બિપરજોય વાવાઝોડાથી થયેલા નુકસાન માટે ગુજરાત સરકાર આપશે આટલા રૂપિયા, પેકેજ જાહેર

PC: ddnews.gov.in

ગુજરાત સરકારે રાજ્યના કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં વાવાઝોડાને કારણે થયેલા નુકશાનને કારણે રાહત પેકેજનું એલાન કર્યું છે.સર્વે કર્યા પછી સરકારે બંને જિલ્લા માટે 240 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. ખેડુતોને પાકના થયેલા નુકશાન માટે આ રકમ ફાળવવામાં આવશે.

ગુજરાતમાં વાવાઝોડા ‘બિપરજોય’થી થયેલા નુકસાનનો સર્વે કર્યા પછી, રાજ્ય સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કૃષિ પ્રધાન રાઘવજી પટેલે રાહત પેકેજની જાહેરાત કરી હતી. પટેલે જણાવ્યું હતું કે ગયા મહિને  વાવાઝોડાથી પ્રભાવિત કચ્છ અને બનાસકાંઠાના ખેડૂતોને રૂ. 240 કરોડનું રાહત પેકેજ આપવામાં આવશે.

પેકેજની વિગતો આપતા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે વાવાઝોડાને કારણે એકલા કચ્છ અને બનાસકાંઠામાં 1.30 લાખ હેક્ટરમાં ઉભા પાકો તેમજ ફળોના ઝાડને નુકસાન થયું છે.

રાઘવજી પટેલે જણાવ્યું હતું કે જે ખેડૂતોના બાગાયતને 10 થી 33 ટકા નુકસાન થયું છે તેમને પ્રતિ હેક્ટર 25 હજાર રૂપિયાના દરે વળતર આપવામાં આવશે. પ્રતિ હેક્ટર 1.25 લાખ રૂપિયા અને 33 ટકાથી વધુ નુકસાનના કિસ્સામાં વધુમાં વધુ બે હેક્ટર માટે વળતર આપવામાં આવશે. ગયા મહિને કચ્છમાં વાવાઝોડાના લેન્ડફોલ પછી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુજરાતના મુખ્ય પ્રધાન સાથે કચ્છનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. આ પછી તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર પેકેજની જાહેરાત કરશે.

ગુજરાત સરકારના રાહત પેકેજની જાહેરાત પહેલા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગૃહ મંત્રી અમિત શાહની દિલ્હીમાં મુલાકાત કરી હતી અને પેકેજ વિશે જાણકારી આપી હતી.

કચ્છ અને સૌરાષ્ટ્રની સાથે વાવાઝોડાથી પ્રભાવિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં થયેલા નુકશાનના અંદાજ માટે 311 ટીમ સર્વે કરવા માટે કામે લાગી હતી. હવે રાજ્ય સરકારે કચ્છ અને બનાસકાંઠાના ખેડુતોને મદદ કરવા માટે 240 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરી દીધું છે.

રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રીએ કહ્યું કે બાગાયતી પાકોમાં 10 ટકાથી વધુ અને 33 ટકા સુધીના વૃક્ષો પડવાના અને તૂટી જવાના કેસમાં રાજ્યના ભંડોળમાંથી પ્રતિ હેક્ટર રૂ. 25,000ની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય 33 ટકા કે તેથી વધુ વૃક્ષો પડવાના કે તૂટી જવાના કેસમાં SDRFના નિયમો અનુસાર પ્રતિ હેક્ટર રૂ. 22 હજાર 500ની સહાય ઉપરાંત ખાસ્સા કિસ્સામાં પ્રતિ હેક્ટર  1,02, 500 સહિત કુલ 1, 25,000 હેકટરના હિસાબે પ્રતિ ખાતાધારકને બે હેકટરમાં સહાયતા આપવાની જાહેરાત કરવામાં આવી છે. SDRF સિવાય, સહાયની રકમમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વધારો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp