પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા હોસ્પિટલમાં દાખલ, શ્વાસ લેવાની તકલીફ, બાયપાસ...
ગુજરાતના દિગ્ગજ નેતા ભૂપેન્દ્ર ચુડાસમાની મધરાતે તબિયત બગડી જતા તેમને હોસ્પિટલમાં દાખલ કરતા ભાજપના નેતાઓ ચિંતામાં મુકાઇ ગયા છે. તેમને શ્વાસની તકલીફ ઉભી થતા તાત્કાલિક હોસ્પિટલ લઇ જવા પડ્યા હતા.
ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાંની મંગળવારે મોડી રાત્રે તબિયત લથડી જતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. તેમને શ્વાસની તકલીફ ઉભી થઇ હતી. તબીબોએ કહ્યું છે કે, તેમની નળીમાં બ્લોકેજ હોવાને કારણે બાયપાસ સર્જરી કરાવવામાં આવશે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં શિક્ષણ મંત્રી રહેલા ભૂપેન્દ્ર ચુડાસમાં ભાજપના સિનિયર નેતા છે અને મંગળવારે રાત્રે બે વાગ્યે જ્યારે તેઓ ગાંધીનગરમાં તેમના નિવાસ સ્થાને હતા ત્યારે તબિયત બગડી હતી. તેમને તાત્કાલિક યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તબીબોની એક ખાસ ટીમ ભૂપેન્દ્ર ચુડાસમાની સારવારમાં તૈનાત કરી દેવામાં આવી છે અને તેમની નળીમાં બ્લોકેજ માલૂમ પડતા બુધવારે સાંજે તેમની બાયપાસ સર્જરી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તબીબોએ કહ્યું કે, બાયપાસ સર્જરી બાદ તેમને 3 દિવસ સુધી ICUમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.
ગુજરાત ભાજપમાં ‘બાપુ’ હુલામણા નામથ જાણીતા ભૂપેન્દ્ર ચુડાસમાની 30 વર્ષ કરતા વધારેની કારકિર્દીમાં ત્યારે ડાઘ લાગ્યો હતો જ્યારે ગુજરાત હાઇકોર્ટે વિધાનસભાની ચૂંટણીમાં થયેલી તેમની જીતને રદ કરી દીધી હતી.
આમ તો ભાજપના આ દિગ્ગજ નેતા 74 વર્ષની વયે પહોંચ્યા છે, પરંતુ તેમણે 33 વર્ષ કરતા વધારે રાજકીય ઇનિંગ રમી છે. ચુડાસમાને એક શાંત, સૌમ્ય અને સિનયર આગેવાન તરીકે ઓળખવામાં આવે છે.તેઓ અનેક હોદ્દાઓ પર જવાબદારી સંભાળી ચૂક્યા છે.
ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાં 1990થી વર્ષ 2020 સુધી મંત્રી પદે રહી ચૂક્યા છે. વર્ષ 2019ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચુડાસમાં ધોળકા વિધાનસભામાંથી ચૂંટાયા બાદ પ્રથમ વખત શિક્ષણ મંત્રી અને કાયદા મંત્રી બન્યા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકરામાં ભૂપેન્દ્ર ચુડાસમા સામે અનેક વિવાદો અને આરોપો પણ લાગ્યા હતા.
ભાજપના સિનિયર નેતા ભૂપેન્દ્ર ચુડાસમાની બીજી અન્ય એક ઓળખ એ પણ છે કે તેઓ સરકાર કોઇની પણ હોય, ડેમેજ કંટ્રોલ કરવામાં માહિર છે. ભૂતકાળમાં સ્વ. કેશુભાઇ પટેલની સરકાર હો, નરેન્દ્ર મોદીની સરકાર હોય , આનંદીબેન પટેલની કે વિજય રૂપાણીની સરકાર હોય, દરેક વખતે તેમણે ડેમેજ કંટ્રોલ કરવાની સાથે તેમણે ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને સરકાર વચ્ચે સમન્વય સાધવામાં મોટી ભૂમિકા નિભાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp