વિસાવદરના GRD જવાન આસિફે જીવન ટૂંકાવ્યું, સ્યુસાઇડ નોટમાં લખ્યું- પેપરો ફૂટે...
જૂનાગઢના વિસાવદરમાં રહેતા અને સરકારી ભરતીની પરીક્ષાઓ માટે તૈયારી કરતા યુવાનને મહેનત કરવા છતા નોકરી ન મળતા ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લેતા હાહકાર મચી જવા પામ્યો છે. મૃતક વિસાવદરની મામલતદાર ઓફિસમાં GRD જવાન તરીકે ફરજ બજાવતો હતો. આજે કચેરી બહાર જ ઝેરી દવા ગટગટાવી જિંદગી ટૂંકાવી લીધી હતી. ત્રણ બહેનોના એકના એક ભાઈ અને વૃદ્ધાવસ્થાનો સહારો કહેવાતા દીકરો આમ જતા રહેતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
મૃતકે લખેલી સ્યુસાઈડ નોટમાં વારંવાર ભરતી પરીક્ષાના પેપરો ફૂટવાની ઘટનાને લઈ નારાજગી વ્યકત કરી છે. લખ્યું છે કે ક્યાં સુધી માતા-પિતાના સહારે ભણતર લઈશું. ક્યાં સુધી મનને મનાવવું. વર્ષ 2017થી પરીક્ષા આપવા જાય એટલે પરીક્ષા રદ્દ, કેન્દ્રની પરીક્ષા હોય કે ગુજરાતની લાંબા સમયથી પરીક્ષા રદ્દ કરવા સિવાય બીજું કશું મળતું જ નથી. હવે તો માનસિક રીતે થાકી ગયા છીએ. આસિફે સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે પિતાથી કામ થતું નથી.
જે હવે ઊભા પણ થઈ શકતા નથી. તો પણ છેલ્લા 6 મહિનાથી સમય માગ્યો અને કહ્યું- પપ્પા, એક ચાન્સ આપો, બધું ઠીક થઈ જશે, પણ હવે બધું બગડ્યું. તેણા આગળ લખ્યું કે, પરીક્ષામાં બસ ભાડું મફત કરવાથી કોઈ ફરક પડતો નથી. જિંદગીની 50 ટકા ઉંમર પૂરી થઈ ગઈ છે. કદાચ કંપનીમાં નોકરીએ લાગ્યા હોત તો અત્યારે 5 વર્ષનો અનુભવ થઈ ગયો હોત અને સારો પગાર થઈ જાત. આ વખતની પરીક્ષામાં પૂરો વિશ્વાસ હતો કે લાગી જઈશું.
યાદ રહેતું નહોતું તો પણ કોડિંગ ભાષાથી બધું શીખ્યું. પરિવારમાં એક કમાણી પર બધું હોય તેને ખબર હોય. 100 દિવસ શું છે એ વિદ્યાર્થી અને સામાન્ય લોકોને જ ખબર હોય. ખરેખર બોર્ડનું કામ હતું કે પરીક્ષાનું પેપર ફૂટે નહીં. પરીક્ષા મોકૂફ રાખી બોર્ડે કોઈ મહાન કામ કર્યું નથી. પપ્પાની હાલત જોઈ રોજ રડવું આવે છે. શું કરવું ખબર પડતી નથી. તેણે પરિવારજનોને લખ્યું છે, એક ભાઈ તરીકે આજ સુધી કંઈ આપી શક્યો નથી. મારા પગારની થોડીક મૂડી છે એ બહેનો તમે લઈ લેજો, કારણ કે અમદાવાદમાં ભાડું વધતું જશે. બસ, સબર કરજો.
અલ્લાહના ફરિસ્તા સમજી મારી મિલકતની હકદાર મારી બહેનો તમે ખુશીથી લઈ લેજો. મારી પાસે દાન કરવા બીજું કશું નથી, નોકરી મેળવી બહેનોને મકાન અને ભાણિયાને ભણાવવા હતા, પણ સપનું અધૂરું રહી ગયું. આસિફે સ્યુસાઈડ નોટમાં પોલીસ સ્ટાફનો આભાર માનતા લખ્યું છે કે આજ સુધી મારા ઘડતરમાં તમામ કર્મચારીઓનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. મારા માતા-પિતા હેરાન ન થાય તેના માટે ગમે ત્યાં મારી મદદ કરી છે.
તેણે સ્યુસાઈડ નોટમાં પોતાના પરિવારજનોને સંબોધીને લખ્યું છે કે મારી માતા મારું હૃદય હતી, મારા પિતા મારી આત્મા હતા અને મારો પરિવાર મારું જીવન હતું. અત્યાર સુધીની સફળતામાં અલ્લાહ/ભગવાન કરતા પણ સૌથી મૂલ્યવાન અને દયાવાન મારા માતા-પિતા અને મારી બહેનો હતી. એક રિપોર્ટ મુજબ, તે ફરજ પર હતો ત્યારે રાત્રિના સમયે જ ઝેરી દવા પી લીધી હતી.
આત્મહત્યાનું કારણ ચોક્સ જાણવા મળ્યું નથી, પરંતુ સરકાર દ્વારા યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને આર્થિક સ્થિતીને લઈ આ પગલું ભર્યાંનું જાણવા મળે છે. તેણે એક સ્યુસાઈડ નોટ પણ લખી છે. આ અંગે જુનાગઢના DYSPએ કહ્યું હતું કે મૃતક GRDમાં નોકરી કરતો હતો. મહેનત કરવા છતા રોજગાર ન મળતા આ પગલું ભર્યું હોવાનું સ્યુસાઈડ નોટમાં લખ્યું છે. સુસાઈડ નોટના આધારે આકસ્મિક મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp