રાજકોટ-જામનગર હાઇવે પર લગ્નમાં જતા કાર ટ્રકમાં ઘૂસી ગઇ, સાસૂ-જમાઈ-બાળકનું મોત
જામનગર-રાજકોટ હાઇવે પર અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગમાં જતા પરિવારનો અધવચ્ચે જ એકસ્માત થઇ ગયો છે. આ અકસ્માતની ઘટનામાં સાસુ, જમાઇનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું છે. જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે જામનગરની G.G. હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન એક બાળકનું મોત થઇ ગયું. અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.
રિપોર્ટ મુજબ, જામનગરનો પરિવાર હોન્ડા સિટી કારમાં મોડી રાત્રે રાજકોટ લગ્ન પ્રસંગમાં જઇ રહ્યો હતો. ધ્રોલથી આગળ જાયવા ગામ પાટિયા પાસે આવેલી આશાપુરા હૉટલ સામે કાર ચાલુ ટ્રકની પાછળ ભરાઇ ગઇ હતી. અકસ્માત એટલો ખતરનાક હતો કે ટ્રકની પાછળ કાર ભરાઇ જતા કારના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા અને ઘટનાસ્થળ પર જ કારમાં સવાર પાંચમાંથી બે લોકોના મોત થઇ ગયા હતા. જ્યારે ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન એક બાળકનું મોત થઇ ગયું છે.
રિપોર્ટ મુજબ, મૃતકોમાં સાસુ, જમાઇ અને એક બાળક સામેલ છે. જ્યારે એક બાળકો અને એક વૃદ્ધા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતના કારણે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે ઇજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે શબગૃહમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુરુવારે રાજકોટથી વિસાવદર જતી જાનૈયાઓની ટ્રાવેલ્સ બસ અને યુટિલિટી વાન વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માત બાદ ટ્રાવેલ્સ નજીકમાં આવેલી નોનવેજની લારીને અડફેટે લઇને કારખાનાની દીવાલમાં ભરાઇ ગઇ હતી. જો કે, જાનૈયાઓને કોઇ ઇજા થઇ નહોતી. જાનની બસ ગોંડલમાં ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ નજીકથી પસાર થતી હતી, ત્યારે આ અકસ્માત થયો હતો. રાજકોટથી વિસાવદર લગ્નનો પ્રસંગ પતાવી બસ જાનૈયાઓને લઇને વિસાવદર તરફ જતા બસ ચાલકે નિયંત્રણ ગુમાવી દેતા પિકઅપ વાન સાથે અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતને કારણે બેકાબૂ બનેલી બસે એક નોનવેજની લારીને અડફેટે લેતા કારખાનાની દીવાલમાં ભરાઇ ગઇ હતી. બસમાં બેસેલા 15-20 જાનૈયાઓનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાના કારણે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે ટ્રાવેલ્સની બસને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જામનગર રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક બે મહિના અગાઉ પણ ભયંકર અકસ્માત થયો હતો. પૂરપાટઝડપે આવતી કાર રસ્તા પરથી ઉતરી જતા કારમાં સવાર ચારમાંથી એક બાળક સહિત બે લોકોના મોત થઇ ગયા હતા, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp