આ માછલીને ગુજરાતની રાજ્ય માછલી જાહેર કરાઈ, 5 લાખ રૂપિયા...

PC: indiatoday.in

ઘોલ માછલીને ગુજરાતની રાજ્ય માછલી જાહેર કરવામાં આવી છે. અમદાવાદના સાયન્સ સિટી ખાતે બે દિવસીય ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઈન્ડિયા 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલે ઘોલ માછલીને રાજ્યની માછલી જાહેર કરી છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મંત્રીઓ અને અધિકારીઓએ ભાગ લીધો હતો.

કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલ દ્વારા ઘોલ માછલીને રાજ્યની માછલી જાહેર કરવાની વાત કરતાં કહ્યું હતું કે, થોડા સમય પહેલા મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સરકારે પણ પોત પોતાના રાજ્યની માછલી જાહેર કરી હતી.

ઘોલ માછલીમાં ઘણા એવા ગુણ હોય છે જે સ્વાસ્થ્ય અને સ્વાદ બંનેની દ્રષ્ટિએ સારા માનવામાં આવે છે. અહીં તમને જણાવી દઈએ કે, ઘોલ માછલી ભારતમાં જોવા મળતી સૌથી મોટી માછલીઓમાંની એક છે. આ માછલી ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાઈ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. તેનો રંગ આછો સોનેરી અને તાંબા જેવો હોય છે. તેના સ્વાદ અને સ્વાસ્થ્યવર્ધક ગુણોને કારણે તેની ખૂબ માંગ છે.

ઘોલ માછલી, જે વૈજ્ઞાનિક રીતે 'પ્રોટોનિબિયા ડાયકાન્થસ' તરીકે ઓળખાય છે અને સામાન્ય રીતે કાળા ડાઘાવાળી ક્રોકર માછલી તરીકે ઓળખાય છે, તે એક અપવાદરૂપ નમૂનો છે. તે તેના ઔષધીય ગુણોને કારણે પૂર્વ એશિયામાં ખૂબ જ પ્રતિષ્ઠિત છે. આયોડિન, ઓમેગા -3, DHA, EPA, આયર્ન, ટૌરિન, મેગ્નેશિયમ, ફ્લોરાઇડ અને સેલેનિયમ જેવા પોષક તત્ત્વોના ભંડારથી ભરપૂર, આ માછલીને પોષક પાવરહાઉસ ગણવામાં આવે છે.

લાંબી દેખાતી આ માછલીની કિંમત પણ ઘણી સારી છે. આ 1 માછલીની કિંમત લગભગ 5 લાખ રૂપિયા છે. તેનાથી ઘણી વાનગીઓ તૈયાર કરવામાં તો આવે જ છે, આ ઉપરાંત, તેનો ઉપયોગ બિયર અને વાઇન બનાવવામાં પણ થાય છે. આટલું જ નહીં તેમાં જે એર બ્લેડર મળે છે તેનો ઉપયોગ દવાઓ બનાવવામાં થાય છે. તેનું માંસ અને એર બ્લેડર અલગ-અલગ વેચાય છે, એર બ્લેડરની મુંબઈથી નિકાસ કરવામાં આવે છે.

મુખ્યત્વે ઈન્ડો-પેસિફિક પ્રદેશમાં જોવા મળતી હોવા છતાં, ઘોલ માછલી હવે વૈશ્વિક સ્તરે સૌથી મોંઘી દરિયાઈ માછલીઓમાંની એક છે, પ્રદૂષણના સ્તરને કારણે તેમનું નિવાસસ્થાન કિનારાથી ઊંડા સમુદ્ર તરફ સ્થળાંતર થઇ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp