નકલી PMO અધિકારી કિરણને IAS અને RSS નેતાએ મદદ કરેલી, બૂલેટ પ્રુફ કાર અને...

PC: facebook.com/bansijpatel/photos

જમ્મૂ-કાશ્મીરમાં નકલી PMO અધિકારી બનીને બુલેટ પ્રુફ કાર અને Z+ સિક્યોરીટીનો લાભ મેળવનાર ગુજરાતના કિરણ પટેલની 2 માર્ચે જમ્મૂ-કાશ્મીર પોલીસે ધરપકડ કરી હતી અને 6 એપ્રિલે હવે ગુજરાત પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. કિરણ પટેલ ઉર્ફે બંસીને બુલેટ પ્રુફ કાર અને સિક્યોરીટીની વ્યવસ્થા કરવામાં એક IAS અધિકારી અને એક RSSના નેતાએ ભૂમિકા ભજવી હતી એવી ચોંકાવનારી વાત સામે આવી છે.

જમ્મૂ-કાશ્મીરમાં પકડાયેલા કિરણ પટેલની ગુજરાત ક્રાઇમ બ્રાન્ચે કસ્ટડી માંગી હતી જેને જમ્મૂ-કાશ્મીર મેજિસ્ટ્રેટ કોર્ટે મંજૂર કરી દીધી છે અને પુરતી સિક્યોરીટી સાથે કિરણને લઇને ગુજરાત પોલીસ અમદાવાદ આવી ગઇ છે.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ કિરણ પટેલની ધરપકડ પછી ચોંકાવનારી વાતો સામે આવી છે. માર્ચ 2023 સુધીમાં  કિરણ પટેલ 4 વખત જમ્મૂ-કાશ્મીરની યાત્રા કરી ચૂક્યો છે. આ દરમિયાન તે IAS અધિકારીઓને મળ્યો અને RSSના નેતાઓ સાથે પણ સંપર્કમાં હતો.

કિરણ પટેલને જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષા માટે બુલેટ પ્રુફ કાર, 2 એસ્કોર્ટ વાહન,સશસ્ત્ર સેનાના જવાનો અને ડઝનેક ગાર્ડની સેવા મળતી હતી. કિરણ પટેલને આ વ્યવસ્થા કરવામાં બે લોકોએ મુખ્ય મદદ કરી હતી. જેમાં RSSના પદાધિકારી ત્રિલોક સિંહ ચૌહાણ અને 2015 બેચના IAS અધિકારી બશીર ઉલ હક ચૌધરી હતા. બશીર અત્યારે પુલવામામાં ડેપ્યુટી કમિશ્નર તરીકે સેવા આપી રહ્યા છે.

કિરણ પટેલે ઓક્ટોબર 2022થી માર્ચ 2023 સુધીમાં 4 વખત યાત્રા કરી છે. આ બધી યાત્રામાં તે 3થી 5 દિવસ માટે રોકાયો હતો.

કિરણ પટેલ 25થી 27 ઓક્ટોબર 2022ની વચ્ચે પોતાની પત્ની અને દીકરી સાથે શ્રીનગર ગયો હતો. જ્યાં પુલવામાના ડેપ્યુટી કમિશ્નર બશીર ચૌધરીએ તેના માટે સુરક્ષાની વ્યવસ્થા કરી હતી. કિરણની સુરક્ષા માટે બશીર ચૌધરીએ જમ્મૂ-કાશ્મીરના SSP  ઝુલ્ફીકાર શેખ સાથે વાત કરી હતી. જે મુજબ કિરણ પટેલને એક બુલેટ પ્રુફ કાર, સહિતની સુવિધા પુરી પાડવામાં આવી. આ દરમિયાન કિરણ પટેલ ભાજપના મીડિયા ઇન્ચાર્જ મંજૂર ભટ્ટ સહિત અનેક BJP નેતાઓને પણ મળ્યો. કેટલાંક પત્રકારો સાથે પણ કિરણે મુલાકાત કરી હતી. અહીં કિરણે કેટલાંક લોકોને ‘I am Modified’ વાળી જેકેટ પણ પહેરાવી હતી.

એ પછી 5થી 8 ફેબ્રુઆરી 2023ની વચ્ચે કિરણ પટેલ બીજી વખત જમ્મૂ-કાશ્મીર ગયો હતો ત્યારે તેની સાથે ગુજરાતના બિઝનેસમેન અમિત પંડ્યા સાથે હતા. અમિત પંડ્યા ગુજરાત CMOમાં PRO રહી ચુકેલા હિતેશ પંડ્યાનો પુત્ર છે. આ વખતે પણ IAS બશીરના કહેવાથી કિરણને સુરક્ષા મળી હતી. કિરણ પટેલ આ દરમિયાન કુલગામના ગુલમર્ગ અને અહેરબલ ઝરણાંની મુલાકાતે ગયો હતો અને તે રાજ્યના પર્યટન વિભાગના ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો. ઉરી જઇને કિરણ પટેલે અમન સેતુ પર ફોટો ક્લિક કર્યા અને આ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધા હતા.

એ પછી 24થી 28 ફેબ્રુઆરી દરમિયાન કિરણ પટેલ ત્રીજી વખત ગયો હતો અને આ વખતે તે પુલવામાં અને બડગામના દુધપથરી ગયો હતો. મિંગ શેરપા સહિત અનેક IAS અધિકારીઓને કિરણ મળ્યો હતો. આ મુલાકાત દરમિયાન કિરણે સેન્ટોર નામની હોટલના રિડેવલપમેન્ટ માટે પણ ચર્ચા કરી હતી. આ વખતે કિરણની સાથે હાર્દિક ચંદના નામના ગુજરાતના ડોકટર પણ હતા. હાર્દિક ચંદના પુલવામામાં ડોકટરોની એક કોન્ફરન્સ કરાવવા માટે ઉત્સુક હતા. કિરણ ગુજરાતના એક સ્ટીલ ટ્રેડરને પણ મળ્યો હતો અને અમદાવાદમાં કોલ્ડ સ્ટોરેજ સુવિધા ઉભી કરવાની તેમની સાથે વાત પણ કરી હતી.

ત્રણ વખત જમ્મૂ-કાશ્મીરની મુલાકાત પછી કિરણ પટેલનો આત્મવિશ્વાસ વધી ગયો હતો એટલે તે 2 માર્ચે 2023ના દિવસે ચોથી વાર ફરી જમ્મૂ-કાશ્મીર ગયો હતો, પરંતુ તેને અંદાજ નહોતો કે તેની પોલ ખુલી ચુકી છે. પોલીસે તેની ધરપકડની જાળ બિછાવી દીધી હતી.

કિરણ ચોથી વખત જ્યારે જમ્મૂ-કાશ્મીરમાં ડલ લેકમાં આવેલી લલિત ગ્રાન્ડ હોટલ પહોંચ્યો તેવો પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. કિરણને જ્યારે અંદાજો આવ્યો કે પોલીસ તેને પકડી શકે છે તો તેણે વોશરૂમમાં કેટલાંક પુરાવા ફલશ કરી દેવાની કોશિશ કરી હતી, પંરતુ પોલીસના માણસોએ ફલશમાંથી બધા પુરાવા કાઢી લીધા હતા. કિરણે પોલીસને નકલી PMO અધિકારી તરીકેનો કાર્ડ બતાવ્યો હતો, પરંતુ પોલીસને એ પહેલા બધી વાતની ખબર પડી ગઇ હતી કે કિરણ પટેલ મહાઠગ છે. કિરણની ધરપકડ કરીને તેને જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં મોકલી દેવાયો હતો.

કિરણ પટેલ RSSના ત્રિલોક સિંહ ચૌહાણના સંપર્કમાં 2016થી હતો. ગયા વર્ષે ઓકટોબર મહિનામાં કિરણે ત્રિલોક સિંહને જમ્મૂ-કાશ્મીરમાં કેટલાંક અધિકારીઓ સાથે મુલાકાત કરાવવાની વિનંતી કરી હતી. એ પછી ત્રિલોક સિંહે બે અધિકારીઓ સાથે કિરણ પટેલની ઓળખાણ કરાવી હતી.

 ફેબ્રુઆરી મહિનામા બડગામના ડેપ્યુટી કમિશ્નર ફખરીદ્દન હામિદને શંકા ગઇ હતી અને તેમણે જાતે જ તપાસ શરૂ કરી હતી. તપાસ કરતા હામિદને જાણવા મળ્યું કે PMOની વેબસાઇટ પર કિરણ પટેલ તરીકે કોઇ પણ અધિકારીનું નામ હતું જ નહીં. એ પછી હામિદે તંત્રને જાણકારી આપી અને બધાને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા.

1 માર્ચે હામિદે દુધપથરી ડેવલમેન્ટ ઓથોરિટીના CEOને એલર્ટ કરી દીધા હતા. કિરણ પટેલે ઓથોરિટીના CEOને ફોન કરીને કહ્યું હતું કે તે ત્યાં રોકાવવા માટે આવી રહ્યો છે. એ પછી CIDએ 2 માર્ચે જમ્મ-કાશ્મીર પોલીસને માહિતી આપી કે કિરણ પટેલ ફ્રોડ છે. આમ તો કિરણ પટેલને એરપોર્ટ પર જ પકડી લેવાના આદેશ હતા, પરંતુ કોઇક કારણોસર પોલીસે એરપોર્ટ પર ધરપકડ ન કરી અને તેને હોટલમાં જવા દેવાયો અને પછી ત્યાં તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp