ગુજરાતના પૂર્વ કૃષિ મંત્રી અને BJP નેતાની કાર બુલડોઝર સાથે ટકરાઇ, મોત

PC: gujarattak.in

ગુજરાતના પૂર્વ કૃષિ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી વલ્લભભાઇ વઘાસિયાનું સાવરકુંડલા પાસે માર્ગ અકસ્માતમાં મોત થયું છે. વઘાસિયા સાવરકુંડલાથી પરત ફરી રહ્યા હતા. દરમિયાન તેમની કાર બુલડોઝર સાથે અથડાઈ હતી.આ અકસ્માતમાં પૂર્વ મંત્રીનું મોત થયું છે. જાણવા મળેલી વિગત મુજબ વઘાસિયા પોતે જ કાર ચલાવી રહ્યા હતા. ઘટનાની જાણ થતા ભાજપના નેતાઓ અને સમર્થકો હોસ્પિટલ પહોંચ્યા હતા.

વાંડા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે અમરેલી જિલ્લાના સાવરકુંડલા પાસે ગુજરાતના પૂર્વ કૃષિ મંત્રી વલ્લભભાઇ વઘાસિયાની કાર એક બુલડોઝર સાથે ટકરાઇ ગઇ હતી અને અકસ્માતમાં તેમનું મોત થયું છે. સાવરકુંડલા વિધાનસભા સીટથી ભાજપના પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઇ વઘાસિયા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારના પહેલા કાર્યકાળમાં કૃષિ અને શહેરી આવાસ મંત્રી તરીકે કામ કર્યું હતું.

પોલીસ અધિકારીએ કહ્યુ હતું કે વલ્લભભાઇ વઘાસિયા ઠવી ગામ નજીકની વાડીએથી ગામની સાવરકુંડલા આવી રહ્યા હતા ત્યારે ગુરુવારે રાત્રે લગભગ સાડા આઠ વાગ્યે વાડાં ગામની પાસે આવેલા શેલાણ નજીક હાઇવે પર અકસ્માત થયો હતો. વાહનમાં તેમની સાથે બેઠેલા એક વ્યકિતને ગંભીર ઇજા થઇ છે. પોલીસે કહ્યું કે, પૂર્વ મંત્રી જાતે જ કાર ચલાવી રહ્યા હતા, જે એક બુલડોઝર સાથે ઝડપભેર ભટકાઇ ગઇ હતી અને વઘાસિયાને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત થઇ ગયું હતું.

જાણવા મળેલી માહિતી મુજબ વલ્લભાઇ વઘાસિયા વેગનઆર કારમાં જઇ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. ઘટનાની જાણ થતા લોકો દોડી આવ્યા હતા અને તેમને 108માં સાવરકુંડલાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નહોતા.

ઘટનાની જાણ થતા ભાજપના મોટા નેતાઓ અને વઘાસિયાના સમર્થકો હોસ્પિટલ પહોંચી ગયા હતા. સાવરકુંડલાના વર્તમાન ધારાસભ્ય મહેશ કસવાલાએ કહ્યું કે, સાવરકુંડલા સીટના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વલ્લભભાઇ વઘાસિયાનું રોડ અકસ્માતમાં મોત થયું છે. તેમણે કહ્યું કે, વઘાસિયા એક કુશળ સંગઠક, પ્રજાની વચ્ચે રહેનારા નેતા અને અમરેલીની જનતાની સેવા કરનારા સેવક હવે આપણી વચ્ચે રહ્યા નથી.

અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાએ કહ્યું કે, વલ્લભભાઇ વઘાસિયાને લોકોના કલ્યાણ માટેની તેમની પ્રતિબદ્ધતા માટે કાયમ યાદ રાખવામાં આવશે. વલ્લભભાઇ વઘાસિયાએ વર્ષ 2012માં ભાજપની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી જીતી હતી અને વર્ષ 2016માં વિજય રૂપાણી સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp