેલ છે અને તેણે અન્ય ક્યાં કયા રાજ્યોમાં ગુના કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp