અમદાવાદના મીઠાખળીમાં 3 માળનું મકાન ધરાશાયી, એકનું મોત, 4 ઇજાગ્રસ્ત

અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં 3 માળનું મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. કાટમાળમાં દબાયેલા લોકોને કાઢવામાં આવ્યા. બચાવમાં લાગેલી ટીમોએ 4 લોકોને સુરક્ષિત કાઢ્યા છે. બધાને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ મકાન ખૂબ જર્જરિત હતું. ત્રણ દિવસથી થઈ રહેલા વરસાદમાં આ મકાન ભાર સહન ન કરી શક્યું અને એકદમ ધરાશાયી થઈ ગયું. બચાવકાર્ય બાદ હવે કાટમાળને હટાવવાનુ કામ ચાલી રહ્યું છે.
શહેરના મીઠાખળીમાં મકાન પડવાની ઘટના સવારે 7:00 વાગ્યા અગાઉ થઈ. આસપાસના લોકોએ તેની જાણકારી ફાયર બ્રિગેડને આપી. ફાયર વિભાગની ટીમોએ ઘટનાસ્થળ પર પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધુ હતું. ટીમ કાટમાળમાં ફસાયેલી એક બાળકી સહિત 4 લોકોને સુરક્ષિત કાઢ્યા. જો કે, કાટમાળમાં દબાવાથી એક વ્યક્તિનું મોત થઈ ગયું. બચાવ કામમાં ફાયર વિભાગ સાથે સ્થાનિક લોકો પણ જોડાયા. નાની છોકરીને સૌથી પહેલા કાઢવામાં આવી અને તેને સારવાર માટે ખસેડવામાં આવી.
રિપોર્ટ્સ મુજબ, અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ 60 વર્ષીય વિનોદભાઇ ભીખાભાઇ દાતણિયાના રૂપમાં થઈ છે, જ્યારે ઘરમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવેલા લોકોની ઓળખ ગૌરવભાઈ મુકેશભાઇ દાતણિયા, કિશનભાઈ મુકેશભાઇ દાતણિયા, શિલ્પાબેન અને તનીષાબેન કિશનભાઈ દાતણિયાના રૂપમાં થઈ છે. તનીષા માત્ર 2 વર્ષની છોકરી છે. સવારે 7:03 વાગ્યે ફાયર કંટ્રોલ રુમને મીઠાખળી ગ્રામીણ વિસ્તારમાં 3 માળની ઇમારત પડવાની જાણકારી મળ્યા બાદ નવરંગપુરા ફાયર સ્ટેશન પર પણ કોલ ગયો હતો.
ત્યારબાદ તરત જ ફાયર સ્ટેશનથી કર્મચારીઓની ટીમો રવાના થઈ. ત્યારબાદ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. ઘટનાસ્થળ પર ઉપસ્થિત 108 એમ્બ્યુલન્સથી ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલવામાં આવ્યા. આ અંગે ઇજાગ્રસ્ત શિલ્પાબેને જણાવ્યું હતું કે આજે વહેલી સવારે જ્યારે કંઈક પડવાનો અવાજ આવ્યો હતો ત્યારે પાડોશી મહિલાને પૂછ્યું હતું કે કંઈ પડ્યું છે કે કેમ? જેથી કંઇ પડ્યું નથી, એવું કહ્યું હતું. જો કે તેની પાંચ મિનિટમાં જ આખું મકાન ધરાશાયી થયું હતું, જેમાં હું અને મારી નાની છોકરી સહિત ચાર લોકો અંદર ફસાઈ ગયા હતા.
તેણે આગળ કહ્યું કે, તાત્કાલિક લોકોએ અમને બહાર કાઢ્યા હતા. મારી દીકરીને પગમાં વાગ્યું હતું. સારવાર માટે અમે SVP હોસ્પિટલમાં ગયા હતા, જ્યાં સીટી સ્કેન સહિતનો એક જણનો ખર્ચ 8,000 રૂપિયા જેટલો કહ્યો હતો. ચાર જણના અમને 24,000 રૂપિયા કહ્યા હતા. ત્યાર બાદ તેઓ મીઠાખળી ગામમાં પરત આવી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં વરસાદી સીઝનમાં આ મકાનો પડવાની મોટી ઘટના છે. આ અગાઉ રથયાત્રા દરમિયાન એક મકાનની બાળકની તૂટી ગઈ હતી. એ ઘટનામાં પણ એકનું મોત થઈ ગયું હતું અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp