
આજે વહેલી સવારથી જ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા છે. વહેલી સવારથી જ ભગવાન શિવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા અને શિવમય બન્યા છે. સોમનાથમાં પણ મહાશિવરાત્રિનું હર્ષોલ્લાસ સાથે આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે મહાશિવરાત્રી પર્વને લઈ સોમનાથમાં 17-19 ફેબ્રુઆરી દરમિયાન ત્રિ-દિવસીય વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં સોમનાથ મંદિર સવારે 4 વાગ્યાથી લઇ સતત 42 કલાક સુધી ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવશે. તો દિવસ દરમિયાન ચાર પ્રહરની વિશેષ પૂજા-આરતી, મહામૃત્યુંજય યજ્ઞ, પાલખીયાત્રા, પાર્થેશ્વર મહાપૂજન, ધ્વજારોહણ, પાઘ પૂજન, શોભાયાત્રા, સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મહાશિવરાત્રિના પાવન પર્વ પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા.
અહીં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકસભાની ચૂંટણી વર 2024ને લઈને મોટું નિવેદન આપ્યું છે. વિજય રૂપાણીએ કહ્યું કે, હું ઈચ્છું છું કે, નરેન્દ્ર મોદી ફરી એક વખત દેશના વડાપ્રધાન બને. લોકસભાની ચૂંટણીમાં 400 દિવસ બાકી છે. હું ઈચ્છું છું કે 400 સીટો હાંસલ કરીને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને અને 5 વર્ષના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરે. વિજય રૂપાણી મહાશિવરાત્રિના પાવન પર્વ પર સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા. વિજય રૂપાણી વર્તમાનમાં પંજાબના પ્રભારી છે.
સપ્ટેમ્બર 2021માં ભાજપે રાજ્યમાં જ્યારે નો રીપિટ થિયરી લાગૂ કરી હતી તો વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેવું પડ્યું હતું. દિલ્હીના રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)એ લોકસભાની ચૂંટણીની તૈયારીઓનું બ્યૂગલ ફુંકી દીધું હતું.વિજય રૂપાણીનું આ નિવેદન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના એ નિવેદન બાદ આવ્યું. જેમાં તેમણ કહ્યું હતું કે, વર્ષ 2024માં ભાજપ માટે કોઈ પડકાર નથી. આખો દેશ નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવા માટે આતુર છે.
ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં ભાજપે અત્યાર સુધીની સૌથી મોટી જીત હાંસલ કરી છે. ડિસેમ્બર 2022માં થયેલી વિધાનસભાની ચૂંટણીને 182માંથી 156 સીટો હાંસલ કરી હતી. લોકસભાની બધી 26 સીટો પર ગત વખતથી ભાજપે કબજો કરી રાખ્યો છે. રાજ્યમાં રાજ્યસભાની 11માંથી 8 સીટો ભાજપ પાસે છે. ભાજપે વર્ષ 2014ની ચૂંટણીમાં પોતાના બળ પર લોકસભાની 543 સીટોમાંથી 282 સીટો જીતી હતી. લોકસભામાં બહુમતનો આંકડો 271 સીટોનો છે.
વર્ષ 2019ની ચૂંટણીમાં ભાજપે 5 વર્ષની સત્તા બાદ સીટોમાં વધારો કરતા 303 સીટો જીતી હતી. અત્યારે કોઈ એક વિધાનસભાની ચૂંટણીમાં સર્વોચ્ચ સીટો જીતવાનો રેકોર્ડ કોંગ્રેસના નામ પર છે. કોંગ્રેસ પાર્ટીએ વર્ષ 1984ની ચૂંટણીમાં 414 સીટો જીતી હતી. આ અગાઉ વર્ષ 1980ની ચૂંટણીમાં કોંગ્રેસને (ઇન્દિરા ગાંધીને) 353 સીટો મળી હતી. જ્યારે વર્ષ 1971ની ચૂંટણીમાં કોંગ્રેસ (R)ને 352 સીટો મળી હતી. એવામાં જો રૂપાણીના નિવેદન મુજબ ભાજપ 400 સીટોથી સત્તામાં આવે છે તો દેશના ઇતિહાસની બીજી સૌથી મોટી જીત હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp